વિશ્રામ ૪૭

શ્રી મુળીપુરથી દરબારનો અસવાર આવ્યો અને મહારાજને પત્ર આપ્યો. પત્ર વાંચી મહારાજે કહ્યું: "મુળી જવું છે." સામંતસિંહજી તથા અમાભાઈને કહ્યું: "ગાડાં મોકલજો અને સંતોને બેસાડજો." સવાર થઈ એટલે સૌ અસવાર અને શ્રીજીમહારાજ પોતે તૈયાર થયા. તે મુળીએ સવારમાં આવ્યા. સૌ સંતો તથા ગામના ગરાસિયા, દરબાર આવ્યા અને વાજતે-ગાજતે ગામમાં થઈ મંદિર પધાર્યા અને મંદિરમાં ઉતારો કર્યો.

પછી દરબારે મોતૈયા લાડુની રસોઈ આપી, સૌ સંત-હરિભક્તોને જમાડ્યા. સાંજે સભા થઈ. તે સમે ત્રવાડી ગોપાલજીએ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું: "સ્વામી! મહારાજે આ સગરામ પારધીને ઘેર ઉતારો કર્યો તેથી લોકમાં તો નિંદા થાય છે, માટે તેનો જેવો અભિપ્રાય હોય તેવો કહો."

બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, "હે વિપ્ર ગોપાલજી! એની પુરાતન કથા સાંભળો." એ કથા આ પ્રમાણે કહેતા હતા.

એક સમે સનકાદિક વૈકુંઠમાં ગયા તે જય-વિજયે રોક્યા. ત્યારે સનકાદિકે જય-વિજયને શ્રાપ દીધો અને કહ્યું: "તમે અસુર થાઓ." જય-વિજયે સનકાદિકને કહ્યું: "તમે પારધી થાઓ." એમ એકબીજાને શ્રાપ દીધા. ભગવાન તે સમે આવ્યા અને બંનેને અનુગ્રહ કરી સનકાદિકને કહ્યું જે કળિયુગમાં સાક્ષાત્ શ્રી પુરુષોત્તમનારાયણ પ્રગટ થશે. તેમનો તમારે સમાગમ થશે. માટે કંઈ ચિંતા રાખશો નહિ. એમ સનકાદિકને શ્રાપ આપ્યો હતો તેથી પારધીને ઘેર અવતાર લેવો પડ્યો હતો.

તે ઉપર એક વાત કરું છું. એકાદશ સ્કંધમાં સનકાદિકે બ્રહ્માને પ્રશ્ન પૂછ્યો જે, "ચિત્તને વિષે વિષય રહ્યો છે કે વિષયમાં ચિત્ત રહ્યું છે." ત્યારે બ્રહ્મા મૂંઝાયા, ઉત્તર ન થયો. હંસ અવતાર ધારણ કર્યો. હંસ અવતાર ધારણ કરી બ્રહ્માના અવતાર એવા સાયલામાં મહાશંકર ભટ્ટ તેમને સગરામ ભક્તે પૂછ્યું એટલે મહાશંકર ભટ્ટ મૂંઝાયા. પછી મહાશંકર ભટ્ટ મુળી આવ્યા અને મહારાજને કહ્યું જે, "આ વાઘરીને પ્રશ્ન શીખવ્યા તે બ્રાહ્મણની આબરૂ પાડે છે માટે એવા પ્રશ્ન શીખવવા નહિ."

ત્યારે શ્રીજી કહે: "અમે આવા પ્રશ્ન શીખવતા નથી અને એ તો તમારા પુત્ર છે." મહાશંકર ભટ્ટને એમ થયું જે આ પારધી તે મારો પુત્ર ક્યાંથી? એમ વિચાર કરે છે. પછી મહાશંકર ભટ્ટને સમાધિ થઈ. સમાધિમાં શ્રીજીનાં દર્શન થયાં. શ્રીજીએ તે સનકાદિક અને બ્રહ્મા પોતે, તેનું જ્ઞાન કરાવ્યું અને મહાશંકર ભટ્ટને થયું જે આ તો વાઘરી નહિ પણ સનકાદિકનો અવતાર છે. હું બ્રહ્માનો અવતાર છું. એવી રીતે મહારાજે જ્ઞાન કરાવ્યું.

મહાશંકર ભટ્ટે કહ્યું: "એને કંઈ શિક્ષા કરવી જોઈએ." શ્રીજી કહે: "સગરામ! તારી જ્ઞાતિને ઉપદેશ આપ. પણ બીજી જ્ઞાતિને ઉપદેશ ન કરવો. તારી જ્ઞાતિને વાતો કર અને ઉપદેશ આપ તેને બીજા સાંભળે તો વાંધો નહિ." પછી તેમણે મારવાડમાં જઈ ત્યાં સત્સંગ કરાવ્યો. મારવાડમાં ગયા અને ઘણો સત્સંગ કરાવ્યો. મહાશંકર ભટ્ટને સમાધિમાં આત્મજ્ઞાન કરાવી, મોહની નિવૃત્તિ પમાડી તેથી સત્સંગી થઈને ઘેર ગયા. આવી ઘણી વાતો કરી. તે સાંભળી બ્રહ્માનંદ સ્વામીને આ વાર્તા ગોપાલજી ત્રવાડીએ પૂછી. તે સાંભળી સર્વે નિઃસંશય થઈ નિવૃત્તિ પામ્યા.

આવી તો સભામાં ઘણી વાર્તા કરી હતી. સાધુએ કીર્તન બોલવા માંડ્યાં. અને શ્રીજી પોતાને ઉતારે પધાર્યા. થાળ થયો એટલે જમીને પોઢી ગયા. સવારમાં સભા ભરાઈને બેઠી હતી. તેમાં દેશદેશના હરિભક્તો આવ્યા હતા. તેમણે મહારાજને પ્રાર્થના કરી કહ્યું: "અમારે ગામ પધારો." રામપરા, ખોલડીઆદ, ટીંબા, સમલા, મેમકા, અંકેવાળીએ, બલદાણા, લાલીઆદ, ચુડા, વસતડી, સાયલા આદિ ગામના હરિભક્તોએ પ્રાર્થના કરી ત્યારે તેઓને બ્રહ્માનંદ સ્વામી પાસે મોકલ્યા. સર્વે હરિભક્તોએ સ્વામી પાસે આવી કહ્યું જે, "મહારાજ અમારે ગામ પધારે એમ આપ અમારા વતી પ્રાર્થના કરો તો શ્રીજી પધારે."

પછી બ્રહ્માનંદ સ્વામી અને સર્વે હરિભક્તો મહારાજ પાસે આવ્યા. શ્રીજીને પ્રાર્થનાપૂર્વક કહ્યું જે, "હે મહારાજ! આ સર્વ હરિભક્તોને રાજી કરો અને સર્વેના મનોરથ પૂર્ણ કરો."

ત્યારે મહારાજ કહે: "હાલમાં તો અમો ફરીને આવ્યા છીએ. તે હમણાં તો અહીં રહેવું છે." આ પ્રમાણે કહ્યું ત્યારે દેશદેશના હરિભક્તો શ્રીજીને જમાડતા હતા. એમ આનંદ ઉત્સવ થતો હતો. આવી રીતે મહારાજે ઘણી લીલા કરી છે તે લખ્યે પાર આવે તેમ નથી. કારણ જેના મહિમાનો શેષ પાર પામતા નથી અને વેદ પણ પાર પામતા નથી તો માણસ ક્યાંથી પાર પામે? એ તો અપાર છે.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે સુડતાળીસમો વિશ્રામ.