વિશ્રામ ૧૦૫

એક સમે શાસ્ત્રી બાલમુકુંદાનંદ સ્વામી શરીરે બહુ માંદા હતા ને સનેપાત થયો હતો તે દેહ રહે તેમ નહોતું. મહારાજ તેડવા આવ્યા. તેઓ કહે જે, "આ હજારો મુક્તો છે અને આ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુકુંદાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, વાસુદેવાનંદ સ્વામી, આદિ સર્વે આવ્યા છે.

ત્યારે કરુણાનંદ બ્રહ્મચારીએ પૂછ્યું જે, "તમે એ સર્વેને ઓળખો છો?"

ત્યારે બાલમુકુંદાનંદ બ્રહ્મચારી કહે: "ઓળખું છું."

ત્યારે કરુણાનંદ બ્રહ્મચારી કહે: "મને તેડી જશે?"

તેઓ કહે: "એ તો એમની મરજી હોય તેમ કરે."

કરુણાનંદ બ્રહ્મચારી કહે: "સત્સંગના પૈસા ખરચીને અભ્યાસ કર્યો અને સત્સંગને અર્થે ઉપકાર કર્યા વિના જશો તો શ્રીજીના દેણિયાત રહેશો."

બાલમુકુંદ કહે: "એમની મરજી હોય તેમ કરે." આમ સંવાદ થાય છે ત્યાં મહારાજ બોલ્યા જે, "બ્રહ્મચારી! હાલમાં સત્સંગમાં સર્વે સાધુ, બ્રહ્મચારી અને પાર્ષદ માળા ફેરવે છે અને કહે છે જે હમણાં શાસ્ત્રીને મહારાજ રાખે તો ઠીક! તે હમણાં નહિ તેડી જઈએ." એમ કહ્યું, પછી મહારાજે શાસ્ત્રીને રાખ્યા.

તે સંવાદ કરુણાનંદ સ્વામીએ સાંભળ્યો અને શાસ્ત્રી શરીરે સારા થયા. તે સત્સંગમાં બહુ ઉપદેશ કરે છે અને જ્યાં જાય ત્યાં સમાસ થાય છે.

ઇતિ શ્રી બ્રહ્મચારી કરુણાનંદ કથિત એકસો પાંચમો વિશ્રામ.