વિશ્રામ ૮૬

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ મુળીમાં બિરાજમાન હતા. તે સમયે વઢવાણના સોની સંઘજીભાઈ તથા સોની વાલાભાઈ એ બંને ભાઈઓ શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજનાં દર્શને આવ્યા અને પછી કહે: "મહારાજ! લાધીબાઈ અને માતાજીની શી વાત છે તે કરો." મહારાજશ્રીએ તદ્રૂપાનંદ સ્વામીને કહ્યું જે, "તમો આ વાતો કહો." ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, "મહાજન! તમે સાંભળો."

કચ્છ દેશમાં ભૂજનગરમાં કાયસ્થ નથુભાઈ નામે રહેતા હતા. એમને રામાનંદ સ્વામીના વખતથી સત્સંગ હતો. એમને બે દીકરા નામે શિવરામ અને હરજીવન અને એક દીકરી લાધીબાઈ નામે થયાં હતાં. તેઓ નાનપણમાં રામાનંદ સ્વામીની વાત સાંભળતાં. બાઈઓની તથા ભાઈઓની સભા ભરાઈને બેસતી હતી. રામાનંદ સ્વામી આત્મા-પરમાત્માનું વિવેચન કરતા. દેહ મિથ્યા અને જડ, દુઃખરૂપ, અસત્ય, મળમૂત્રની ક્યારીરૂપ છે, એવી એવી ઉપદેશની વાતો કરતા હતા. તે સમે સોળ વર્ષની એક અતિ રૂપાળી બાઈ ત્યાં આવી. તેણીને જોઈ માણસો મોહ પામતા હતા. તેથી સ્વામીની વાતમાં કોઈને ચિત્ત રહ્યું નહિ.

રામાનંદ સ્વામીએ તે બાઈને ચરણામૃતમાં રેચ નાખી પાયો, જેથી મોઢે તથા પાછળ રેચ લાગ્યો અને કોઈથી રહેવાય નહિ એવો અભાવ સર્વને કરાવી નાખ્યો. તે સ્ત્રી પુરુષ સામું ન જુએ અને પુરુષ તે સ્ત્રી સામું ન જુએ એવો અભાવ એકબીજાને કરાવ્યો. લાધીબાની ઉંમર તે વખતે આઠ વરસની હતી. એમને પુરુષ સંબંધી વાતો ત્યારથી જ ન ગમતી અને કોઈ પુરુષ સંબંધી વાતો કરે તો પેટમાં ખાધુ અનાજ ન રહે.

સગાંવહાલાં પરણાવવાનું કહે ત્યારે કહે મારે પરણવું નથી. ભગવાન ભજવા છે. સગાંવહાલાં પરણાવવાનો આગ્રહ બહુ કરે. લાધીબાના મનમાં જે હરકોઈ મનુષ્યના દેહમાં મળ, મૂત્ર, માંસ, રૂધિર, હાડકાં, આંતરડાં અને પાચ-પરુ ભરેલ છે તે એમાં એક પણ વસ્તુ સારી ન મળે. માટે વરવા જેવા તો એક ભગવાન જ છે. આ લોકમાં તો કોઈ પુરુષ વરવા જેવો નથી એમ માનતાં. પણ સગાંવહાલાં તો કહે અમારી લાજ જાય, એમ કહી તેમના વિવાહ નક્કી કર્યાં, જેથી તેઓ ઉદાસ થઈને બેઠાં.

લાધીબાને થયું જે બધાએ ભેગા મળી મને કારાગૃહમાં નાંખી. તે મારો એવો શું અપરાધ હશે? એમ વિચારી મા-બાપને કહે: "મારે સાસરે નથી જવું. જો મને પરાણે મોકલશો તો હું મરી જઈશ."

રામાનંદ સ્વામી ત્યાં આવ્યા. એમને સર્વેએ કહ્યું જે લાધીબા સાસરે જતાં નથી.

સ્વામી કહે: "શા માટે સાસરે જતાં નથી?"

ત્યારે સગાંવહાલાંઓએ કહ્યું: "આપશ્રીએ તે બાઈને રેચ આપીને અભાવ કરાવ્યો છે, તે દિવસથી તેમના મનમાં પુરુષ પ્રત્યે અભાવ આવ્યો છે. તેમને પુરુષ માત્ર દીઠા ગમતા નથી."

સ્વામી કહે: "બીજા કોઈને અભાવ ન થયો અને એમને જ કેમ થયો? માટે એ પૂર્વના મુક્ત છે; તો ભલે ભગવાનનું ભજન કરતાં." જેટલાં શાસ્ત્રમાં વ્રત કહ્યાં છે, તે પ્રમાણે ધારણાં-પારણાં, ચાંદ્રાયણ એવાં ઘણાં વ્રત તેઓ અવારનવાર કરતાં. રામાનંદ સ્વામીએ તેમને આ સંસારના પ્રવાહમાંથી ઉગાર્યા, એમ જાણી તેઓ ખૂબ જ રાજી થયાં.

વાલાભાઈ તથા સંઘજીભાઈ બંનેએ પૂછ્યું જે, "તેઓ શી રીતે ભગવાન ભજતાં હતાં?"

સ્વામીશ્રીએ કહ્યું જે, "રામાનંદ સ્વામીને વિષે એમને ભગવાન જેટલો ભાવ હતો. રામાનંદ સ્વામીએ સરજુદાસને (શ્રીજીને) ધર્મધુરા સોંપી. મહારાજ ગાદીએ બેઠા. રામાનંદ સ્વામી અંતર્ધાન થયા પછી શ્રીજીએ સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું. મુક્તાનંદ સ્વામી કચ્છમાં આવ્યા. હરિભક્તોને ત્યાં ઉપદેશ આપે છે. તે સમે એવી ખબર આવી જે રામાનંદ સ્વામીની ગાદીએ સરજુદાસને બેસાડ્યા છે, તે તો સમાધિ કરાવે છે. તે સાંભળી સૌને આશ્ચર્ય થયું.

તે વાત લાધીબાએ પણ સાંભળી. લાધીબાએ મુક્તાનંદ સ્વામીને કહેવડાવ્યું જે, "સ્વામી અંતર્ધાન થઈ ગયા અને પાછળથી ગાદીપતિ દંભ કરે છે. માટે તમે જાઓ અને કહો; કાં તો અહીં બોલાવો." એમ કહી મહારાજને ભૂજ બોલાવ્યા.

મહારાજ ભૂજ આવ્યા. સર્વે હરિભક્તો સામા ગયા અને વાજતે-ગાજતે પધાર્યા. સાંજના સમયે માણસ આવી મહારાજનાં દર્શન કરી સભામાં બેસે તેને સમાધિ થઈ જાય. તે જોઈ લાધીબા ઊભાં થઈ મહારાજને વઢવા લાગ્યાં. એટલામાં લાધીબાને સમાધિ થઈ ગઈ અને સ્થિર થઈ ગયાં. સમાધિમાં રામાનંદ સ્વામીને મળ્યાં અને દર્શન કર્યાં. સ્વામીએ કહ્યું જે, "સાક્ષાત્ ભગવાન અક્ષરાતીત પુરુષોત્તમ એ છે ને કલ્યાણના દાતા છે. તો હું જે કહું છું તે તમે માનજો."

એમ કહ્યું ત્યાં શ્રીજીની મૂર્તિમાંથી તેજ નીકળ્યું અને આનંદ પામ્યાં. આનંદના સમૂહમાં અતિશય સુખ પામી સમાધિમાંથી ઊઠ્યાં. એમને સમાધિ થતી. તે જીવ્યાં ત્યાં સુધી મહારાજની મૂર્તિ સદા દેખતાં હતાં. લાધીબાને નિરાવરણ દૃષ્ટિ થઈ ગઈ હતી. મહારાજ સમૈયા તથા ઉત્સવ જ્યાં કરે તે બધાના લાધીબા ઘેર રહ્યાં. નજરે દર્શન કરતાં હતાં. શ્રીજીમહારાજની મૂર્તિ વિના એક ઘડી રહેતાં નહિ અને સદા મૂર્તિમાં નિમગ્ન રહેતા.

હવે માતાજીની વાત કહું છું, તે સાંભળો. માતાજી મૂળ ઇડર દેશનાં હતાં. એમનું પિયર પરવટ ગામમાં હતું. સાસરું જોધપુર શહેરમાં હતું. એમને લાખ રૂપિયાનો કરિયાવર કર્યો હતો. તેમના પતિ જોધપુરમાં ઠાકોર હતા. તે રાજ્યમાં જેમ તેઓ કરે તેમ થાય. તે સમે ભાયાત્માનંદ સ્વામીનું મંડળ ત્યાં ગયું હતું. સ્વામી ભગવાનના મહિમાની વાતો કરતા હતા. વાતોમાં એવો ચમત્કાર હતો જે પ્રગટની વાતો સાંભળે તેને સમાધિ થઈ જાય અને ભગવાનની મૂર્તિ નજરે દેખે, માતાજીને પણ અવું થઈ ગયું.

રાત-દિવસ ભગવાનની મૂર્તિ સાંભર્યા કરે અને સંસાર સુખમાંથી વૃત્તિ ઊઠી ગઈ અને રાત-દિવસ ભગવાનનું ભજન કરે. રાજાના મનમાં થયું જે આ ભગતડી થઈ છે તે આપણને વગોવશે. તેથી તેને ઝેર આપ્યું, પણ તે અમૃત થઈ ગયું. માતાજીને મારવાના ઘણા ઉપાય કર્યા પણ એ મર્યાં નહિ. રાણો પોતે તરવાર લઈને કહે: "એને મારી અને નાક, કાન કાપી કાઢી મૂકું." એમ ધારી રાણો માતાજી પાસે આવ્યો અને તરવાર કાઢી બાઈ ઉપર ઘા કર્યો ત્યારે માતાજી તો એકનાં બે સ્વરૂપે થયાં. બીજો ફરી ઘા કર્યો તો બેનાં ચાર સ્વરૂપો થયાં. જેમ ઘા કરતા ગયા તેમ ચારનાં આઠ થયાં, આઠનાં સોળ થયાં, એવી રીતે જેમ જેમ ઘા કરે તેમ તેમ બમણાં થતાં જાય. એમ અનેક સ્વરૂપ જોઈ રાણો શરમાઈ ગયો અને વિચાર કર્યો જે આ શું હશે? અને કહે કે ભૂત હશે? એમ જાણી કહે કે આને એક ઓરડામાં પૂરી ખાવા-પીવાનું આપવું નહિ. પાણી પણ ન આપવું.

માતાજીને પૂર્યા, એટલે બે દિવસ રહી શ્રીજીની મૂર્તિ કેડે ચાલ્યાં તે પાછળ બસો અસવાર ખોળવા મોકલ્યા. રાણાએ કહ્યું જે, "એને અહીં લાવશો નહિ. બહાર ખોળી નાક, કાન કાપી કાઢી મૂકજો." એવો હુકમ કર્યો. ચારે તરફ અસવાર ફરતા પણ ભગવાનને પ્રતાપે કોઈ માતાજીને જોઈ શક્તું નહિ. એવી રીતે માર્ગમાં ચાલતાં ચાલતાં વણઝારાની પોઠ સાથે વિસનગર આવ્યાં અને ત્યાંથી ત્યાંની બાઈઓ સાથે ગઢડા આવ્યાં અને મહારાજનાં દર્શન કરી પૂર્ણ આનંદ પામ્યાં.

મહારાજે એમને રાખ્યા અને એમનું નામ માનબાઈ હતું, તે મહારાજે માતાજી નામ પાડ્યું અને કહ્યું જે, "આ જોધપુરના રાણાનાં ઘરનાં છે. તેમને લાધીબા પાસે મોકલો. બંને પૂર્વના મુક્ત છે અને ભગવાન ભજવા આવ્યા છે; માટે એમને ભૂજ મોકલો." એમ મહારાજે કહ્યું.

ત્યારે માતાજી બોલ્યાં જે, "મહારાજ! તમારા માટે રાજ્યનો ત્યાગ કરી આવી છું. તો જેમ તમારાં દર્શન થાય તેમ કરો." એમ કહી મહારાજને પગે લાગીને બેઠાં.

મહારાજે કહ્યું જે, "સદાય મારી મૂર્તિનાં દર્શન થશે. જે ઠેકાણે ઉત્સવ-સમૈયા થશે તે તમો ત્યાં બેઠા નજરો જોશો. હું તમારાથી એક ઘડી પણ વેગળો નહિ રહું." એમ મહારાજે વરદાન આપ્યું અને ભૂજ મોકલ્યા.

માતાજી તથા લાધીબા બંને સાથે રહેતાં અને ભગવાન ભજતાં. તેમને માહાત્મ્યે સહિત નિશ્ચય હતો તો શ્રીજી જેમ કહે તેમ તેઓ કરતાં અને ભગવાન રાજી થાય તેમ વર્તતાં.

તે સમે લાધીબા કહે: "મારે દેહત્યાગ કરવો છે."

માતાજી કહે: "મને મહારાજે તમારા પાસે મૂકી છે તે પ્રથમ મને દેહત્યાગ કરાવો."

તે દેહત્યાગ કરવો હતો ત્યારે માતાજીને જોગ ધારણ કરાવી અંતરમાં જોઈને અંગની ધારણા કરાવી અને પંચભૂતનો દેહ દગ્ધ કરીને આત્મારૂપે ધારણા કરી ભગવાનની મૂર્તિમાં લીન થઈ ગયા. તેમ અક્ષરધામને પામ્યાં.

પછી લાધીબા દેહત્યાગ કરવા તૈયાર થયાં અને જોગ ધારણ કરી તે સમે તેમના સંબંધીએ કહ્યું જે, "દેહની ક્રિયા અમે બંનેની કરશું." એવી સંબંધીની વાત સાંભળી દેહત્યાગ કરી અક્ષરધામને પામ્યાં. એવા બંને મહામુક્તો હતાં તેઓથી ભગવાનને અર્થે શું ન થાય?

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે છ્યાશીમો વિશ્રામ