વિશ્રામ ૫૨
લિખિતંગ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પરમહંસ સમસ્ત તથા સત્સંગી બાઈ-ભાઈ સમસ્ત પ્રત્યે લખવા કારણ એમ છે જે વર્ષોવર્ષ ચાતુર્માસમાં અધિક નિયમ ધારવા. તેની વિગત જે, નિત્ય ભગવાનને તુલસીપત્ર ચડાવવાનો નિયમ રાખવો; પુષ્પ ચડાવવા; સાધુ જમાડવા; ભગવાનના માહાત્મ્ય સહિત જે સત્શાસ્ત્ર-સત્સંગિજીવન તથા વચનામૃત તથા ભક્તચિંતામણિ વગેરે સાંભળવાં તથા પાઠ કરવો, બ્રાહ્મણ જમાડવાનો તથા કીર્તન ગાવાનો તથા પોતાના નિત્ય નિયમ કરતાં વધારે માળા ફેરવવાનો; વધુ પ્રણામ કરવાનો; ભગવાનની માનસીપૂજા કરવાનો; મૂર્તિનું ધ્યાન કરવાનો; સાષ્ટાંગ નમસ્કાર કરવાનો; ભગવાનને પ્રદક્ષિણાઓ કરવાનો; દૂધ, દહીં, સાકર, ખાંડ તે નહિ ખાવાનો; લીલોતરી ખાવી નહિ; મીઠું ન ખાવું આદિ આટલા બધા નિયમોમાંથી જેટલા રાખવાની પોતાની ઇચ્છા હોય અને જેટલા માસ રાખવાની શ્રદ્ધા હોય તેટલા મહિના માટે નિયમ રાખવો.
ગૃહસ્થ સત્સંગીને બ્રહ્મચર્યવ્રત રાખવું અને જો સ્ત્રી રાજી થઈ આજ્ઞા આપે તો બ્રહ્મચર્ય રાખે અને સ્ત્રી પોતાની રાજી ન હોય અને રાખે તો વચનદ્રોહી, ગુરુદ્રોહી છે. ઉપવાસનો નિયમ લેવો તે તો પરમહંસ બ્રહ્મચારી આદિ ત્યાગી તથા સાંખ્યયોગી બાઈ, વિધવા બાઈ આદિને જો ઉપવાસ કરવાની શ્રદ્ધા હોય તો એક શ્રાવણ માસમાં ધારણા-પારણા વ્રત કરવાનો નિયમ રાખવો અથવા ચાંદ્રાયણ વ્રત કરવાનો નિયમ રાખવો: આ બે વ્રત સિવાય ઉપવાસ કરવાનો નિયમ ન રાખવો.
ત્યાગી બાઈ, ભાઈ, પરમહંસ આદિ જેને ચાતુર્માસમાં જેની સાથે ક્રોધ થાય તથા ઈર્ષા થાય, મત્સર તથા માન ઇત્યાદિ એક પણ થાય તો તેને સાષ્ટાંગ દંડવત્ કરવા. સંવત્ (૧૮૮૪) અઢારસો ચોરાશીના શ્રાવણ વદ નવમી લિખિતંગ મુનિ અચ્યુતાનંદના જય શ્રી સ્વામિનારાયણ વાંચશો.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે બાવનમો વિશ્રામ.