વિશ્રામ ૧૦૦
નિર્દોષાનંદ સ્વામી વાંકાનેરમાં મંદિર કરાવતા હતા. તે સમે ગામના સુતારે ઉપાધિ કરી જે મંદિરમાં પર ગામના સુતારો કામ કરે છે, તેઓને વેઠ કર્યા વગર કામ નહિ કરવા દઈએ. એવી રાજ સાહેબ આગળ ફરિયાદ કરી. સુતારનું કામ બંધ કરાવ્યું. સ્વામીશ્રી રાજ સાહેબ પાસે ગયા, પણ તેઓશ્રી તો સ્વામીની સામે આવ્યા ને કહ્યું જે, "સ્વામી! આપે તસ્દી કેમ લીધી?"
સ્વામી બોલ્યા જે, "અમે સુતાર સારુ આવ્યા છીએ."
તેઓએ સ્વામીની પધરામણી કરાવી. રાજ સાહેબે સુતારને કહેવડાવ્યું જે, "સ્વામિનારાયણના મંદિરનો વાંધો ન ઉઠાવવો." એમ રાજ સાહેબે કહ્યું છે.
ત્યારે સુતાર કહે: "વાસગણું ભાંગીએ પણ મંદિરના સુતારની વેઠ લીધા વિના રહેવું નથી." એમ કહી ઘેર ગયા.
ત્યારે સ્વામીને હરિભક્તોએ આવી કહ્યું જે, "ઉપાધિ કરશે ને તે કહે છે જે કાં તો ગામમાંથી જાઉં, કાં તો મંદિરનું કામ બંધ કરાવું."
ત્યારે સ્વામી કહે ભલે. પછી તે દિવસે સુતાર માંદો પડ્યો, તે પગ પણ ન ચાલે. હાથ ચાલે નહિ. અશક્તિ થઈ ને છ માસ માંદો રહ્યો. તે મંદિરનું કામ ચાલ્યું ત્યાં સુધી માંદો રહ્યો.
રાજ સાહેબ અને વાણિયા આ જોઈ આશ્ચર્ય પામ્યા અને એમ જાણતા જે સ્વામિનારાયણના સાધુ બહુ સમર્થ છે.
નિર્દોષાનંદ સ્વામીના મહિમાનો પાર આવે એમ નથી. એમનો મહિમા તો અમે સંપૂર્ણ જાણીએ છીએ. એમનું સાર્મથ્ય જેણે જોયું છે તે જાણે છે. વર કે શાપ આપે તો તરત લાગે. એમ ઘણી વખત જોયું છે.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે એકસોમો વિશ્રામ.