વિશ્રામ ૩૩

સદગુરુ શ્રી વાસદેવાનંદ સ્વામી ગામ શ્રી મુળીમાં બિરાજમાન હતા. ત્યારે કુકડા ગામમાં ગરાસિયા પૂંજાભાઈના ઉતારામાં વાણિયે આઢ કર્યો હતો. તે આઢમાં આગ લાગી એટલે ચરખેથી ચરખિયાં નીકળી શક્યાં નહિ. દશ, બાર માણસો મરી ગયાં અને ભૂત થયાં. તે ઉતારામાં કોઈથી જઈ શકાય નહિ. ભૂતાવળ જાગે એટલે ઉતારામાં રાત ન રહેવાય.

એમ જાણી પૂંજાભાઈએ વાસુદેવાનંદ સ્વામીને આવી પ્રાર્થના કરી કહ્યું જે, "આ તો આવું (ઉપર કહ્યા મુજબ) કષ્ટ થયું છે, તો આપ પધારો અને ભૂતનો ઉપદ્રવ મટાડો તો સારું. હે સ્વામી! આપ વિના એ દુઃખ બીજા કોઈથી ટળે એમ નથી."

સ્વામી કહે: "તદ્રૂપાનંદ સ્વામી આવે તો અમે આવીએ."

આથી પૂંજાભાઈએ તદ્રૂપાનંદ સ્વામીને પ્રાર્થના કરી કહ્યું, એટલે સ્વામી કહે: "ભલે! સવારમાં ગાડાં મોકલજો." એમ કહેવાથી પૂંજાભાઈ કુકડા ગયા અને સવારમાં દશ ગાડાં મોકલ્યાં. તેથી વાસુદેવાનંદ સ્વામી અને તદ્રૂપાનંદ સ્વામી એ બંને સદગુરુઓ સાધુ, બ્રહ્મચારી સાથે કુકડા આવ્યા. તે ઉતારામાં ઉતારો કરાવ્યો. રસોઈ કરાવી, સાધુ-બ્રહ્મચારીને જમાડ્યા અને ધોતિયાં ઓઢાડ્યાં.

તે ઉતારામાં કીર્તન, ભજન કરતાં રાત પડી, એટલે જેટલાં ભૂત હતાં તે આવ્યાં. તેઓ ઉતારાની ચારે બાજુ ફરે પણ ઉતારામાં આવી શકે નહિ. ઉતારાની આસપાસ સૌ ભાળે એમ અગ્નિના ભડકા થાય. તે ભડકા જોઈ બહુ માણસ આવ્યા. તેમણે એમ કહ્યું જે, "આ તો આવ્યા અને બોલે છે." તે સમયે તદ્રૂપાનંદ સ્વામીએ કહ્યું જે, "કોઈ કાંઈ ફિકર રાખશો નહિ. હમણાં નાસી જશે." એમ કહી સ્વામીએ કહ્યું જે, "દેવાનંદ સ્વામીનાં કીર્તન બોલો." ત્યારે સંતો દેવાનંદ સ્વામીનાં કીર્તન બોલવા લાગ્યા. તે સાંભળી ભૂતો બૂમ પાડી ભાગી ગયાં. તેઓએ પાછા આવી સ્વામીને કહ્યું: "અમે ક્યાં જઈએ?"

સ્વામી કહે: "તમો સર્વે બદ્રિકાશ્રમમાં જાઓ."

ભૂતો કહે: "અમને ત્યાં પેસવા કોણ દેશે?"

ત્યારે તદ્રૂપાનંદ સ્વામીએ તિલકની છાપ ભૂતોને મારી કહ્યું: "સ્વામિનારાયણના નામની ધૂન કરો અને ધૂન કરતા કરતા જાઓ તો પેસવા દેશે." આમ કહી સર્વે ભૂતોને બદ્રિકાશ્રમમાં મોકલ્યા અને મોક્ષ કર્યો.

એવા સદગુરુ વાસુદેવાનંદ સ્વામી તથા સદગુરુ તદ્રૂપાનંદ સ્વામી બેઉ અતિ સમર્થ હતા. તેમણે ભક્તનું દુઃખ આ રીતે નિવારણ કર્યું.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે તેત્રીસમો વિશ્રામ.