વિશ્રામ ૨૫

મુળીમાં બ્રહ્માનંદ સ્વામી મંદિર કરાવતા હતા. એક વખત સભા ભરાઈને બેઠી હતી. તે સમે સર્વ ગરાસિયા અને દરબાર આવીને આગળ બેઠા. ત્યાં રઘાભાઈએ બ્રહ્મમુનિને કહ્યું જે , "દરબાર રામાભાઈને દીકરા નથી; તે તમો મહારાજને પ્રાર્થના કરી વર આપો તો થાય."

બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, "બે દીકરા થશે" એવો વર આપ્યો. પછી પ્રથમ વખતસિંહજી અને બીજા સરતાનસિંહજી એમ બે દીકરા થયા.

વખતસિંહજી તો વાસુદેવાનંદ સ્વામી પાસે સમાગમ માટે આવતા અને વાતું સાંભળતા. સ્વામીએ વાત કરીને કહ્યું જે તમો રઘુરાજાનો અવતાર છો. તમોને પ્રગટની ઉપાસના ન હતી માટે તમારે આટલા જન્મ લેવા પડ્યા. તો હવે પ્રગટની ઉપાસના કરી, સર્વ ઠેકાણેથી વાસના તોડી, ભગવાન સાથે જોડાઓ. વાસુદેવાનંદ સ્વામીએ વખતસિંહજીને પૂર્વજન્મનું જ્ઞાન કરાવ્યું. કેટલી વાર રાજા થયા, કેટલી વાર રાજાનાં સુખ ભોગવ્યાં, સ્ત્રીઓનાં સુખ ભોગવ્યાં, દીકરાનાં સુખ ભોગવ્યાં તે દેખાડ્યું.

એવા સુખ-દુઃખ નજરે જોઈ તેઓ કંટાળી ગયા અને સ્વામીને પ્રાર્થના કરી જે, "હે સ્વામી! આવા દુઃખ તો ઘણી વાર ભોગવ્યાં છે, માટે એ દુઃખથી મુક્ત થવું ઘણું સારું. તેથી તમારો સમાગમ માગું છું. તમારા સમાગમે કરી દેહને વિષે અહમ્બુદ્ધિ, રાજને વિષે મમત્ત્વબુદ્ધિ છે તેનો ત્યાગ કરાવી મને સંતનો સમાગમ કાયમ થાય, જેણે કરી આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય એવી કૃપા કરો.

એમ કહી દિન-પ્રતિદિન સમાગમ કરતા અને વંડાની જમીન તથા ખાતરી મંદિરમાં આપી. ત્યારે અયોધ્યાપ્રસાદજી મહારાજે વર આપ્યો જે, "વખતસિંહજી! તમને હું તેડવા આવીશ." મરણને ચાર માસ બાકી રહ્યા ત્યારે અયોધ્યાપ્રસાદજી મહારાજે આવી રાજા વખતસિંહજીને કહ્યું: "તમારે ચાર માસનું આયુષ્ય બાકી છે. ચાર માસ પૂરા થશે એટલે શ્રીજીમહારાજ સાથે હું તેડવા આવીશ." એમ કહી અદૃશ્ય થઈ ગયા. જ્યારે ચાર માસમાં ચાર દિવસ બાકી રહ્યા ત્યારે આવીને કહ્યું: "પરવારવું હોય ને દાન-પુણ્ય કરવું હોય તો કરી લ્યો."

ત્યારે બ્રાહ્મણોની ચોરાશી કરી. મંદિરમાં રસોઈ દઈ, સાધુને ધોતિયાં ઓઢાડી, ઠાકોરજીને થાળ તથા વસ્ત્ર, ઘરેણાં ચડાવ્યાં. બ્રાહ્મણને બે-બે હજાર રૂપિયા દક્ષિણા આપી. અષ્ટ મહાદાન આપી સર્વ સાધુને બોલાવી પગે લાગી કહ્યું જે, "મારો અપરાધ હોય તે માફ કરજો."

એવી રીતે વિનય સહિત પ્રાર્થના કરી. ચોથા દિવસે શ્રીજીમહારાજ અયોધ્યાપ્રસાદજી મહારાજ સાથે અનંત વિમાન લઈ તેમને તેડવા આવ્યા. અનંત મુક્ત આવ્યા તે કેટલાક માણસો દેખતાં હવાં. કેટલીક બાઈઓ જોઈને કહે અહો ભગવાનમાં તો અનંત ચમત્કાર છે જ! એવી રીતે ઘણા માણસોએ જોયા. આવી રીતે મુળીપુરના રાજાને શ્રીજીમહારાજ ધામમાં લઈ જતા હવા. આ વાત મેં નજરે જોયેલ છે.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે પચીસમો વિશ્રામ.