વિશ્રામ ૫૦

સંવત અઢારસો ચોરાશીની સાલમાં શ્રીજીમહારાજે કરમડમાં અન્નકોટનો સમૈયો કર્યો. તે સમૈયા પર કંથારિયાથી મેઘાભાઈ આદિ ઘણા આવ્યા હતા. મહારાજ મંચ ઉપર બિરાજમાન થયા હતા. મહારાજની સન્મુખ મોટી સભા ભરાઈને બેઠી હતી. સર્વ હરિભક્તો મહારાજને પગે લાગીને ત્યાં બેઠા. થોડો થોડો વરસાદ આવવા લાગ્યો એટલે સર્વે ઊઠ્યા. મેઘાભાઈ ઉતાવળમાં પોતાની સોનાની મૂઠવાળી તલવાર ભૂલી ગયા. તે મહારાજના જોવામાં આવી. તેથી પાર્ષદ પાસે ગાડાના ભંડારિયામાં મુકાવી. વરસાદ રહી ગયા પછી સર્વે હરિભક્તો પાછા આવી સભામાં બેઠા.

મહારાજે મેઘાભાઈને પોતાની પાસે બોલાવી કહ્યું: "દરબાર! તમારી તલવાર ક્યાં છે?"

ત્યારે મેઘાભાઈ કહે: "મહારાજ! ઉતાવળમાં અહીં ક્યાંય રહી ગઈ."

પછી પાર્ષદ પાસે તલવાર મંગાવી મેઘાભાઈને આપી કહ્યું: "તમે ક્ષત્રિય થઈ આવી તલવાર ભૂલી જાવ છો, તો હવે સારી રીતે સાચવજો!" એમ શિખામણ આપી. પછી દરબારોએ મહારાજને કંથારિયે પધારવાની વિનંતી કરી. મહારાજે આવવાનું વચન આપ્યું.

શ્રીજીમહારાજ ત્યાર બાદ થોડા દિવસ પછી બંને આચાર્યો, પરમહંસ તથા સમગ્ર મંડળ સહિત સવારમાં પધાર્યા. ગામમાં ખબર પડી એટલે સર્વે દરબારો, માણસો, મહારાજની સામા ઢોલ, વાજિંત્ર, શરણાઈ, ત્રાંસાં આદિ લઈ વાજતે-ગાજતે ભારે સામૈયું કરી ગામમાં તેડી લાવ્યા.

ગામના મોટા તળાવના વચલા ટેકરા પર ગાડું હતું તે ઉપર લાલસંગજીનો ઢોલિયો નાખી મહારાજ ગાદી-તકિયા ઉપર બિરાજમાન થયા. પરમહંસ વગેરે આજુબાજુની વાડીએ ઊતર્યા. ભીમજી ભટ્ટની માતુશ્રીએ થાળ કર્યો. મહારાજ હાલ જે બાઈઓનું મંદિર છે ત્યાં જમ્યા. કાનજી શાહ તથા દરબારને પ્રસાદી આપી. પરમહંસ માટે ગામ બહાર વાડીમાં રસોઈ કરાવીને જમાડ્યા.

પછી ગરાસિયાઓની વિનંતીથી બંને આચાર્યોની સાથે પધરામણીએ પધાર્યા. વચમાં મહારાજ અને બે બાજુ બે આચાર્ય એમ મહારાજની પધરામણી ઘેર ઘેર કરાવી. ભારે પૂજા કરી સોનાનાં ફૂલથી વધાવ્યા. તે પ્રમાણે રઘાભાઈ, ભગતસિંહજી, ખેતાભાઈ આદિના દરબારમાં પણ પધરામણી કરાવી અને પૂજા કરી. માવાભાઈના દરબારમાં આંબલીઆના પ્રતાપસિંહજીની પુત્રી નાનીબાએ પણ ભારે પૂજા કરી, સોનાનાં ફૂલે મહારાજને વધાવ્યા. રવાભાઈ, નાથાભાઈ, જાલમસિંહજી, બાવાજી આદિના દરબારમાં તથા કાનજી શાહ, વિપ્ર મંચ્છારામ, વિપ્ર જીવરામ, વિપ્ર કાશીરામ તથા લાલસંગજી, નારણ સોની આદિ ઘણા હરિભક્તોને ઘેર શ્રીજીમહારાજની પધરામણી કરાવી, ભારે ભારે પૂજા કરી સર્વેએ લ્હાવો લીધો.

મહારાજ તળાવની પાળે ઢોલિયા ઉપર બિરાજમાન થયા. સર્વે પરમહંસ તથા હરિભક્તોની મોટી સભા બેઠી હતી. પરમહંસોએ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય આદિ ઘણી વાર્તાઓ કરી. મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ ગવૈયા પરમહંસોએ દૂકડ, સરોદા, સિતાર આદિ વાજિંત્રોથી ભગવાનનાં કીર્તન ગાયાં. શ્રીજીમહારાજ તથા બંને આચાર્ય મહારાજ તથા સમગ્ર સભાની ઘણી પ્રશંસા સર્વેએ કરી. સંધ્યા-આરતી થયા પછી શ્રીજીમહારાજે ઘણી વાર્તાઓ કરી અને પ્રશ્નોત્તરથી ઘણો આનંદ ઉપજાવ્યો.

રાત્રિ રહીને સવારમાં મહારાજ ભલગામડે જવા નીકળ્યા. મહારાજને વળોટાવવા માટે ઘણા હરિભક્તો, ગરાસિયા આદિ વાંસળ નદી સુધી મહારાજની સાથે ગયા. મહારાજ પરમહંસ સહિત નદીમાં નાહ્યા અને ગંગાજીના તીર્થથી પણ અધિક મહિમા શ્રીમુખે કહ્યો. સર્વે હરિભક્તો પણ નદીમાં નાહ્યા. પછી સામે કાંઠેથી હરિભક્તોએ મહારાજને દંડવત્ કર્યા અને મહારાજે સર્વેને પાછા વાળ્યા. તેમનો આવો નિર્મળ ભક્તિભાવ જોઈ શ્રીજીમહારાજ ઘણા પ્રસન્ન થયા. આવી રીતે મહારાજ કંથારિયામાં ત્રીજી વખત પધાર્યા હતા. પ્રથમ બે વખત કરતાં અધિક લીલા કરી સર્વેને સુખ આપી પોતાનાં આશ્રિત કર્યા. ગામ આખું પરમ પવિત્ર કર્યું.

ભગતસિંહજી આદિ ભાવ સહિત દર્શન કરનારા માણસોને ઘણાં સુખ દીધાં. આવી રીતે અપાર લીલા કરી છે. તે જે મનુષ્ય કહેશે, સાંભળશે, નિત્ય સ્મૃતિ રાખશે તે આ લોકમાં સુખી થઈ ભગવાનના ધામને જરૂર પામશે એવો મોટો મહિમા આ શ્રીજીમહારાજના ચરિત્રનો છે. વાંસળ નદીમાં મહારાજે બે વખત સ્નાન કર્યું હતું. ત્યાં સુકૃતાત્માનંદ સ્વામીએ હનુમાનજી પધરાવ્યા છે. નારાયણ ધરાનો સમૈયો ભાદરવા માસની અમાસને દિને દર વર્ષે થાય છે.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે પચાસમો વિશ્રામ.