વિશ્રામ ૨૩

શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામીને મુળીપુરમાં મંદિર કરવાની આજ્ઞા કરી હતી. બ્રહ્માનંદ સ્વામી મુળી આવ્યા હતા. ગામમાં ઘણા લોકોને નિર્ધન જોઈ બ્રહ્માનંદ સ્વામીને વિચાર આવ્યો કે આવા નિર્ધન જન અને નિર્ધન દેશમાં મંદિર શી રીતે કરવું?

એવો વિચાર કરી શ્રીહરિની મૂર્તિ સંભારી સિતાર લઈને કીર્તન ગાવા લાગ્યા:

"વહેલા વાલમજી આવો રે ગઢપુરના વાસી."

એ કીર્તન ઉપાડ્યું કે તરત જ શ્રીજીમહારાજ દિવ્યરૂપે આવીને ઊભા રહ્યા અને કહ્યું કે "શું કામ છે?" ત્યારે મહારાજને હસતા જોઈ કહ્યું કે જે, "અમો નિર્ધનિયાનું તમો ધન છો." એમ કહી બ્રહ્મમુનિ બોલ્યા: "આ દેશ નિર્ધન છે, તો મંદિર શી રીતે કરવું?"

એવું બ્રહ્મમુનિનું વચન સાંભળી શ્રીજીમહારાજે પ્રસન્ન થઈ વર આપ્યો, તેથી આ દેશમાં તથા ગામમાં સર્વ મનુષ્ય ધનવાન થયા અને ધને કરી દેશ પૂર્ણ થયો. રૂપાં તથા સોનાં આદિ દ્રવ્યે કરી લોકો સમૃદ્ધિવાન થયા. જ્યાં સુધી અયોધ્યાપ્રસાદજી મહારાજ બિરાજમાન રહ્યા ત્યાં સુધી સમૃદ્ધિ પૂર્ણ રહેતી હવી.

મંદિરમાં વસ્ત્ર, ઘરેણાં, સિંહાસન, પારણું, હિંડોળો, કમાડ આદિ રૂપાનાં કર્યાં ત્યાં સુધી તે સર્વ સમૃદ્ધિએ યુક્ત રહેતા હવા. જ્યારે મંદિરનું સર્વ કામ પૂરું થયું અને સેવામાં ગૌણપણું કરવા માંડ્યું એટલે સમૃદ્ધિ પણ ઓછી થવા માંડી. આમ દેશો દેશમાં પરચા થતા હતા તે સર્વે જાણતા હતા.

જ્યારે સમૃદ્ધિ થઈ ત્યારે કેટલાક હરિભક્તો હજારો રૂપિયા લાવતા. તેમાં કોઈ દશ હજાર, તો કોઈ પંદર હજાર તેમ બ્રહ્મમુનિ પાસે લાવતા, કેટલાક ધાન્યનાં ગાડાંઓ ભરી લાવતાં, કેટલાક ઘીનાં, સાકરનાં, ગોળનાં, મોદિયાનાં, ગોદડાનાં, ઘઉંના, ચોખાનાં, મગનાં, તુવેરનાં એ આદિ ઘણી વસ્તુઓનાં ગાડાંઓ ભરી લાવતાં. તેમને બ્રહ્મમુનિ સમૃદ્ધિએ કરી પૂર્ણ કરતા. એવી રીતે ઘણા ચમત્કાર જણાવતા. શ્રી સહજાનંદ સ્વામી ભગવાનના મહિમાનો પાર આવે તેમ નથી. તેમનો મહિમા તો અપાર છે.

બ્રહ્મમુનિ મુળી મંદિરમાં સેવા કરાવીને અક્ષરધામનું સુખ આપતા. જે જન આવી સેવા કરતા તેમના મનોરથો પૂર્ણ કરતા; જે ઇચ્છતાં તે તરત જ સંપન્ન થતું. એવી રીતે એકાંતિક ધર્મ નિયમે યુક્ત જનોની ઇચ્છાને પૂર્ણ કરતા હવા.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ત્રેવીસમો વિશ્રામ.