વિશ્રામ ૭૯
પાંચમે દિવસે અયોધ્યાપ્રસાદજી મહારાજ મુળીપુરમાં સભા કરી બિરાજમાન હતા. ત્યાં કંથારિયાના રાણા ઉનડભાઈએ મહારાજને કહ્યું જે, "મોટાં રામબાઈની વાત કરો. એમણે ભગવાનને અર્થે શું શું કર્યું તે કહો."
સ્વામી કહે: "સાંભળો, રામબાઈ શ્રીમાળી બ્રાહ્મણ હતાં. તેમનું સગપણ રાણપુરમાં કર્યું હતું. લાડુબાને મહારાજે કહ્યું હતું કે જે ન પરણે તે વચનદ્રોહી તથા ગુરુદ્રોહી છે એમ જાણી પોતે પરણવાની હા પાડી, પણ મનમાં એમ જે કોઈ પુરુષનો આપણે હાથ પકડવો નથી.
પછી લગ્ન લખી મોકલ્યાં અને વિવાહની ધામધૂમ ચાલે છે અને રામબાઈના મનમાંતો એમ જે આપણે પુરુષનો હાથ પકડવો નથી. એવી ભગવાનને પ્રાર્થના કરી. જાન આવી તે દિવસે રાત્રે શ્રીમાળીના છોકરાને હાથે રતવા નીકળ્યો. તે રહેવાય નહિ અને બળતરા થાય. જાન આવી તે વિવાહ કર્યા વિના ન ચાલે એમ કહીને જે દિવસે જાન આવી તે દિવસે રાત્રે શ્રીમાળીને તો આઠ ફેરા ફેરવી દીધા. પછી આઠ દિવસ જમે, રમે અને જે વર થઈને આવ્યો હતો તે તો તરત અકળાયો અને કહ્યું અહીંથી હવે ઘેર ચાલો. પછી જાન જોડાવી પાછા ઘેર ગયા.
રાણપુર આવ્યા. ગામમાંથી સામૈયું લઈ વાજતે-ગાજતે આવ્યા અને સાંજ પડી ગઈ હતી. વરને માણસો જોવા આવ્યા હતા તે સમે અંધારું થઈ ગયું. રામબાઈ તો જેતપુરથી ગઢડા ભેગાં થઈ ગયાં. તે ખબર પડવાથી શ્રીમાળી બ્રાહ્મણો ભેગા થઈ આવ્યા અને નિશ્ચય કર્યો જે રામબાઈને બાંધીને લઈ જવી, કેમ જે સ્વામિનારાયણે તેને ભરમાવી છે. તે આપણે મરવું, નહિતર તેને મારવા.
એમ વિચારી શ્રીજી ગઢડામાં સભા કરી બિરાજમાન હતા ત્યાં આવ્યા. શ્રીમાળી બ્રાહ્મણો શ્રીજીને કહે: "અમારું માણસ લાવો."
મહારાજ કહે: "તમારું માણસ હોય તો લઈ જાવ. અહીં તો અમારા માણસો છે." તે સમે બાઈઓની પણ સભા ભરાઈને બેઠી હતી. તેમાં રામબાઈ બેઠાં હતાં. ત્યાં પણ તેમણે તપાસ કરી પણ રામબાઈને ક્યાંય ન જોયાં.
મહારાજ કહે: "પાકું સીધું લ્યો અને લાડુ કરીને જમો."
શ્રીમાળી બ્રાહ્મણો કહે: "અમારે કાંઈ ન ખપે. અમારે લાડુ જમવા નથી. જો અમારું માણસ આપો તો લાડુ જમીએ."
મહારાજ કહે: "તમારું માણસ આ ગામમાં હોય તો શોધી કાઢો, અહીં શું છે?"
હવે આ બાજુ વર તો મરવા લાગ્યો. રાણપુરથી માણસ ગઢડા આવ્યા અને કહે ઘેર ચાલો, વર તો મરી ગયો છે. શ્રીમાળી બ્રાહ્મણો ઘેર આવ્યા અને વર પણ મરી ગયો હતો.
આવી રીતે રામબાઈની ટેક મહારાજે રખાવી. આ સંસારના સુખથી ઉદાસી અને ભગવાનના સુખે કરી સુખિયા થયાં.
તેમ, માહાત્મ્યે સહિત નિશ્ચયવાળા ભગવાન વિના બીજું સુખ નહિ એવાં જે રામબાઈ તેની રક્ષા શ્રીજીમહારાજે કરી.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ઓગણ્યાએંસીમો વિશ્રામ.