વિશ્રામ ૮૧
ગામ શ્રી મુળીમાં શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ વિરાજમાન હતા તે સમે અચારડાના રાણા નારસંગજીએ કહ્યું જે, "હે મહારાજ! દાદા ખાચરની વાત કરો."
મહારાજે તદ્રૂપાનંદ સ્વામીને કહ્યું જે, "દાદા ખાચરની વાત કહો."
પછી સ્વામી બોલ્યા જે, દાદા ખાચરની વાતોનો તો પાર આવે એમ નથી પણ થોડી મોટી મોટી વાત કહીએ છીએ તે સાંભળો.
દાદા ખાચરના અઢાર વખત આપત્કાળ આવ્યા અને અઢારે વખતે ધીરજતા રાખી. તેમનો ગરાસ હતો તે શ્રીજીમહારાજે મોટીબાને લખાવી આપ્યો અને દાદા ખાચરના ભાવનગર નોકરી કરવા મોકલ્યા.
એક વખત ચોમાસામાં વરસાદ આવ્યો, તે તીર્થવાસી માટે પ્રથમ કોડ્ય ખાલી કરવાનું કહ્યું. તે ગયા; પણ વરસાદમાં બળદ કોડ્યમાંથી બહાર નીકળ્યા નહિ. ત્યારે મહારાજ કહે : "તમારા ઓરડામાં તીર્થવાસીને રાંધવા આપો અને તમે બીજે જાવ. પછી દાદા ખાચરે ઓરડો તીર્થવાસીને કાઢી આપ્યો અને પોતે બહાર જઈ રહ્યા.
પછી જન્માષ્ટમીનો સમૈયો બહુ સારો થયો. માણસોને ગામમાં ઉતારો ન મળે. મહારાજને આવી જે હોય તે કહે કે "ઉતારો આપો." મહારાજ દાદા ખાચરને કહે. માણસ દાદા ખાચરને કહે ઉતારો આપો, નહિતર અમે જઈએ છીએ. પછી પોતાના ઓરડામાં જઈ પોતાની નવી સ્ત્રી અને પોતે બહાર રહ્યાં. પછી પાછળ માણસ જોવા મોકલ્યા જે એ મનમાં કચવાતા હોય તો ચાલ્યા જઈએ. મહારાજને માણસે આવી કહ્યું જે, એ બંને માણસ તો એમ વાત કરે છે જે હરિશ્ચંદ્ર રાજા તો વેચાયા હતા અને આપણને તો ઘરમાં રાખે છે. આપણા ઓરડામાં તો માણસોનો ઉતારો કરાવે છે. એવી ઘણી વાર ધીરજતા જોઈ મહારાજ જેમ કહે તેમ કરે એમની મરજી વગર કંઈ ન કરે તે લખીએ તો પાર આવે તેમ નથી.
એક સમે વડોદરાથી દિવાન બે હજાર માણસ લઈને આવ્યા હતા અને દાદા ખાચરને કહેવડાવ્યું જે ગામ ગરાસ ખાવો હોય તો સ્વામિનારાયણને તમારા ઘેરથી કાઢી મૂકો; નહિતર તમારો ગરાસ લઈ લેશું. દાદા ખાચર કહે: "તમારે ગરાસ લેવો હોય તો ભલે લ્યો, પણ સ્વામિનારાયણ તો નહિ જાય."
ગામના લોકો કહે: "જો શ્રીજી નહિ જાય તો તમારો ગરાસ લઈ લેશે."
દાદા ખાચર કહે: "એવા શ્વાન ઘણા ભસતા હશે." પછી તેઓને એવું સાર્મથ્ય બતાવ્યું જે મને મારી નાખશે એમ જાણીને ચાલ્યો ગયો.
વળી બીજી વાર ભાવનગરથી ત્રણ હજાર મારવાડા લઈ ગેબી આવ્યો. હથિયાર બાંધી હલ્લા કરીને આગળથી કહી મોકલ્યું જે સ્વામિનારાયણને તમારા ઘેરથી કાઢી મૂકો, નહિતર તમારો ગરાસ જશે ને હમણાં ગામમાં ફોજ આવશે એમ કહેવડાવ્યું. તો પણ દાદા ખાચરને એ વાતનો જરાપણ સંશય ન થયો. ગામના માણસોએ વાત સાંભળી હાલકલોલ ગામમાં થયું. તે હલ્લા ગામમાં આવીને જ્યારે બજારે આવ્યા ત્યારે શ્રીજીમહારાજે એવું સાર્મથ્યપણું જણાવ્યું જે હજારો માણસ ભરાયાં છે તે જોઈ ગેબી તથા તેના માણસો નાસી ગયા ને ઉતારે ઊભા ન રહેવાયું. પડી પડીને ભાગી ગયા. દાદા ખાચરને તો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હતો, તે જરાય ડગ્યા નહિ.
ત્રીજી વખત ભાવનગરનો કારભારી આરબની બેરખ લાવ્યો અને દાદા ખાચરને કહેવડાવ્યું જે સ્વામિનારાયણને નહિ કાઢો તો તમારો ગરાસ લઈ લેશું; એમ કહી ઉપાધિ કરાવી. ગામ ઉપર જપ્તી કરી. ગામમાં જવાનો હુકમ પણ નહિ. આરબની બેરખ લઈને તે દાદા ખાચરના માણસો સાથે લડાઈ કરવાનો આરંભ કરી બંદૂક ભરી મારવા તૈયાર થયા. તે સમે દાદા ખાચના માણસો નીકળ્યા. આરબના શિંગણામાંથી પલિતો ઊડ્યો તે એકબીજાને માંહોમાંહી લાગી ને એકબીજાને મારવા માંડ્યા અને નાસીને જીવા ખાચરના દરબારમાં ભરાઈ ગયા. એમ મહારાજે દાદા ખાચરની રક્ષા કરી.
એવી તો હજારો વખત રક્ષા કરી છે. તેમને માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય તે મનમાં જરાય શંકા નહિ. ત્યાર પછી જીવા ખાચરે પોતાની નાતમાં ઉપાધિ કરાવી નાત બહાર મૂક્યા. માણસો ન બોલાય એવું બોલે. પણ એમને તો સ્વામિનારાયણનો પક્ષ તે ન મૂકે. એવી રીતે નાતની, જગતની ઉપાધિ તથા લોક લાજ મૂકી, ગણના ન કરી ભગવાન અર્થે શું ન થાય? ભગવાન શ્રીહરિને અર્થે પોતાનું રાજ્ય, સગાં, તન, મન, ધન, યત્કિંચિત્ પદાર્થ મહારાજની સેવામાં આપે એમ તે સર્વે ભગવાનને અર્થે કરી રાખતા ને જેમ ભગવાનની મરજી હોય તેમ વર્તતા. પોતાના મનનું ગમતું મૂકી જેમ કહે તેમ કરતા તો ભગવાન એમના ઘેર રહ્યા અને રાજી થયા. એમનાં સર્વે કામ કર્યાં ને વશ થઈને રહ્યા.
જીવા ખાચરે માંડવધારમાં ત્રણસો માણસની મેલ કરાવી મહારાજને પકડવાનો વિચાર કર્યો. મહારાજને કહે તમે અહીંથી નાસી જ જાઓ. મહારાજ કહે: "સારું." પછી સાંજે ગાડું જોડાવી, તૈયાર થઈ બહાર નીકળ્યા. તે દિવસ આથમ્યો અને પાછા જઈ માંડવધાર ગયા. ત્રણસો માણસોને નસાડી પાછા દાદા ખાચરના ઘેર આવ્યા. એવી રીતે અનેક વિઘ્ન આવ્યાં પણ ભગવાને રક્ષણ કર્યું એમ દાદા ખાચરનાં ઘણાં કામ કર્યાં છે.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે એકાશીમો વિશ્રામ.