વિશ્રામ ૮૭
ગામ શ્રી મુળીમાં શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ સભા કરી બિરાજમાન હતા. તે સમે ગામ ખોલડીઆદના પટેલ લાધાભાઈ તથા પટેલ ભગુભાઈએ કહ્યું જે, "મહારાજ! ગુંદાલીના બે કાઠી હરિભક્તોની શી વાત છે? તે વિસ્તારીને કહો." ત્યારે મહારાજે તદ્રૂપાનંદ સ્વામીને કહ્યું જે, "સ્વામી! વાત કરો." પછી સ્વામી કહે જે ગુંદાલી ગામમાં મેપો અને નાથો નામે બે કાઠી હતા. તેમને બ્રહ્માનંદ સ્વામીએ વર્તમાન ધરાવ્યાં હતાં.
બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢ જતા હતા ત્યારે બે કાઠીઓએ સ્વામીને રોકાવા કહ્યું. સ્વામી કહે: "હાલ ઉતાવળ છે, તો વળતા આવશું." આમ કહીને ચાલ્યા.
કાઠીઓએ બહુ આગ્રહ કર્યો ને કહ્યું: "જરૂર વળતા આવજો." પછી પાછા વળતા સ્વામી આવ્યા અને ઘર પૂછતાં પૂછતાં એમના ઘેર ગયા. બંને ભાઈ ગામથી બહાર ગયા હતા. તેઓની માતુશ્રી તથા સ્ત્રીઓએ ઉતારો કરાવી, સીધું સામાન આપી, રસોઈ કરવા કહ્યું. ત્યાં ગામધણી જે કાઠી હતા તેમને માણસોએ આવી કહ્યું જે, "આ ગામમાં સ્વામિનારાયણના સાધુ આવ્યા છે તે ગામ બગાડશે, માટે કાઢી મૂકો." ગામધણીએ માણસ મોકલી કહેવડાવ્યું જે સાધુને અહીંથી કાઢી મૂકો."
ઘરના માણસ કહે જે રસોઈ કરે છે તે જમીને જશે. પાછા ગયેલ માણસે આવી કહ્યું રસોઈ પડતી મૂકો અને જાઓ. એમ કહ્યું ત્યારે સાધુ જમ્યા વિના ચાલ્યા ગયા. મેપાની માતુશ્રીએ તથા સ્ત્રીએ પણ અન્ન ખાધું નહિ. ત્યાં બંને ભાઈ ઘેર આવ્યા. એટલે તેમની માતુશ્રીએ કહ્યું જે સાધુને જમ્યા વગર ગામધણીએ કાઢી મૂક્યા. અમે પણ કોઈએ ખાધું નથી. એ વાત સાંભળી મેપો અને નાથો ભાલા અને તરવાર લઈ ગામધણી ચોરે બેઠો હતો તેનો પગ પકડ્યો ને નીચો નાખી ભાલેથી મારી બહારવટું કર્યું.
એમ સાધુનો પક્ષ રાખી, વિમુખનો પક્ષ ત્યાગ કર્યો. ગામ, ગરાસ તથા ઘરનો ત્યાગ કર્યો. એમ માહાત્મ્યે સહિત નિશ્ચય હોય તો શું ન થાય?
જેણે ભગવાન ને ભગવાનના ભક્ત સાથે હેત કર્યું છે તે આ લોકમાં છે, તો પણ ભગવાનના ધામમાં બેઠા છે. માટે ભગવાન અને સંત સાથે હેત રાખવું એનાથી મોટી પ્રાપ્તિ કોઈ નથી. આવો જેને પક્ષ છે તે પોતે કૃતાર્થ થયા છે અને તેના મા-બાપને ધન્ય છે.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે સત્યાશીમો વિશ્રામ.