વિશ્રામ ૪૨

એક સમે મહારાજ ભગુજી આદિ પાર્ષદો, કાઠી તથા સાધુઓ આદિને લઈને દેવળિયા પધાર્યા.

જાલમસિંહજીનાં માતુશ્રી કેસાબાએ દરબારમાં રસોઈ કરાવી જમાડ્યા. કસલીબાએ આવી મહારાજને પ્રાર્થના કરી કહ્યું: "મહારાજ! જેમ કેસાબાના દરબારમાં જમો છો તેમ મારે ઘેર જમ્યા વગર જવા દઈશ નહિ. સૂજે એમ કરો, પણ જમ્યા વગર જવા દઈશ નહિ."

મહારાજ બોલ્યા: "જનાર આગળ રોકનાર કોણ છે?"

ત્યારે બાઈ બોલ્યાં: "રાખનાર આગળ જનાર કોણ છે?" એમ કહી બાઈ પોતાને ઘેર ગયાં.

જમાડવાનો સામાન તૈયાર કરવા માંડ્યો. વાસણ માંજી સાફ કરી, સીધું સારી પેઠે જોઈ તૈયાર કર્યું. તે સમે મહારાજ સવારમાં જવા માટે ભાતું ગળપાપડીનું કરાવી પાર્ષદ તથા સાધુને બંધાવી સૂઈ ગયા. રાત્રે કસલીબાએ શ્રીજીની ઘોડી છોડી પોતાને ઘેર ઓરડામાં બાંધી દીધી. ઘોડી માટે બાફણું અને લીલી કડબ નાખી.

પછી ઉપાધ્યાય નારાણજી અને ત્રવાડી પ્રાગજી પાસે નહાઈને રસોઈ કરાવી. દૂધપાક, પૂરી, કંસાર, રોટલા, રોટલી, દાળ, ભાત, શાક, બે-ત્રણ પ્રકારની કઢી, ચીભડાનું રાયતું આદિ સામગ્રી કરાવી. પછી ઊનું પાણી મૂક્યું.

મહારાજ જાગ્યા અને ભગુજીને કહ્યું: "ઘોડીએ સામાન નાખો, જવું છે." એમ કહી ભગુજીને જગાડ્યા. ભગુજી ઘોડીનો સામાન લઈ જાય છે, પણ ત્યાં ઘોડી મળે નહિ. "મહારાજની ઘોડી જાય ક્યાં?" એમ કહી વાળંદને બોલાવ્યો અને મશાલ સળગાવીને સગડ કાઢવાનું કરે છે ત્યાં કસલીબા આવ્યાં અને પ્રાર્થના કરી કહ્યું: "ઊનું પાણી તૈયાર છે તો નહાવા પધારો અને ઘોડી ક્યાંય નહિ જાય; જશે તો અમે લાવી આપશું."

એમ કહી મહારાજને ઊનું પાણી તથા દાતણ આપ્યું. મહારાજે સૌને નહાવાની આજ્ઞા આપી. સૌ નહાઈને તૈયાર થયા. દરબારમાં થાળ થયો તે સૌ સાધુ તથા પાર્ષદોને જમવા સારુ બોલાવ્યા. સર્વે જમવા આવ્યા. પ્રાગજી અને નારાયણજી બંને વિપ્રો પીરસતા હતા.

મહારાજનો થાળ ઓરડામાં મૂક્યો. ત્યાં મહારાજ જમવા બેઠા. તે કસલીબા મનુવાર કરતા જાય અને મહારાજ જમતા જાય. મહારાજે સર્વે સાધુ તથા પાર્ષદને કહ્યું: "ખૂબ જમજો. જવું છે તો ભૂખ લાગશે." એમ કહેતા જાય અને પોતે પણ થાળ જમતા જાય. થાળમાંથી પ્રસાદી આપતા જાય અને રમુજ કરતા જાય. આમ ઘણી લીલા કરી. દેવળિયામાં મહારાજ સત્તર વખત પધારેલ અને ત્યાં ઘણી લીલાઓ કરી સૌને અત્યંત સુખ આપ્યું.

ઇતી શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે બેતાલીસમો વિશ્રામ.