વિશ્રામ ૬૧

એક સમે મહારાજ ગામ મેથાણમાં કાકાભાઈ, પૂંજાભાઈ તથા જીજીબાના ઘેર રાત્રે પધાર્યા. તે વખતે મહારાજને જીજીબાએ થાળ કરી જમાડ્યા. પછી સર્વે સંતોને જમાડ્યા. બીજે દિવસે સવારમાં શૌચવિધિ તથા દાતણ કરી મુખ શુદ્ધિ કરી નાહીને પોતાનું નિત્ય કર્મ પતાવી મહારાજ ઢોલણી ઉપર વિરાજમાન થયા. મહારાજ તે પહેલાં પધારેલ ત્યારે ઊનું ઘી જીજીબા પાસે મંગાવી જમતા તેથી આ વખતે પણ જીજીબાએ ઘી ઊનું કરી મહારાજ આગળ મૂક્યું.

મહારાજ કહે: "શું લાવ્યાં, જીજીબા?"

જીજીબા કહે: "ઘી લાવી છું, તો તે જમો."

મહારાજ કહે: "તે વખતે તો અમારે શરીરે ગરમી જણાતી હતી માટે ઘી ઊનું કરી સવારમાં પીતા હતા અને હવે કંઈ સાજા શરીરે પિવાય?" વળી મહારાજ કહે: "ઊના ઘીની અમારે રુચિ નથી. થીનું ઘી હોય તો જમીશું."

કાકાભાઈ કહે: "મહારાજ! ઘી તો આપના પ્રતાપથી ઘરમાં ઘણું છે, તે જમો." એમ કહી ઘીની પાર આગળ મૂકી.

મહારાજ પારમાંથી ઘી લઈ બે હાથે જમતા તે આશરે બશેર અઢીશેર ઘીની પાર હતી. તેવામાં પટેલ મલુ મહારાજનાં દર્શન કરવા આવ્યા. તેઓ તલી (તલ) કાપવા વગડામાં જતા હતા એટલે તેમની પાસે ભાતાના રોટલા હતા. તેઓ દર્શન કરી પાછા વળ્યા. પછી મહારાજે પટેલને પાછા બોલાવી કહ્યું: "પટેલ! આ તમારી પાસે લૂગડામાં શું છે?"

મલા પટેલ કહે: "મહારાજ! હું તલ કાપવા વગડામાં જાઉં છું, તે રોટલા બાંધ્યા છે."

મહારાજ કહે: "અમને આપશો?"

મલા પટેલે મહારાજને કહ્યું: "લ્યો મહારાજ!" પછી ઢોલણી ઉપર મૂક્યા. તેની મહારાજે ગાંઠ છોડી અંદરથી રોટલા લીધા અને પછેડી પાછી આપી.

મહારાજે કાકાભાઈને કહ્યું: "અમારે ઘી વધારે જોઈશે. અમો એકલા જમશું નહિ. અમારી સાથે સર્વ સખા છે, તેમને જમાડી અમે જમશું."

કાકાભાઈ કહે: "આપના પ્રતાપથી ઘી ઘણું છે; તો સુખેથી સર્વને જમાડો."

મહારાજ કહે: "ભલે લાવો."

કાકાભાઈએ ઘરમાંથી ઘીની પાર લાવી મહારાજ આગળ મૂકી. મહારાજ પારમાંથી ઘી લઈ બે હાથે જમતા હતા. એમ ઘણી વાર પોતે જમ્યા. સર્વે સખાઓને કહે: "લ્યો બશેર, લ્યો અઢીશેર." એમ દરેકને પીરસીને જમાડ્યા. પોતે જમતા હતા તે ઘીની પાર મોટી હતી. શ્રીજીને જમતા જોઈ સુરા ખાચર અલૈયા ખાચરને કહે: "મહારાજ તો રાજાધિરાજ છે ને તું તો ભણું દુબલડી છે. ડુબુસ ડુબુસ કરે છે, પણ ઘી તો સોંસરું નીકળે તો પછેડી બગડશે, માટે વિચારીને ખાજે."

સુરા ખાચરનું આવું વચન સાંભળી મહારાજે સખાઓને પૂછ્યું: "સુરા ખાચર શું કહે છે?"

ત્યારે તેઓ કહે: "મહારાજ! કાંઈ નહિ. આપ જેમ ભણતા હોય તેમ ભણો."

મહારાજ કહે: "જે વાત હોય તે કહો."

સુરા ખાચર કહે: "મહારાજ! આ દુબલડી અલૈયો ડુબુસ ડુબુસ કરે છે તે પચાવવું કઠણ પડશે. ભણું કાગળની કોથળીમાં ભીંસણ દઈ સાટા ભરીએ તો કેટલા અંદર સમાય? ને કેટલી ભીંસણ ખમે? માટે વિચારીને ખાજે." એમ કહ્યું.

પછી શ્રીજીમહારાજ કહે: "ઘી ખાઈને કોઈ દુઃખી થાય તેવું ન કરશો." એમ કહી ઘણી રમુજ કરી. તે સમે કાના પટેલ મહારાજનાં દર્શન કરવા આવ્યા. એમણે મહારાજને બન્ને હાથે ઘી જમતા જોયા અને મહારાજના મુખથી ઘીના રેલા ગળે ઊતરતા જાય અને બે હાથે ઘીના રેગાડા કોણી પર ઊતરતા જાય. તે જોઈ પોતાના મનમાં સંશય થયો કે ગરાસિયાને ઘી વધારાનું છે તે શા માટે બગાડે છે? અને જેમ તેમ જમે છે એને ભગવાન માની લીધા. એમ કહી પાછા વળ્યા.

ત્યારે કાકાભાઈને મહારાજ કહે: "કોણ પાછું વળ્યું?" કાકાભાઈ પાછળ ગયા અને જોયું તો કાના પટેલ હતા પણ તેઓ પાછા આવ્યા નહિ. કાકાભાઈ આવીને મહારાજને કહે: "એ તો કાના પટેલ હતા." મહારાજે સખાઓને કહ્યું: "ઘી જમતાં કોઈ દુઃખી થાય તેવું કરશો નહિ." પછી જમવું બંધ રખાવી, તાસ મંગાવી, વધેલું ઘી, લોટ તથા ગોળની કુલેર ચોળી ઘોડાઓને રાતપ અપાવતા હતા.

એવી રીતે લીલા કરી આનંદ ઉપજાવતા હતા. કાકાભાઈને મહારાજ કહે: "તમારું બધું ઘી અમારે જમવું હતું પણ કાઠી થાકી ગયા એટલે જમાણું નહિ." એમ કહી મહારાજ બહુ રાજી થતા હતા. જળ મંગાવી, જળપાન કરી, હાથ ધોઈ મુખારવિંદ ધોઈ સર્વ સખા તથા હરિભક્તને સાથે લઈ વાજતે-ગાજતે તળાવમાં પીપાસરને આરે પધાર્યા.

ત્યાં ઉતારો કરી, આરાની આથમણી બાજુ લીંબતરુની છાંયે ઢોલિયો ઢળાવી બિરાજમાન થયા. વાળંદને બોલાવી, હજામત કરાવી, શૌચવિધિ કરવા પધાર્યા. લીમડાથી દક્ષિણ બાજુ જરા દૂર આથમણી તરફ મૂળ ઉપર બેસી હાથ-પગ ધોઈ, પીપાસરને કાંઠે સૌ હરિભક્ત ઊભા હતા તે સર્વેને આજ્ઞા કરી કે "આજે તો અમારે જળમાં સ્નાન કરવા જવું છે. સર્વ સાથે નહાવા ચાલો." પછી મહારાજ નહાવા પધાર્યા.

મહારાજ ઘણી વાર સુધી જળમાં સખા સંગાથે તથા હરિભક્ત સાથે જળક્રીડા કરતા હતા. મૂળજીભાઈ મહારાજ સાથે નહાવા ગયેલા તે બહુ ડૂબકી ડોળ રમતા હતા. તેઓ મહારાજને પડકારી કહે: "મહારાજ! હું તમને પકડી પાડીશ." એમ કહી ડૂબકી મારી મહારાજનો પગ પકડ્યો; પણ મહારાજે પગ તરછોડી એમને બરાડમાં ફગાવી દીધા. એવી રીતનું મહારાજનું ચરિત્ર જોઈ તેમને મહારાજને વિષે ભગવાનપણાનો નિશ્ચય થયો.

તેઓ મહારાજ પાસે આવીને કહે: "મહારાજ! આપ તો પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત્ ભગવાન છો." જળમાં નહાતા થાક્યા એટલે કહે: "બહાર પધારો." મહારાજ સર્વ સખા તથા હરિભક્તો સાથે તળાવમાંથી નાહી બહાર નીકળી, વસ્ત્ર ધારણ કરી વાજતે-ગાજતે ગામમાં કાકાભાઈ તથા પૂંજાભાઈના ઘેર પધાર્યા. જીજીબા પાસે થાળ મંગાવી જમતા હતા. મહારાજ પાંચ રાત્રી રહી સર્વ હરિભક્તોને દર્શનનું સુખ આપી મુળી પધારતા હતા.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે એકસઠમો વિશ્રામ.