વિશ્રામ ૯૦
એક સમે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ મુળીમાં સભા કરી બિરાજમાન હતા ત્યારે સૌકાના રાણા ભૂભ્રતસંગજી તથા દેશલજી એ બંને આવી કહે જે મહારાજ, કઠલાલની ડોસી જેકુંવરની વાત કરો. મહારાજે તદ્રૂપાનંદ સ્વામીને કહ્યું જે, "સ્વામી! વાત કહો." સ્વામી બોલ્યા જે કઠલાલમાં એક સમે મહારાજ કાઠીઓ સહિત પધાર્યા ને ગામને પાદર થઈ ચાલ્યા, ત્યાં જેકુંવરબાઈ પાણી ભરવા નીકળ્યાં.
એમણે મહારાજ તથા અસવારને જોયા. એટલે પાણીની ગાગર લઈ પાછળ દોડ્યાં ને કહે : "ઊભા રહો, મહારાજ! ઊભા રહો." મહારાજ ઊભા રહ્યા. ડોસી આવીને મહારાજને કહે: "હે મહારાજ! આ ગાગરના પાણીમાં આપ પગ બોળો. તે પ્રસાદીનું પાણી હું પીશ. થોડું પાણી ગોળામાં નાખીશ અને વધે તે કૂવામાં નાખીશ એટલે બધું ગામ સત્સંગી થશે."
ડોસીની એવી હિંમત જોઈ મહારાજે પાણીની ગાગર મોઢે માંડી, પાણી પીધું. પછી ડોસી કહે: "મહારાજ! મારે ઘેર પધારો. રોટલા જમ્યા વિના જવાય નહિ. આપ પાછા વળો, નહિતર આડી ઊભી રહીશ." મહારાજ તેના ઘેર ગયા અને દાળ, ભાત, લાડુ, રોટલી તથા લીલું શાક કરી મહારાજને પોતાના ઓરડામાં થાળ પૂરી જમવા બેસાડ્યા અને કાઠીઓને બહાર બેસાડ્યા. મહારાજ તો ત્યાંથી જમીને ગયા. પછી તે ગામના માણસોએ અને નાતવાળાએ ડોસીને ઉપાધિ કરી. ડોસીને નાત બહાર કર્યાં.
ડોસીને કોઈ દેવતા કે પાણી તથા છાશ આપે નહિ ને નોતરું પણ ન આપે. એમ ડોસી એકલવાયાં થયાં પણ:
"સ્વામિનારાયણ નામ લેતાં ન લાજું,
મારે સ્વામિનારાયણ ભજવા રે;
દુરિજનીઆના સંગ તજવા રે,
મારે સ્વામિનારાયણ ભજવા રે.
વાટે ઘાટે જાતાં ને વળતાં,
સ્વામિનારાયણ રટવા રે."
એમ રટના લગાડી. ડોસીની એવી ભગવાન ભજવાની લગની જોઈ કોઈ પાસે આવી બેસે તેને સ્વામિનારાયણ વિના બીજી વાત કરે નહિ. એવી વાતો કરીને એમણે એક સો ડોસીઓને સત્સંગ કરાવી સર્વે ડોસીઓનો સંઘ લઈ વડતાલ આવી મહારાજને પગે લાગ્યાં.
મહારાજે પૂછ્યું જે, "હવે કેમ છે? લોકો ઉપાધિ કરે છે?" ત્યારે જેકુંવરબાઈ કહે: "હું રે જાણું લોકડિયા રે, કાલા લોક કહે છે મુને કાલી રે, થઈ મતવાલી, સહજાનંદ સંગ ચાલી, દુરજનિયા લોક દુરભંકર બોલે, તે હૈડે ન ધરવું. થઈ મતવાલી, સહજાનંદ સંગ ચાલી." એવાં ડોસીનાં વચન સાંભળી મહારાજ બહુ રાજી થયા ને ડોસીને એક મોજડી, ચરણારવિંદ અને હાર આપ્યો. મહારાજે સાથે આવેલ સર્વે બાઈઓને પ્રભુ ભજવાની વાત કરી. તે વાત સાંભળી સર્વે શાંતિ પામ્યા.
મહારાજ કહે: "હવે સૌ સૌના ગામ જાઓ." પછી તેઓ સર્વે કઠલાલ આવ્યાં. જેકુંવરબાને
ઉપાધિ મટી ગઈ. ગામ લોકો તો બોલવા લાગ્યા જે બિચારી પ્રભુ ભજે છે ને ભજાવે છે. તેને લોકો દુઃખ આપે છે તે તમારું શું લે છે? એવી રીતે લોકોએ પણ ગુણ લીધો ને એમ લાગ્યું જે આ કોઈ પૂર્વનાં મહાન મુક્ત છે માટે એને કલ્પાવીએ તો ભૂંડું થાય. એમ જેકુંવરબાનો મહિમા ગામના માણસો બહુ જાણતા થયા. તેમને તો રાત-દિવસ પ્રભુ ભજવાની વાત ગમતી. તેઓ કોઈ પુરુષ સાથે બોલતાં પણ નહિ. તેમને મનમાં ધીરજ હતી. ધર્મ વિના ભગવાન નથી ભજાતા. માહાત્મ્યે સહિત નિશ્ચય હોય તેથી દુઃખ સહન થાય ને લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. એવી રીતે કઠલાલનાં જેકુંવરબાની વાત સ્વામીએ કહી. તે સાંભળી સર્વેને થયું જે આપણે પણ સુખદુઃખ સહન કરી શ્રીજીને નિરંતર ભજવા.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે નેવુંમો વિશ્રામ.