વિશ્રામ ૪૩

મહારાજ જમીને બેઠા એટલે વસ્ત્ર, ચંદન તથા પુષ્પના હાર જાલમસિંહજી તથા કસલીબા એ બંને લાવ્યા અને મહારાજની પૂજા કરી. મહારાજ આગળ રૂપિયા ભેટ મૂક્યા.

તે સમયે ભડવાણાના ઈશ્વર મહેતા બોલાવવા આવ્યા અને મહારાજને વિનંતીપૂર્વક કહ્યું : "અમારે ગામ પધારો તો સારુ. દરબારમાંથી સર્વેએ મને તેડવા મોકલેલ છે."

તે સમે ભાથરિયાના માવજી ગાંધી આવતા હતા. તેમણે પણ મહારાજને પ્રાર્થનાપૂર્વક કહ્યું: "મારે ઘેર પધારો અને મારું ઘર પાવન કરો." બંનેનો આગ્રહ જોઈ મહારાજ પહેલાં ભાથરિયે માવજીભાઈને ઘેર પધાર્યા અને ત્યાંથી ભડવાણે આવ્યા. રાણા મનુભા તથા મદારસંગજીના દરબારમાં રાત રહ્યા અને એમના ઘેર થાળ જમ્યા.

વિપ્ર ઈશ્વર પ્રત્યક્ષ ભગવાન મેળવવા માટે જગન્નાથજી, કાશી, ગોકુળ, મથુરા, દ્વારિકા, પ્રભાસ, સેતુબંધ, રામેશ્વર, બદ્રિકેદાર આદિ સર્વ તીર્થ ફરતા ફરતા પાછા ઘેર આવ્યા. પોતાને એમ થયું જે હજુ પ્રત્યક્ષ પ્રમાણ ભગવાન મળ્યા નથી ત્યાં સુધી શાંતિ નથી થતી, એમ વિચાર કરતા હતા. તે અરસામાં તેઓ શાલિગ્રામની સેવા કરતા હતા ત્યારે શાલિગ્રામ બોલ્યા: "આ સ્વામિનારાયણ છે તે (પોતે) સ્વયં ભગવાન છે," એમ કહ્યું. ત્યારે તેઓ શ્રીહરિનાં દર્શન કરી શાંતિ અને આનંદ પામ્યા. પોતાના મનનો સંકલ્પ હતો તે પ્રમાણે શાંતિ પામ્યા. પોતાના મનનો મનોરથ પૂરો થયો. મહારાજ એમના મનનો સંકલ્પ જાણી તેમને ઘેર ગયા. જમનાબાઈએ મહારાજનો થાળ કર્યો. મહારાજ જમ્યા અને સૌ સાધુ, પાર્ષદો અને કાઠીને જમાડી મહારાજ તરમણિયા ગયા.

મૂલજી રાવલને ઘેર જમી મહારાજ લખતર પધાર્યા. રાણા દેવાજીએ તળાવ પર કરેલ જે ધર્મશાળા ત્યાં તળાવની પાળ ઉપર મહારાજ બિરાજમાન થયા. રાવલ ભવાનીશંકર મહારાજનાં દર્શને આવ્યા. તેમણે મહારાજને જમવા સારુ થાળ કરાવ્યો અને પોતાને ઘેર રસોઈ કરાવી. મહારાજે સાધુ, પાર્ષદ અને કાઠી આદિને જમાડ્યા. તળાવની પાળ આગળ સભા કરી. ગામમાંથી ઘણા માણસો આવ્યા અને દર્શન કરી સૌ બેઠા. તે સર્વેને મહારાજે જ્ઞાન, વૈરાગ્ય, સ્વધર્મ સંબંધી ઘણો ઉપદેશ કર્યો. જેથી જેશંકર રાવલ, માવજી ભટ્ટ, લવજી પટેલ, જેઠા મેરઈ, નથુ શેઠ, બ્રાહ્મણ, વાણિયા, ગરાસિયા, દાજીભાઈ આદિ ઘણાને વર્તમાન ધરાવ્યાં ને રાત્રિ રહી શ્રીહરિ વણા ગયા.

વણાના દરબાર મનુભા મહાભક્ત હતા. તેમના દીકરા મોતીભાઈ, ગુલાબસિંહજી, લધુભા આદિ તથા દોલુભાના દરબારમાં રાજુબા, સુંદરબા, જામબા, આસુબા આદિ તે શ્રીજીની પધરામણી કરાવતા હતા. પોતાના દરબારમાં રસોઈ કરાવી, સુધીની પંક્તિ કરાવી સૌને જમાડી મહારાજ મનુભાના દરબારમાં થાળ થયો એટલે જમવા પધાર્યા. સાંજે દરબારમાં સભા થઈ. શ્રીજીમહારાજ, અયોધ્યાપ્રસાદજી મહારાજ, વાસુદેવાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, ભોમાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી આદિ તથા હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ઝાલાવાડના ઘણા હરિભક્તો પાસે બેઠા હતા. તે સૌ સૌના ગામ પધરામણી કરાવવા લઈ જવા માટે ઘણો આગ્રહ મહારાજને કરતા હતા.

તે સમે ભદ્રેસીથી સુરચંદ શેઠ મહારાજને તેડવા માટે આવ્યા. મહારાજે સુરચંદ શેઠને કહ્યું: "તમે જાઓ, કાલે તમારે ગામ અમો આવીશું." એમ કહી સુરચંદ શેઠને હાર આપ્યો. શેઠ ગયા અને ઘેર આવી સરસામાન તૈયાર કર્યો.

શ્રીજીમહારાજ બીજે દિવસે મનુભાને ત્યાં મોતૈયા લાડુની રસોઈ જમી રહ્યા પછી તેઓશ્રીએ મહારાજની દરબારમાં પધરામણી કરાવી. મહરાજને તોરા, ગજરા, બાજુબંધ, ગુલાબના હાર પહેરાવી એક સાંતીની જમીન અર્પણ કરી તથા શેલાં, પાઘડી, સોનાનો દોરો, હેમનાં કડાં પહેરાવતા હતા. રાજુબાએ પોતાના ઘરની સર્વ પાઈ, પટારા સહિત ઘરની સામગ્રી અર્પણ કરી ને બીજો ઓરડો પોતાનો હતો તેમાં તેઓ રહ્યા. પોતાનો દરબાર મહારાજને અર્પણ કર્યો. તે સરસામાન ગ્રહણ કરતા થકા શ્રીજીમહારાજ તૈયાર થયા.

ભદ્રેસીના હરિભક્ત ગાડાં લઈ તેડવા આવ્યા. મનુભા તો શ્રીજીમહારાજ સાથે મુળીએ આવીશ એમ કહી સાથે ગયા. ભદ્રેસીથી સુરચંદ શેઠ સામા આવ્યા અને વાજતે-ગાજતે ગામમાં પધાર્યા. રસોઈ કરાવી સૌને જમાડ્યા. સુરચંદ શેઠને ઘેર થાળ થયો પછી મહારાજ જમવા બેઠા.

સુરચંદ શેઠની દીકરીએ મહારાજ પાસે આવી દર્શન કર્યાં. મહારાજને પ્રાર્થના કરી કહ્યું: "હે મહારાજ! મારે ગામ પધારો અને અમારે ઘેર થાળ જમો અને મારું સારું થાય તેવી કૃપા કરો."

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા: "તમારું ગામ કયું?"

બાઈ બોલ્યાં: "વઢવાણ."

મહારાજ કહે: "તમારા ગામમાં ઢૂંઢિયા વાણિયા છે તે તમને ઉપાધિ કરશે."

બાઈએ કહ્યું: "અમને ઉપાધિ કોઈ કરી શકે એમ નથી."

ત્યારે શ્રીજીમહારાજ કહે: "ભલે આવીશું." મહારાજ જમી રહ્યા પછી ઉતારે પધાર્યા. તે સમે સાધુ આગળ કીર્તન બોલતા જાય તેમ પધાર્યા. પછી મહારાજ વસ્ત્ર પહેરી ઢોલિયા ઉપર બિરાજમાન થયા. સર્વે મહારાજ પાસે આવ્યા. તેમને ભગવાનની વાર્તા બહુ કરી અને કહ્યું: "દારૂ, માટી, ચોરી, પરસ્ત્રીનો ત્યાગ એટલું જેઓ કરે તેઓ આ લોક અને પરલોકમાં સુખી થાય છે. ભગવાનને ભજી ભગવાનના ધામમાં જાય છે." એમ ઘણી વાતો કરી.

બીજે દિવસે પુતળીબાના દીકરા ડોસાભાઈ ઘોડી લઈ મહારાજને તેડવા આવ્યા. મહારાજને આવી કહ્યું: "મહારાજ! અમારે ગામ વઢવાણ પધારો. મારા પિતાશ્રીએ મને તેડવા મોકલ્યો છે." એમ પ્રાર્થના કરી કહ્યું.

મહારાજ કહે: "તમે આગળથી જાઓ, અમે આવશું."

સુરચંદ શેઠને શ્રીજીમહારાજ કહે: "ઉતાવળથી રસોઈ કરાવજો, આજે વઢવાણ જવું છે."

શેઠે કહ્યું: "રસોઈ તૈયાર છે, જમી લ્યો. સંતો જમવા ગયા છે." ત્યારે શ્રીજીમહારાજ જમવા પધાર્યા. કાઠી, ગરાસિયા, પાર્ષદો આદિ સૌને જમાડ્યા. તૈયાર થઈ માણકી ઘોડી લાવ્યા. મહારાજ માણકી પર સવાર થયા. કાઠી તથા ગરાસિયા પણ ઘોડે ચડી તૈયાર થયા. ગામમાંથી ગાડાં જોડાવ્યાં. તે ઉપર સર્વ સંતોને બેસાર્યા અને વઢવાણ બોડા તળાવની પાળે વડ નીચે ઊતર્યા.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે તેતાલીસમો વિશ્રામ.