વિશ્રામ ૫૩
સાધુને પરસ્પર વાત કરવાની રીતના જે પ્રકરણ તે લખીએ છીએ. ભગવાન પોતાના અક્ષરધામને વિષે જેવા દિવ્ય ઐશ્વર્ય, દિવ્ય પાર્ષદ, દિવ્ય શક્તિએ સહિત રહ્યા છે તેવા ને તેવા જ પ્રત્યક્ષ પ્રમાણ છે, આદિ ભગવાનના માહાત્મ્યની વાર્તા કરવી તથા સર્વ સુખમય અને સર્વ થકી પર સર્વના નિયંતા, સર્વના કર્તા જાણવા તથા તેમની મોટપનું ગ્રહણ કરી સ્વભાવને ટાળવાની વાર્તા કરવી તથા ત્રણ દેહ, દશ ઇન્દ્રિયો, ચાર અંતઃકરણ તે થકી પૃથક્ જે પોતાના જીવાત્મા તે દેહ ઇન્દ્રિયો, અંતઃકરણના જે સંકલ્પ તે સાથે ભળી ગયો છે તેને પૃથક્ કરવો.
દેહ અને દેહના સંબંધી ખોટા થાય એવી રીતે આત્મનિષ્ઠાની વાત કરવી. નિત્ય પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય, આત્યંતિક પ્રલય એ ચાર પ્રકારના પ્રલયે કરી સર્વના ભોગ, દેહલોક તે નાશ થઈ જાય અને માયામાંથી થયા જે પદાર્થ માત્રને બધું જે સુખ તે અપાર દુઃખે સહિત છે. તેમ દુઃખ બતાવી વૈરાગ્યની વાત કરવી તથા નિર્લોભી, નિષ્કામી, નિઃસ્વાદી, નિઃસ્નેહી, નિર્માની એ સાધુના ધર્મ છે. તે શાસ્ત્રમાં કહ્યા હોય તેણે રાખી તે પ્રમાણે વર્તવું. એમ વાર્તા કરવી.
ભગવાનની જે નવ પ્રકારની ભક્તિ તે મન, કર્મ, વચને કરી નિરંતર કરવી, પણ ભક્તિ વિના વ્યર્થ કાળ જવા દેવો નહિ. તે વિના બીજી રીતે જે પોતાના સ્વભાવ અનુસાર પ્રવૃત્તિ હોય તેને ટાળવી. એ અંગની વાર્તા કરવી. સત્ય, અસત્ય એવા દેશકાળાદિક જે આઠની પૃથક્ વિગત તેની વાત કરવી. શ્રીજીમહારાજે સ્થાપન કર્યા જે દેવ મંદિર તથા ધર્મવંશના આચાર્ય તેની ઉત્કૃષ્ટતા થાય એમ વર્તવું, એ પ્રમાણે વાત કરવી.
શિક્ષાપત્રી, સત્સંગિજીવન, સત્સંગિભૂષણ, વચનામૃત, ભક્તચિંતામણિ, પુરુષોત્તમપ્રકાશ, ધર્મવંશપ્રકાશ, સુમતિપ્રકાશ વગેરે આપણા સંપ્રદાયના ગ્રંથ તે ભણવા, ભણાવવાનો અભ્યાસ પોતાની બુદ્ધિ અનુસારે રાખવો. એ અંગની વાર્તા કરવી તથા આ પ્રમાણે જે સાધુને વર્તવાની રીત તેમાં આળસ રહેતી હોય તો તેને ટાળ્યાની વાત કરવી.
શ્રીજીમહારાજ પોતાના ભક્તજનને તત્કાળ સમાધિએ કરી પ્રાણ, ઇન્દ્રિયોનો વિરોધ કરાવીને ઐશ્વર્યયુક્ત એવા બ્રહ્મપુર, ગોલોક, વૈકુંઠાદિક દિવ્ય ધામ દેખાડે છે અને પોતાના ભક્તજનને અંતકાળ સમે વિમાન તથા અશ્વાદિક દિવ્ય વાહન ઉપર બેસી, દિવ્ય પાર્ષદ સહિત આવી, દર્શન આપે છે અને પોતાના ધામમાં લઈ જાય છે. એવા શ્રીજીમહારાજનાં ચરિત્ર વિસ્તારીને વાત કરવી.
હવે જે સત્સંગી હરિભક્ત હોય તેની આગળ વાત કરવાના પ્રકરણ તે લખીએ છીએ. શિક્ષાપત્રીમાં તથા જનશિક્ષામાં લખ્યા પ્રમાણે પરસ્ત્રી માત્રનો ત્યાગ કરવો. એ આદિક મોટા મોટા નિયમ તેની દૃઢતા થાય તેવી વાર્તા કરવી, તથા શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે તેવી રીતે ભગવાનના દિવ્ય ભાવનું અને મનુષ્ય ભાવનું વર્ણન કરી ભગવાનના નિશ્ચયની વાર્તા કરવી. શ્રીજીમહારાજે મંદિરોમાં સ્થાપન કર્યા જે દેવ તથા આચાર્ય તેને દર્શને જવું, ઉત્સવ ઉપર જવું, તેમાં શ્રદ્ધા ઉપજે એવી વાર્તા કરવી. વળી પોતપોતાના ગામમાં જે હરિભક્ત હોય તેને નિત્ય પ્રત્યે સાયંકાળે ભેગા મળી પરસ્પર ભગવત્ વાર્તા કરવી, સાંભળવી તથા પ્રત્યક્ષ ભગવાનની વાર્તા તેને વિષે નિષ્ઠાવાળા સાધુ તેના લક્ષણની વાર્તા કરવી. દેશકાળાદિના ઉપદ્રવે કરી સુખદુઃખ આવી પડે તથા હાણ વૃદ્ધિ થાય તેણે કરી સત્સંગમાંથી મોળો ન પડે એવી વાર્તા કરવી. સાધુને સંગે કરી જીવનું કલ્યાણ થાય તેના લક્ષણની વાર્તા કરવી.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ત્રેપનમો વિશ્રામ.