વિશ્રામ ૩૫
અયોધ્યાપ્રસાદજી મહારાજ મુળીપુરમાં વસંત પંચમીના સમૈયા ઉપર પધાર્યા હતા. તે સમૈયે દેશ દેશના સત્સંગીઓ તથા લક્ષ્મીનારાયણ દેશના સંત-હરિભક્તો તથા ગઢડાથી દાદા ખાચર અને મોટીબા પણ આવ્યાં હતાં. તેમાં દાદા ખાચરના દીકરા બાવા ખાચર તથા અમરા ખાચર; નાગ માલાના દીકરા કાંથડ માલા; સુરા ખાચરના દીકરા નાથા ખાચર અને બોટાદના ભગા દોશી, શિવલાલભાઈ આદિ હરિભક્ત આવ્યા. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, અદભુતાનંદ સ્વામી આદિ આવ્યા. આ દેશના મોટા સંતો સ. ગુ. શ્રી મહાનુભાવાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, બ્રહ્મચારી વાસુદેવાનંદ સ્વામી, ઉત્તમાનંદ સ્વામી, રઘુનાથાનંદ સ્વામી આદિ ઘણા સાધુ અને હરિભક્ત આવ્યા હતા અને સમૈયો બહુ સારો થયો.
પછી અયોધ્યાપ્રસાદજી મહારાજ સર્વ સંઘને જલેબી, મોતૈયા લાડુ, ઘેબર, મોહનથાળની સારી રસોઈ કરાવીને પંક્તિમાં પીરસતા હતા. તે સમે અયોધ્યાપ્રસાદજી મહારાજ સાથે શ્રીજીમહારાજને પંક્તિમાં ફરતાં દેખી મોટીબા તથા દાદા ખાચર ઘણો આનંદ પામ્યાં. તે જેમ મહરાજ ગઢપુરમાં બિરાજતા હતા અને જેમ સંતોને જમાડતા ને પ્રેમ હતો તેમ શ્રીજીમહારાજને મુળીમાં પણ સંતોને પ્રેમે જમાડતા જોઈ દાદા ખાચર અને મોટીબાને એમ થયું જે શ્રીજી તો પ્રત્યક્ષ છે. પછી તેઓએ મહારાજ શ્રી અયોધ્યાપ્રસાદજીને પ્રાર્થના કરી કહ્યું જે, "સારી રસોઈ જલેબી તથા સાટાની વગેરેની કરાવો અને જેટલો માલ જોઈતો હોય તેથી બમણો કરાવો, કેમ કે મને શ્રીજીમહારાજે સ્વયં કહ્યું છે. માટે બમણી રસોઈ કરાવો."
બીજી રસોઈ માટે સાટા, જલેબી કરાવ્યાં. અને ત્રીજી રસોઈ માટે ઘેબર બનાવ્યા. પછી ચોક વચ્ચે પંક્તિ કરાવી અને રંગોળી પુરાવી, કેળ્યું રોપાવી, અગરબત્તીના ધૂપ કરાવ્યા. પંક્તિમાં સાધુ પંચ વર્તમાનનું બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન બોલે છે. તે સમયે અયોધ્યાપ્રસાદજી મહારાજે કેડ બાંધી અને શ્રીજીમહારાજે પણ કેડ બાંધી પીરસવા પધાર્યા. તે જોઈ દાદા ખાચર અને મોટીબાને સંશય હતો તે નિવૃત્ત થયો. પોતાના મનમાં એમ રહેતું જે મહારાજ ગઢપુર મેલીને ક્યાંય જતા નથી, એમ હતું તે મટી ગયું અને એમ થયું જે શ્રીજીમહારાજ સર્વવ્યાપક છે અને જ્યાં એમણે મંદિર કર્યાં છે ત્યાં તો પ્રત્યક્ષ છે એમ થયું. પંક્તિમાં ફરતા એવા શ્રીહરિ તેમને મોટીબાએ કહ્યું જે, "ગઢપુરમાં તો બે દિવસની રસોઈ એક દિવસમાં જમાડતા અને અહીં મુળીમાં તો ત્રણ દિવસની રસોઈ એક દિવસમાં જમાડો તો રાજી થાઉં." એવી રીતે મોટીબાએ કહ્યું એટલે બે દિવસની રસોઈ સાટા-જલેબી જમાડી દીધાં. પછી ત્રીજા દિવસની રસોઈ માટે જે ઘેબર બનાવ્યા હતા તે પણ જમાડી દીધા અને સાધુને તો જમાડી ચકચૂર કર્યા અને એમ થયું જે આવું તો કોઈ દિવસ જમાયું નથી. આ તો અદભુત પરચો થયો.
પછી મહારાજની પૂજા કરવા સારુ દાદા ખાચરે પ્રાર્થના કરી ત્યારે અયોધ્યાપ્રસાદજી મહારાજ બોલ્યા જે, "હવે તો દેશ વહેંચેલ છે તો કેમ કરશું?"
દાદા ખાચર કહે: "અમે તો બન્ને દેશમાં છીએ. જ્યારે વહેંચણ કરેલ તે દિવસે મહારાજ પાસે અમોએ એ માગેલ છે. તેથી અમે પૂજા કરીએ તેનો તમારે બાધ નથી એમ કહ્યું." એટલે મહારાજે હા પાડી.
બપોર પછી સાંજે સભા થઈ તે સમયે મહારાજને શેલું, પાઘડી, કિનખાબની ડગલી અને સોનાનો દોરો પહેરાવ્યો. સાધુ બ્રહ્મચારીને ધોતિયા ઓઢાડ્યાં. ચંદન, પુષ્પે કરી પૂજા કરી પછી આરતી ઉતારી. એવી રીતે તેમના જે મનોરથ હતા તે પૂર્ણ કર્યા.
મોટીબાએ કહ્યું જે, "આ કેશવપ્રસાદજી મહારાજની મારે પૂજા કરાવવી છે."
કેશવપ્રસાદજી મહારાજ બોલ્યા જે, "હું માગું તે મને આપો તો પૂજા માની લઈશ."
મોટીબાએ કહ્યું: "માગો."
ત્યારે કેશવપ્રસાદજી મહારાજ કહે: "તમે પૂજા કરો છો તે ચરણારવિંદ ને મહારાજનો સુરવાલ, શેલું, રૂમાલ ને હાથમાં રાખતા તે સોટી તેટલી પ્રસાદીની વસ્તુ મને આપો."
ત્યારે મોટીબા કહે: "ભલે." પછી પોતાની પાસે ચરણારવિંદ હતાં તે તરત આપ્યાં અને સુરવાલ આદિ તમે ગઢડે આવશો ત્યારે આપીશ. પછી કેશવપ્રસાદજી મહારાજ ગઢડે ગયા અને મોટીબા પાસેથી પ્રસાદીની વસ્તુઓ લીધી અને જીવા ખાચરના ઘેરથી એક જામો, શેલું, તરવાર એટલી વસ્તુ પ્રસાદીની લાવ્યા.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે પાંત્રીસમો વિશ્રામ.