વિશ્રામ ૩૦

શ્રી મુળીપુરમાં હરિકૃષ્ણ મહારાજ તથા રાધાકૃષ્ણદેવની પ્રતિષ્ઠા વિધિ થતી હતી તે સમે સભા ભરાઈને બેઠી હતી. સભામાં શ્રીજીમહારાજ, અયોધ્યાપ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ એ ત્રણેનાં દર્શન સર્વ હરિભક્તો કરતા હતા. ત્યાંથી પછી હરિભક્તો જ્યારે યજ્ઞશાળામાં જાય ત્યારે ગોપાળાનંદ સ્વામી પ્રતિષ્ઠા કરતા હતા તે ઠેકાણે પણ શ્રીજી બેઠા છે એવા દર્શન સર્વને થતાં હવા.

બ્રહ્માનંદ સ્વામી જે ઠેકાણે પાકશાળામાં પાક કરાવતા હતા એ જગ્યાએ પણ બ્રહ્માનંદ સ્વામી સહિત શ્રીજીને હરિભક્તો દેખતા હવા. ભગુજી સર્વ સંઘની ચોકી કરતા. ભગુજી ને શ્રીજીમહારાજ માણકી ઘોડીએ બેસીને સર્વ સંઘની રક્ષા કરતા એવા દર્શન સર્વને થતાં હવા.

એ પ્રકારે શ્રીહરિ ઘણો પ્રતાપ બતાવી એકકાળાવછિન્ન દર્શન દઈ ઐશ્વર્ય બતાવતા હવા અને તેજના અંબારને વિષે તેજોમય શ્રીજીમહારાજની મૂર્તિને જોઈ કેટલાકને સમાધિ થતી હતી.

તે સમે સિદ્ધાનંદ સ્વામી, સુદર્શનાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી; અમદાવાદના દામોદર તથા વૃજલાલ; સિયાણીના પથાભાઈ; ભાદરાના ડોસાભાઈ; વિસનગરના હરજીવનભાઈ; માણસાના નરસીભાઈ; માંડવીના ડોસાભાઈ તથા જેભાઈ; હળવદના શેઠ રણછોડભાઈ, મકનજી, મહાદેવ, શિવ જાની, અમરશી ખત્રી, હરિકૃષ્ણ આચાર્ય; ઘાંટીલાના સુતાર આણંદજી, તેનો દીકરો હરિ, એ બધાને સંઘની સાથે સમાધિ થતી હવી.

જેતપરના ઠક્કર દમાને; માથકના સુતાર બેચર; ભદ્રેસીના સુરચંદ્ર શેઠ, લીમલીવાળા મૂળજી શેઠ; ધ્રાંગધ્રાના રાઘવજી, બેચર ઓઝા, મૂળજી દોશી, જેઠા શુકલ, નરસી પારેખ, કરસન સોની, ગોવાભાઈ, મેતા નથુભાઈ, પાઠક કલ્યાણજી તથા કૃપારામ; સાયલાના સોમચંદ પારેખ, હેમચંદ પારેખ, મૂળચંદ પારેખ, મલુકચંદ પારેખ, સોની ડોસા, માવજી ત્રિકમ; વસ્તડીના તરવાડી માલજી, રામકૃષ્ણ, સામત, જાદવ; લીંબડીના સોની હીરા, કલ્યાણ, રણછોડ, નારાયણ, નરભેરામ, શુકલ શિવા, દલા ગાંધી, ડાહ્યાભાઈ વીરા; વઢવાણના સોની સંઘજી, રઘાભાઈ, શેઠ માવજી, વીરપાળ શેઠ, ધના તરવાડી, જેઠાભાઈ વ્યાસ તથા હરિબા, અદીબા, મોંઘીબા, માનબા, સામબા, પાર્વતીબા, કેસાબા આદિ સર્વે સત્સંગી બાઈ-ભાઈને સમાધિ થતી હવી અને અનંત ઐશ્વર્ય દેખતાં હવા.

તે સભામાં શ્રીજીમહારાજની પૂજા ઘણા હરિભક્ત કરતા હતા. ઘણા લોકો તો ખેતર, ઘર, મેડી, હવેલી, વાહન, ઘોડા, વેલું, રથ, બળદની જોડી, ગાયું, ભેંસો, સોનામહોરો, રૂપિયા, ઘરેણાં, સોનાનાં જડાવ કડાં, કુંડળ, હાર, દોરા, બાજુબંધ પોંચી, હીરા સાંકળી, નાનાં પ્રકારનાં વસ્ત્ર, શેલાં, પાઘ, શાલું, ઊતરી, ડગલી, જામા આદિ વસ્તુ શ્રીજીમહારાજને અર્પણ કરતા હતા.

સાટાની રસોઈ, મોતૈયા લાડુની રસોઈ, કેળાં-રોટલીની રસોઈ, દૂધપાક, શીરાપૂરી, કંસાર, ચૂરમું, બિરંજ એ આદિ નાના પ્રકારની રસોઈ કરી શ્રીહરિને જમાડતા હતા. દેશ દેશના ઘણા હરિભક્ત બાઈ-ભાઈ આવી વિધવિધ પ્રકારની વસ્તુઓ મહારાજને અર્પણ કરતા હતા.

તેમાં કેટલાક મચ્છુ કાંઠાના, ગુજરાતના, કચ્છના, હાલારના, ઝાલાવાડના, કાઠિયાવાડના, ગોહિલવાડના, વાળાક દેશના, સોરઠના, ભાલદેશના, નળકંઠાના, ચુંવાળ દેશના, પાટણના, દંઢાવ્યના, ઇડરના, મારવાડના, કાનમના, ચરોતરના, ખાનદેશના, દક્ષિણ દેશના, હિન્દુસ્તાનના, મેવાડના, ઝાડી દેશના, વાગડ દેશના, વઢીઆર દેશના એ આદિ દેશોદેશના હરિભક્તો આવતા હતા અને શ્રીહરિની સેવા કરતા હતા અને આનંદ ઉત્સવ થતો હતો.

શ્રીહરિની વાતોથી તથા દર્શનથી સંત-હરિભક્તો બહુ સુખ અનુભવતા હતા અને આનંદના સમૂહને વિષે નિમગ્ન થતા હવા. એવી રીતે શ્રીહરિ હરિભક્તોને નિત્ય નવીન સુખ આપતા હતા.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ત્રીસમો વિશ્રામ.