વિશ્રામ ૬૬

મુળીમાં પરમાર ભારાજીનાં દીકરી બાઈજી, તે રાણા ગજુભાઈ ઢુવાવાળાની ભાર્યાને ગઢડે મહારાજ આગળ વર્તમાન ધરાવેલા. તેઓએ મહારાજનો સમાગમ ઘણો કરેલ હતો. જામનગરમાં ગજુભાઈ કારભારું કરતા. તેમને દ્રવ્ય ઘણું મળેલું. પોતાના દેહનું આયુષ્ય આવી રહ્યું જાણી પોતાની ભાર્યાને કહ્યું જે આ મારું દ્રવ્ય છે તે સત્સંગ અર્થે વાપરજો.

બાઈજીબાએ પોતાની માલિકીનું ગામ ઢુવામાં આવેલું એંસી વીઘાનું ખેતર મંદિરમાં આપ્યું, પરંતુ તેમના પતિશ્રીએ રૂપિયા વાપરવાના કહેલ તે ન વાપર્યા. બાઈજીબા મુળી દર્શને આવ્યાં. ઠાકોરજીનાં દર્શન કરી શ્રીજીની મૂર્તિ સામું જોઈ બેઠાં હતાં ત્યારે શ્રીજીમહારાજે દિવ્યરૂપે દર્શન આપી કહ્યું: "તમારા ધણીએ રૂપિયા વાપરવાના કહેલ તે હજુ વાપર્યા નથી, તો ભૂત થવું પડશે."

ત્યારે બાઈજીબા બોલ્યાં: "મહારાજ! શેમાં વાપરું?"

મહારાજ કહે: "હિંડોળો રૂપાનો કરાવો. એમાં દશ હજાર રૂપિયા વાપરો અને સાધુને એક રસોઈ આપો."

તેઓ દર્શન કરી ઘેર આવ્યાં. રાત્રે મહારાજની મૂર્તિ દેખાવા માંડી. જેથી એમ સંકલ્પ કર્યો જે હવે તો સવારમાં રૂપિયા આપી હું હિંડોળો કરાવું. સવારે મંદિરમાંથી કોઠારીને બોલાવી રૂપાનો હિંડોળો બનાવવા માટે રૂપિયા ગણી આપ્યા. બાઈજીબાએ સંતોને રસોઈ પણ આપી. ભારે જરીના વાઘા, શેલા, પાઘડી અને ઘરેણાં ધરાવ્યાં. આવી રીતે શ્રીજી ભક્તોના મનોરથ પૂર્ણ કરતા ને પોતાની મૂર્તિ દ્વારા ઘણા હરિભક્તોનાં કામ કરતા હતા. પ્રગટપણે કેટલીક વાર ભક્તજનને આનંદ ઉપજાવતા હતા. સંકલ્પ મનોરથ પૂર્ણ કરતા હતા.

મુળી મંદિરમાં એક વાર બ્રહ્મચારીએ મહારાજને પાણી પાયા (પિવડાવ્યા) વગર પોઢાડી દીધા. બ્રહ્મચારી સૂવા ગયા પણ તેઓને ઊંઘ આવે નહિ. બ્રહ્મચારીને મહારાજે દર્શન આપી કહ્યું: "પાણી નથી પાયું અને સૂઈ ગયા છો તો તમને ઊંઘ શી રીતે આવે?"

પછી બ્રહ્મચારી લક્ષ્મીનારાયણાનંદે મહારાજને પાણી ધરાવ્યું અને પ્રાર્થના કરી કહ્યું : "મહારાજ! હવે પોઢી જાઓ." આ પ્રમાણે ઘણી વાર મહારાજ માગીને થાળ જમતા, ટાઢપ લાગે તો પાગરણ માગતા હતા.

એક વાર ફરીથી મુળીમાં ગવારની શિંગનું શાક કર્યું. એટલે મહારાજ બ્રહ્મચારીને કહે : "હંમેશાં ગવારની શિંગનું શાક ખાવાથી પેટમાં દુઃખે છે."

બ્રહ્મચારી કહે: "કોઠારી આપે તે કરું." પછી કોઠારીના પેટમાં દુઃખવા આવ્યું.

ત્યારે મહારાજે કોઠારીને દર્શન આપી કહ્યું: "મને તો હંમેશાં પેટમાં દુઃખે છે, અને તમને તો એક વખત જ પેટમાં દુઃખવા આવ્યું. અમને તમે ગવારની શિંગનું શાક હંમેશાં ખવડાવો છો, તે અમોને પેટમાં નહિ દુઃખતું હોય?" એમ કહી કોઠારીને સારું કરી દીધું. આવી રીતે ઘણા પરચા આપી સર્વેના મનોરથ પૂર્ણ કરતા હતા.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે છાસઠમો વિશ્રામ.