વિશ્રામ ૫૬
સંવત (૧૮૫૯) અઢારસો ઓગણસાઠમાં શ્રીજીમહારાજ પહેલવેલા ઝાલાવાડમાં પધાર્યા હતા.
મેથાણ ગામમાં ઝાલા પૂંજાભાઈ તથા કાકાભાઈ; તેમની બહેન જીજીબાઈના ઘેર પધાર્યા અને મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. જીજીબાઈ ઓરડામાં કમાડની ઓથે રહી મહારાજનાં દર્શન કરતાં હતાં. તેમને રામાનંદ સ્વામીના વખતથી સત્સંગ થયો હતો. રામાનંદ સ્વામી તો શરીરે પુષ્ટ હતા અને મહારાજની મૂર્તિ તો તપે કરી કૃશ થઈ ગયેલાનાં દર્શન કરતાં. જેવી રીતે જીજીબાના અંતરમાં રામાનંદ સ્વામીનો નિશ્ચય હતો તે પ્રમાણે મહારાજનો નિશ્ચય હતો નહિ. અંતરમાં જરા સંશય હતો.
મહારાજનાં દર્શન ઓરડામાં રહી કરતાં હતાં. પછી મહારાજે થોડી વારે જીજીબાને સાદ કરી બોલાવ્યાં. જીજીબાએ ઓરડામાં રહી ફરીથી મહારાજનાં દર્શન કર્યાં. તે વખતે રામાનંદ સ્વામીની મૂર્તિનું તેજ હતું તે મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયું. આવી રીતે મહારાજે જીજીબાના મનનો સંશય મુકાવ્યો. જીજીબા બહાર આવી, મહારાજનાં દર્શન કરી ગદગદ થઈ ગયાં. જે વખતે મહારાજની કોરનો અંતરમાં સંશય હતો તે સમે રામાનંદ સ્વામીની મૂર્તિ દેખાઈ હતી.
મહારાજે કહ્યું: "દર્શન કરવા આવવામાં વિલંબ કેમ થયો? તમને શું ઘાટ થયો હતો?"
જીજીબા મહારાજની આગળ કહેતાં શરમાયાં, પણ મહારાજે આગ્રહ કરી જેવી રીતે રામાનંદ સ્વામીનું મહારાજને પડખે દર્શન થયું અને રામાનંદ સ્વામીની મૂર્તિનું તેજ મહારાજની મૂર્તિમાં સમાયું, તે વાત મહારાજ, પૂંજાભાઈ ને કાકાભાઈ એમ ત્રણેયે જીજીબાને પૂછી.
પછી પૂંજાભાઈ તથા કાકાભાઈને પોતાના પ્રગટ પ્રમાણનો નિશ્ચય કરાવ્યો અને સદાવ્રત મહારાજે બંધાવ્યું અને કહ્યું જે, "સર્વ સાધુને સદાવ્રત અપાવજો." જીજીબા પાસે થાળ કરાવી મહારાજને જમાડ્યા. મહારાજ તે સમે દશ રાત્રી મેથાણ મધ્યે ભક્ત પૂંજાભાઈ તથા જીજીબાને ઘેર રહ્યા. ત્યાર બાદ મુળીપુર પધારતા હતા.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે છપ્પનમો વિશ્રામ.