વિશ્રામ ૨૯

મુળીના મંદિરનું કામ ચાલુ હતું તે સમે પથ્થર ખૂટ્યા. નિર્દોષાનંદ સ્વામીએ આવીને સ્વામીને વાત કરી જે, "સ્વામી! પથ્થર જોઈશે." સ્વામી પથ્થર માટે રામપરા ખોલડિયાદ ગયા. રામપરામાં પટેલ ભગવાન તથા દલો સિંધવ, તેજો સિંધવ, વસ્તો ભક્ત, રાજસી ભક્ત, ભાણો રાવત આદિને પથ્થર બાબત કહ્યું અને વ્યાસ ગણેશજીને ઘેર રસોઈ જમ્યા અને પંદર ગાડાંના પૈસા આપ્યા. સ્વામી પ્રસન્ન થયા. જેઠા જોષીએ હરિભક્તોને કહ્યું જે, "આખા ગામનાં ગાડાં જોડાવજો અને મુળીએ પથ્થર પહોંચાડી આવજો અને સ્વામી રાજી થાય ત્યાં સુધી મુળી મંદિરની સેવામાં રહેજો." સ્વામીએ મુળીથી રજા આપી કહ્યું જે, "આ સર્વેને હું તેડવા આવીશ અને તમારા બળદને પણ ધામમાં લઈ જઈશ." એમ વર આપ્યો. તે રામપરામાં જે સત્સંગી મરણ પામે તેને મહારાજ સાથે બ્રહ્માનંદ સ્વામી તેડવા આવે છે.

જેમ રામપરામાં સ્વામી પધાર્યા તેમ જ ખોલડિયાદમાં પણ પધાર્યા હતા. ત્યાં ખેંગાર સિંધવ, દલો સિંધવ, ગણેશ સિંધવ, મુલો ભક્ત, લાધો સિંધવ અને ભગુ પટેલ આદિ હરિભક્તોને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું: "રામપરાનાં ગાડાં સેવામાં મંદિરે આવ્યાં છે. તમારે પણ ગાડાં મોકલી સેવા કરવી જોઈએ."

હરિભક્તોએ કહ્યું: "સ્વામી! આ ગાડાં તમારાં જ છે. અમે પણ તમે કહેશો તે સેવા કરશું."

એમ કહી બધાંએ ગાડાં જોડ્યાં.

ભગુ પટેલ તથા ખેંગાર ભક્ત બંનેએ આવી સ્વામીને કહ્યું જે, "સ્વામી! બીજી કંઈ સેવા હોય તથા પૈસાની જરૂર હોય તે કહો અને નહિ કહો તો તમને અમારા સમ છે."

બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું: "ભગુ પટેલ તમારા ઘેર કેટલા રૂપિયા છે?"

તે કહે: "મારે ઘેર બસો રૂપિયા છે તે લઈ આવું ને વધુ જોઈએ તો બીજા ગામમાંથી લાવી આપું."

સ્વામી કહે: "તમારે એવો વહેવાર છે?"

ત્યારે કહે: "હા સ્વામી! આપને પ્રતાપે કહો તેટલા રૂપિયા લઈ આવું." એમ કહી નથુ શેઠને ઘેરથી રૂપિયા ત્રણસો લાવી સ્વામીશ્રીને આપ્યા. પાંચસો રૂપિયા અને પથ્થરનાં ગાડાં આપ્યાં. સ્વામીએ પ્રસન્ન થઈને કહ્યું: "તમારા કુળનું જે મરશે તેને ધામમાં લઈ જઈશું." એવો વર દીધો.

બ્રહ્મમુનિ ઘણા જનોને મોક્ષનો માર્ગ બતાવતા અને અનેક જીવોનો ઉદ્ધાર કરતા. બ્રહ્મમુનિનાં કીર્તન જેને કાને પડ્યાં હશે તેને અક્ષરધામમાં પહોંચાડે એવો બ્રહ્મમુનિના કીર્તનનો પ્રતાપ છે. જેને એક કીર્તનનું ચરણ આવડતું હોય તો તે જીવ પણ મોક્ષને પામે છે. તે જેમ "સગપણ હરિવરનું સાચું" એ ચરણ વડોદરામાં એક વાણિયણ બાઈ રોજ ગાતી. તેને અંત સમયે મહારાજ તેડવા આવ્યા હતા. એમ શ્રીહરિના મહિમામો પાર આવે તેમ નથી.

બ્રહ્માનંદ સ્વામીના તથા મુક્તાનંદ સ્વામીનાં કીર્તનોનું શ્રવણ, મનન, નિદિધ્યાસ કરવાથી તો અક્ષરધામમાં પહોંચાય એવા તે દિવ્ય છે.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ઓગણત્રીસમો વિશ્રામ.