વિશ્રામ ૨

એક સમયે શ્રી મેથાણપુરથી દેવરામ વ્યાસ અને શ્રીજીમહારાજ મુળીપુરમાં પધાર્યા અને અલર્ક વાવમાં૧ સ્નાન કરતા હતા. તે સમયે પરમાર દાજીભાઈ ત્યાં આવ્યા અને શ્રીજીમહારાજને જોઈ બોલ્યા: "મહારાજ! અમારે ઘેર પધારો." એમ કહી રૂડા સાધુ જાણી તેઓને પોતાને ઘેર લઈ ગયા.

તેમના માતુશ્રી ફૂલજીબા, જે પરોક્ષના ભક્ત હતાં; તેમણે ચોકમાં ચોતરા ઉપર આસન બિછાવરાવ્યું અને પોતાને ઘેર રામકૃષ્ણ મહેતાને તેડાવીને રસોઈ કરાવી, મહારાજ અને દેવરામને જમવા બેસાડ્યા. ફૂલજીબા દૂધ-દહીં વગેરે લાવ્યાં. દૂધ ગાળી આપ્યું અને રામકૃષ્ણ મહેતાએ પીરસ્યું, મહારાજ જમ્યા.

ત્યાર બાદ શ્રીજીમહારાજ ચોતરા ઉપર ઢોલિયો ઢળાવી બિરાજમાન થયા. ગામના લોકો અને ગરાસિયાઓ મહારાજનાં દર્શને આવ્યા. તેમની સાથે મહારાજે બહુ વાતો કરી. રામકૃષ્ણ મહેતાએ પ્રશ્ન કર્યો: "હે મહારાજ! આ જીવને કેમ કરે તો ભગવાનમાં હેત થાય?"

મહારાજે ઉત્તર આપ્યો: "જે વસ્તુમાં મહત્વ જણાય તેમાં હેત થાય, માટે ભગવાનનો મહિમા જાણે તો હેત થાય, એને સ્વાર્થ જણાય તો સગાંસંબંધીમાં હેત છે તેવું ભગવાન, સંત અને હરિભક્તમાં થાય."

એવી ઘણી વાર્તા કરી મહારાજ પોઢી ગયા.

સવારે નદીમાં રેતીએ૧ કૂવે નહાવા પધાર્યા. નાહીએ આવ્યા ત્યારે દૂધપાકની રસોઈ કરાવી મહારાજને જમાડ્યા.

તે દિવસે પણ ઘણા લોકો તેમનાં દર્શને આવ્યા. તેઓને પણ ભગવાનની વાર્તાઓ શ્રીજીમહારાજે કહી સંભળાવી.

આમ બે દિવસ રહીને ચાલ્યા અને રામકૃષ્ણ મહેતા તેમને લોયા સુધી મૂકવા સાથે ગયા.

લોયામાં બે દિવસ રહ્યા અને સૌને દર્શનનો લાભ આપ્યો.

મહારાજ બોલ્યા: "ભગત! હવે તમે તમારા ઘેર જાઓ." એમ કહી એક રૂપિયો તથા ધોતિયું આપ્યું. પછી રામકૃષ્ણ મહેતા અને મેથાણના દેવરામ વ્યાસ પોતાને ઘેર ગયા.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે બીજો વિશ્રામ.