વિશ્રામ ૬૨

મહારાજ સાતમી વાર મેથાણ પધાર્યા ત્યારે કાઠી તથા પંચાળાવાળા ઝીણાભાઈ સાથે હતા. કાકાભાઈ, પૂંજાભાઈ તથા જીજીબાના ઘેર પધાર્યા હતા. જીજીબાએ થાળ કરી મહારાજને સખા સહિત સર્વને જમાડ્યા. બીજે દિવસે મહારાજે કાકાભાઈ, પૂંજાભાઈ તથા જીજીબાને કહ્યું: "હાલાજીના દીકરા સાથે ઝીણાભાઈની દીકરીનો સંબંધ કરીએ." તેમણે વિચાર કરી કહ્યું: "મહારાજ! તમારી જેવી મરજી હોય તેમ કરો, અમે રાજી છીએ."

મહારાજે સંબંધ કરવા સારુ મુહૂર્ત જોઈ ગોળ ખવડાવ્યો અને પૂછ્યું: "તમારે સંબંધ કર્યા પછી શું જમણ કરવાનો રિવાજ છે? તે પ્રમાણે કરો." કાકાભાઈ તથા પૂંજાભાઈ મહારાજને કહે: "અમારે ચોખા જમાડવાનો રિવાજ છે." મહારાજે ચોખા જમાડવાની રજા આપી કહ્યું: "અમારી સાથે જેટલા મનુષ્ય તથા તમારા ઘરના અને તમારા વંશમાં જે જમવા ઘટિત હોય તે સર્વે સારુ જમણ કરાવજો."

ચોખા રંધાવ્યા, પછી સૌને પંક્તિમાં પીરસી મહારાજે કહ્યું: "કાકાભાઈ! તમે ગોળ પીરસો." મહારાજે ઘીની વાઢી લઈ પીરસવા માંડ્યું. તે ઘી થાળી ઉપરથી છલકાઈને ફરતું વાસણને કુંડાળું પડે એમ એક થાળીએથી બીજી થાળીએ તમામને પીરસતા હતા.

કાઠીઓએ મહારાજને હસી મર્મ કર્યો કે: "મહારાજ! ઘી કેટલું ખવાતું હશે?" મહારાજ કહે જે, "સગપણના કામ છે, તે પ્રમાણે પિરસાય. તમે જમો." એમ સર્વને જમવાની આજ્ઞા આપી. એવી રીતે વારંવાર ગોળ, ચોખા પિરસાવી ઉપર ઘીની તાણ કરી પીરસીને જમાડતા હવા. જીજીબાને આગ્રહ કરી ચોખા જમાડ્યા. તેઓ હેતે સહિત જમતા હવા. આવી રીતે પાંચ રાત્રી રહ્યા અને ખૂબ લીલા કરી મુળીએ પધારતા હતા.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે બાસઠમો વિશ્રામ.