વિશ્રામ ૯૧
એક સમે મુળીમાં સભા ભરાઈને બેઠી હતી. તે સભામાં શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ બિરાજમાન હતા. ત્યારે લીલાપુરના પટેલ લાલજીભાઈએ કહ્યું જે, "મહારાજ! સુંદરજી સુતારની વાત કરો." મહારાજે સ્વામીને કહ્યું: "સ્વામી તમે વાત કરો." ત્યારે તદ્રૂપાનંદ સ્વામી બોલ્યા જે, સુંદરજી સુતાર ભૂજમાં રહેતા. નાતે ગુજ્જર સુતાર હતા. રાજના કારભારી હતા; તથા તોપખાનાના ઉપરી પણ હતા. રાજ્યની મિલકત, ઘરાણું, હથિયાર, ઘોડા, હાથી સામાન આદિ એમની પાસે રહેતાં હતાં.
તે બાવન બગીચાના ઉપરી હતા. તેમને રામાનંદ સ્વામીનો સત્સંગ હતો. શ્રીજીમહારાજનો જોગ થયો કે તરત જ માહાત્મ્યે સહિત ભગવાનપણાનો નિશ્ચય થયો. તે કોઈના દબાવ્યા દબાય નહિ. એવા સુંદરજી સુતાર તે રાવ સાહેબના કામે બહારગામ જતા હતા. તેમની સાથે પચાસ આરબ, પચાસ ઘોડા અને વીસ ઊંટ અને મશાલ છડીદાર હતા. શ્રીજી ભારે ભારે શેલાં, સોનેરી પાઘડીઓ, કડાં, પોંચીઓ, બાજુબંધ એવી શોભાએ સહિત સરધારમાં બિરાજમાન હતા. સુંદરજીભાઈ ત્યાં આવી દર્શન કરી બેઠા.
તે સમે મહારાજ બોલ્યા: "કોણ છે એ?"
સુંદરજી સુતાર બોલ્યા જે, "એ તો હું, આપનો દાસ છું."
મહારાજ કહે: "દાસ થવું ઘણું કઠણ છે."
સુંદરજી સુતાર કહે જે, "દાસ હોય તેને કંઈ કઠણ નથી."
શ્રીજી કહે: "દાસનાં લક્ષણ શું?"
સુંદરજીભાઈ કહે: "જેમ પોતાના સ્વામી કહે તેમ જ કરે."
મહારાજ કહે જે, "સ્વામી તો કહેશે કે અત્યારે સાધુ થાઓ, તો સાધુ થાશો?"
સુંદરજીભાઈ બોલ્યા જે, "સાચા સ્વામી જાણ્યા હશે અને મહારાજનો ખરો નિશ્ચય હશે તો જેમ કહેશો તેમ જ દાસ કરશે."
મહારાજ બોલ્યા જે, "દાસ હોય તો આ વેઢ, વીંટી, કડાં ઉતારો અને લૂગડાં ઉતારી મૂછ તથા દાઢી મૂંડાવો ને અલફી પહેરો." સુંદરભાઈ કહે: "મહારાજ! જેવી આપની આજ્ઞા."
પછી વાળંદ બોલાવી તેમણે દાઢી-મૂછ મૂંડાવી નાખી અલફી અને ટોપી પહેરાવીને પરમહંસ કરી કહ્યું જે, "હવે કાશીએ જાવ." એમ આજ્ઞા કરી. સુંદરજીભાઈ શ્રીજીની આજ્ઞા મુજબ ચાલી નીકળ્યા.
એકાદ-બે ગાઉ સુંદરજીભાઈ દૂર ગયા હશે ત્યારે બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા ને કહ્યું જે, "આ શું કર્યું? સુંદરજીભાઈને પરમહંસ કર્યા તો હવે પછી કચ્છમાં ઉપાધિ થશે ત્યારે ત્યાં ખાવા નહિ મળે. બીજે ઉપાધિ થતી ત્યારે કચ્છમાં જઈ નિરાંતે રહેતા. તે તમોએ આ શું કર્યું." એમ કહી બ્રહ્માનંદ સ્વામી કીર્તન બોલ્યા જે, "હો સુંદર ઘનશ્યામ, જેમ રાખો તેમ રહીએ વચન સાથજી." એ કીર્તન બ્રહ્માનંદ સ્વામી બોલ્યા ને મહારાજને કહ્યું જે, "આ ઠીક ન કર્યું. સુંદરજીભાઈને પાછા ઘેર મોકલો, તો સારું."
મહારાજે સાધુને તેમને બોલાવી લાવવા પાછળ મોકલ્યા. તે સુંદરજીભાઈને બોલાવી લાવ્યા. સુંદરજીભાઈ પાછા આવ્યા ને મહારાજને પગે લાગ્યા. મહારાજ કહે: "હવે કાશી નથી જવું. તમો તમારે ઘેર જાઓ."
સુંદરજીભાઈ કહે: "મહારાજ! સુખના સાગરમાંથી આ દુઃખના સાગરમાં હવે નથી જવું"
મહારાજ કહે: "દાસને તો જેમ કહીએ તેમ કરવું પડે, તો દાસ કહેવાય અને સુખને ઇચ્છે તે દાસ ન કહેવાય." એમ કહી અલફી ઉતરાવી અને તેમનો જે ભારે પોષાક હતો તે પહેરાવ્યો. મહારાજ તેમને મળ્યા ને છાતીમાં ચરણારવિંદ આપ્યાં. શ્રીજી તેમના પર બહુ રાજી થયા અને કહ્યું: "હવે ઘેર જાઓ."
ત્યારે તેઓ કહે: "મહારાજ! હું આપની આજ્ઞાએ કરી ઘેર જાઉં; પણ જે રીતે સાંખ્યયોગી રહે છે એમ સંસારમાં મારાથી રહેવાય એવો વર આપો."
મહારાજ કહે: "જેવી તમારી મરજી." એમ કહી ઘેર મોકલ્યા. તેઓ સંસારમાં રહ્યા ત્યાં સુધી પોતાની કમાણી ઠાકોરજીને અર્થે ને સાધુને અર્થે વાપરતા અને રાજ્યમાં રહેતા તો પણ પોતાનું જે નિત્ય કર્મ, પાંચ વર્તમાન, માળા, માનસીપૂજા, ધ્યાન-સ્મરણ કરતા. એમાં અંતરાય થાય તો ક્રિયા પડતી મૂકે અને ભજન સુખેથી થાય એમ વર્તતા.
એક સમે મહારાજનાં ઘણા દિવસથી તેઓએ દર્શન કર્યાં નહોતાં. તેઓને મનમાં એમ થયું જે જ્યાં મહારાજ હોય ત્યાં જાઉં. એમ ધારી મુંદ્રાની ખાડીએથી જોડિયા ઊતર્યા. વશરામ સુતારને ઘેર આવી પૂછ્યું જે, "મહારાજ ક્યાં છે?" વશરામ સુતાર કહે: "ભાદરે છે." સુંદરજીભાઈ તથા વશરામ સુતાર બંને ભાદરે આવ્યા. ત્યાં ડોસાભાઈના ઘેર મહારાજ બિરાજમાન હતા. નિષ્કુળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી બંને જે ધોળે લૂગડે હતા તેઓ મહારાજની સેવા કરતા હતા.
તે સમે સુંદરજીભાઈ અને વશરામ સુતાર બંને આવ્યા ને મહારાજને પગે લાગ્યા. મહારાજે સમાચાર પૂછ્યા.
સુંદરજીભાઈ બોલ્યા જે, "મહારાજ! હમણાં કચ્છ પધારો તો સારું. સર્વે હરિભક્તોને આપનાં દર્શનની અભિલાષા છે."
મહારાજ કહે: "ભલે." એમ બે દિવસ રહી જોડિયે આવ્યા અને જોડિયેથી નાવમાં બેસી ત્રણ ગાઉ ગયા ને તાપ લાગ્યો. નાવની બંધ છૂટી, અને નાવમાં પાણી ભરાયું ત્યારે મહારાજ તો જળમાં ઊતરી ચાલ્યા. એમની પાછળ સુંદરજીભાઈ પણ પાણીમાં ચાલ્યા તે જાણે સરખી જમીન ઉપર ચાલે તેમ ચાલતા હતા.
પછી તૂણાના ખાલે આવ્યા. પાણી ઉપર ચાલીને આવતા શ્રીજીને જોઈ ત્યાં ખાલે ઊભેલા માણસને થયું જે, "આ કોણ હશે?" એમ બોલતા હતા. તેને સુંદરજીભાઈ કહે: "એ તો ભગવાન છે." પછી તૂણા આવીને દરબારી ઉતારે રસોઈ કરાવી, મહારાજને જમાડ્યા. સુંદરજીભાઈ મહારાજનો પ્રસાદીનો થાળ જમ્યા. ત્યાંથી જૂત કરી ભૂજનગરમાં શ્રીજી તથા સુંદરજીભાઈ આવ્યા. સુંદરજીભાઈએ મહારાજને પોતાના ઘેર પધરાવ્યા. તેમની સેવા કરી, ભગવાનને વશ કરી પોતાના ઘેર રાખ્યા. મહારાજે કહ્યું જે, "માગો." ત્યારે સુંદરજીભાઈ બોલ્યા જે, "મહારાજ! મારે ઘેરથી તમારે બીજે ક્યાંય ન જવું એવો વર આપો."
મહારાજ કહે: "તમે જ્યારે રજા આપશો ત્યારે જઈશું." એમ કહી સુંદરજીભાઈને ઘેર છ માસ રહ્યા. દેશ-પરદેશના ભક્તજનો અકળાયા કે ક્યારે ભગવાનનાં દર્શન થાય? એમ પ્રાર્થના કરતા. તે સાંભળી મહારાજ દિવ્ય સ્વરૂપ દેખાડી મનુષ્ય ચેષ્ટા કરતા અને કહે: "સુંદરજી મને છાનો રાખજો, જગજીવન દ્વેષી છે. તે મને સુખે રહેવા નહિ દે. અહીં આવી તે પૂછે તો કહેજો જે, "સ્વામિનારાયણ અહીં નથી."
મહારાજ સુંદરજી સુતારની મેડીમાં બિરાજમાન હતા, તે સમે જગજીવન મહેતા ત્યાં આવ્યા ને સુંદરજીભાઈને પૂછ્યું જે, "તમારે ઘેર સહજાનંદ છે?"
ત્યારે સુંદરજીભાઈ કહે: "અમારે ઘેર નથી."
મહારાજે જગજીવનને પોતાનો સાદ સંભળાવીને બોલાવ્યા ને કહ્યું: "અમે અહીં છીએ. મેડી પરથી નીચે ઊતરીને કહ્યું જે, "શું કામ છે?" એમ કહી મહારાજ જગજીવન મહેતા સામા આવી ઓસરીમાં બેઠા.
જગજીવને પૂછ્યું જે, "તમે ભગવાન છો? ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયના કરનારા તમે છો?"
ત્યારે મહારાજ બોલ્યા જે, "હું ભગવાન છું. ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયને કરનારો પણ હું જ છું." એમ કહ્યું એટલે એ તો અતિશય દાઝે બળ્યો ને બળતો બળતો ઊઠી નીસર્યો ને તેણે ઘેર જઈ ઉપાધિ કરવાનો વિચાર કર્યો.
શ્રીજીએ સુંદરજીભાઈને કહ્યું જે, "હવે જગજીવન ઉપાધિ કરશે. માટે તમે કહો તો ગંગારામ મલ્લને ઘેર રહેવાનું સારું છે, તો ત્યાં જઈને રહીએ. એને ઘેર જગજીવન આવી શકે તેમ નથી." એમ સુંદરજીભાઈને પૂછીને જવા તૈયાર થયા. સુંદરજીને વર આપ્યો હતો તે ભૂલી ગયા. સુંદરજીભાઈને એમ થયું જે, "મહારાજ કહે છે તે ઠીક હશે. એમ જાણી હા પાડી." મહારાજને ગંગારામ મલ્લને ઘેર જવું હતું. તે સમે જગજીવનની સ્ત્રીએ પોતાનો રથ મહારાજ માટે મોકલ્યો. તેમાં બેસી શ્રીજી ગંગારામ મલ્લને ઘેર ગયા.
તે માહાત્મ્યે સહિત નિશ્ચય હતો તે કોઈ રીતે ન ફરે પણ ભગવાન વચને બંધાયા હતા તે બંધન થકી છૂટી ગયા. તેમ ભક્તજનના મનોરથ પૂર્ણ કરતા હતા. એવી ઘણી લીલા કરતા અને સુંદરજી સુતાર તો એક ક્ષણ શ્રીજીથી વેગળા ન હોય તે તો મહારાજને સદાય પાસે ને પાસે જ દેખતા હતા. એમ શ્રીજીએ ઘણાં સુખ આપ્યાં તે કહેતાં થાકી જવાય પણ પાર આવે એમ નથી.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે એકાણુંમો વિશ્રામ.