વિશ્રામ ૭૫

સમલાના રાણા મઘાભાઈએ તદ્રૂપાનંદ સ્વામીને કહ્યું જે, "સ્વામી! પર્વતભાઈની વાત કરો." પછી સ્વામીએ કહ્યું જે, "તેમણે શ્રીજીની તથા સાધુની સેવા કરી છે તે વિસ્તારીને કહું છું જે, પર્વતભાઈ તો પૂર્વના મુક્ત હતા. તેમનો નિવાસ જૂનાગઢ શહેર નજીક ગામ અગત્રાઈમાં હતો. તેઓ પ્રથમ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. મહારાજને વિષે એમને સાધુભાવ હતો. રામાનંદ સ્વામી અંતર્ધાન થયા પછી સર્વે સાધુને મહારાજને વિષે ભગવાનપણાનો નિશ્ચય થયો.

પર્વતભાઈને સંશય થયો જે પહેલા સર્વ રામાનંદ સ્વામીને ભગવાન કહેતા અને વળી હવે સરજુદાસને ભગવાન કેમ કહેતા હશે? એમ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું. મુક્તાનંદ સ્વામી કહે જે, "ભક્તો! આ તો અવતારના અવતારી છે. સર્વના કારણ છે." એવું મુક્તાનંદ સ્વામીનું વચન સાંભળી, મનમાં વિચાર કર્યો, તે સમે ચોવીસ અવતાર જોયા અને તે સર્વે નમસ્કાર કરી શ્રીહરિની મૂર્તિમાં લીન થઈ ગયા. એકલા મહારાજ જ રહ્યા. ત્યારે પર્વતભાઈને થયું જે આ અવતારના અવતારી શ્રીહરિ સ્વયં છે, એમ જાણી માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય થયો.

પ્રથમ મહારાજે આજ્ઞા આપી જે તમારે સદાવ્રત આપવું અને સાધુને રાખી સેવા કરવી. સાધુઓ જેટલા માંદા થયા હોય જેટલા ઘરડા હોય તેને તમારે ઘેર રાખવા. તે સદાવ્રત આપે અને સાધુની સેવા કરે તેમાં નવરા ન થાય. વહેવારમાં ચિત્ત ન લાગે. બાર મહિને બે વરસની ખેડ આવે તે રીતે ઘણાં વરસ સેવા કરી.

સાધુ પર્વતભાઈના ઘેર રહેતા. તે સમે શ્રીજી ત્યાં આવ્યા. સાધુને રસ્તામાંથી બે શેરડીના સાંઠા જડ્યા તે ઘેર લઈ આવ્યા. એક કણબીએ સાંઠા જોઈ કહ્યું જે આ તો અમારા વાઢના છે, તમે તે ક્યાંથી લાવ્યા છો? પછી તે કણબીએ મહારાજ આગળ આવી કહ્યું જે, "સાધુ મારા વાઢના સાંઠા લાવ્યા છે, તો પૂછ્યા વગર લાવે તે ઠીક નથી." પછી મહારાજે આજ્ઞા કરી જે, "શેરડીમાંથી જે થાય તે સાધુએ ન ખાવું."

સાધુએ બાર મહિના સુધી ગોળ તથા રસ ન ખાધા અને આજ્ઞામાં રહ્યા. પર્વતભાઈને ચાર વાઢ હતા પણ શેરડીનો સાંઠો કે ગોળની કાંકરી મોઢામાં ન નાખે. બાર મહિના પછી જ્યારે મહારાજ આવ્યા ત્યારે કોઈએ વાત કરી જે પર્વતભાઈ બાર માસ થયા ગોળ તથા શેરડી ખાતા નથી. મહારાજે પર્વતભાઈને પૂછ્યું તયારે પર્વતભાઈ કહે જે, "મહારાજ! સાધુ નથી જમતા તો અમે શી રીતે સાધુને મૂકીને જમીએ?" પછી મહારાજે શેરડીના ભારા મંગાવ્યા અને સાધુ તથા પર્વતભાઈને આપ્યા તે જમ્યા. પર્વતભાઈ એવા વર્તમાન પાળતા હતા. એવી રીતે સાધુને વિષે આત્મબુદ્ધિ હતી.

સાધુને જે ઓસડ જોઈએ તે લાવી આપે. લૂગડાં પણ લાવી આપતા. ઘરના સર્વ માણસને પાણી ભરવું, દળવું, રસોઈ કરી આપવી એવી રીતે દશ વરસ સદાવ્રત આપ્યું અને સાધુને રાખ્યા. એમ રાખતાં વહેવારે કંઈક દુર્બળપણું આવી ગયું પણ એમની ટેક તથા સાધુની સેવામાં કાંઈ ફેર પડ્યો નહિ.

શ્રીહરિ આવ્યા અને ભક્તને પૂછ્યું જે, "વહેવારે કંઈ દુઃખી જણાઓ છો?"

પર્વતભાઈ બોલ્યા જે, "આવું હોય ત્યારે પ્રભુ બહુ સાંભરે."

મહારાજ કહે: "એ તો તમારી ધીરજ જોવી હતી, પણ હવે સારો વહેવાર થાશે." પહેલા જેવો સરસ વહેવાર હતો તેવો પાછો થઈ ગયો. ભગવાનને અને સંતને વાસ્તે એવું ને એવું ખર્ચ કરવા માંડ્યું અને બધું દેવું પતી ગયું.

એક દિવસ મહારાજ કાઠીના અસવાર સહિત અગત્રાઈ આવી પર્વતભાઈના ઘેર બિરાજમાન થયા. પર્વતભાઈ પણ દર્શન કરી મહારાજ પાસે આવી બેઠા.

તે સમે મહારાજે કહ્યું જે, "કેમ બેઠા છો? સર્વને ખડ તથા દાણા આપો!"

પર્વતભાઈ બોલ્યા જે, "શેઠ આવે ત્યારે વાણોતરને શું? તમે શેઠો છો. ઘરના ધણી પણ તમે છો. અમે તો વાણોતર કહેવાઈએ. આપ જેમ બતાવશો તેમ કરશું." પોતાના ઘરના દાણાના કોઠારિયા ને ખડનો ફરજો ઉઘાડો મૂક્યો. ઘીનાં કુડલાં અને ગોળના કોઠા ઉઘાડા મૂકી કહ્યું: "જેમ જોઈએ તે પ્રમાણે વાપરો."

એવી રીતે પોતાનું ઘર મહારાજને સોંપીને બેઠા. મહારાજે કાઠીના ઘોડાના તોબરા હાથે ભરી આપ્યા અને વ્યવહારની સર્વ ખબર મહારાજને રાખવી પડી. એવી રીતે પર્વતભાઈના ઘેર ઘણી લીલા કરી હતી. તેઓ તો ત્રણે અવસ્થામાં મહારાજને જન્મથી જ જ્યાં હોય ત્યાં દેખતા હતા, પણ મનુષ્યની ચેષ્ટાની રીતે વર્તે. તેમ જેને આવી રીતે માહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેને એવું શું પદાર્થ છે તે ભગવાનને અર્થે ન થાય? એ તો સર્વ થાય.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે પંચોતેરમો વિશ્રામ.