વિશ્રામ ૫

બીજા દિવસે સવારના પહોરમાં વહેલા ઊઠી મહારાજ અલર્ક વાવના મતવાલા ઉપર બિરાજમાન થયા. આસન વાળી નેતી-ધોતી આદિ કરીને વાવમાં નાહીને મતવાલા ઉપર સંધ્યા પૂજા કરતા હતા. તે વખતે લીમલીના મૂળજી શેઠ વાવે નાહવા આવ્યા. તેમણે મહારાજને મતવાલા પર બેઠેલા જોઈ નાહીને એમની પાસે ગયા. મહારાજના ચરણારવિંદમાં સોળ ચિહ્ન છે. અને શાસ્ત્રમાં બત્રીસ કહ્યાં છે, તે કેવા હશે? તેમ વિચાર કરે છે ત્યાં બત્રીસ ચિહ્ન મૂળજીભાઈએ દીઠાં. પછી વિચાર કર્યો જે ચોસઠ ચિહ્ન કહ્યાં છે તે કેવાં હશે? ત્યારે શ્રીજીના સ્વરૂપમાં ચોસઠ ચિહ્ન દીઠાં. પછી વિચાર થયો જે ચોરાશી ચિહ્ન જેનામાં હોય તે પુરુષોત્તમ કહેવાય. આમ વિચાર કરે છે ત્યાં મૂળજીભાઈએ ચોરાસી ચિહ્ન જોયાં. તે જોઈ એમ નિશ્ચય કર્યો જે આ તો અવતારના અવતારી જેને પુરુષોત્તમ ભગવાન કહે છે તે આ પોતે જ છે.

એવું સમજીને મૂળજી બ્રહ્મચારીને પૂછ્યું: "આ કોણ છે?"

બ્રહ્મચારી કહે: "આ તો સ્વામિનારાયણ ભગવાન છે."

એ સાંભળી મહારાજે પૂછ્યું: "તમે ક્યાં રહો છો?"

મૂળજી શેઠ કહે: "અહીં લીમલી ગામ છે. ત્યાં રહીએ છીએ." પછી તેમણે મહારાજનો આશ્રય કર્યો અને એકાંતિક ભક્ત થયા.

ત્યાર બાદ દરબારમાં જમવા સારુ વિપ્ર પાસે રસોઈ કરાવી મહારાજને જમાડ્યા. પછી મહારાજ બંગલે આવી પોઢી ગયા. સાંજનો સમય થયો તે વખતે દરબાર અને ગરાસિયા બેસવા આવ્યા.

દરબાર રામાભાઈએ પ્રશ્ન પૂછ્યો: "ભગવાન કેમ કરીએ તો રાજી થાય"

શ્રીજીમહારાજ બોલ્યા: "કોઈ એમ જાણે કે હું ભગવાનને વશ કરું. તેમ તો ભગવાન વશ થાતા નથી. ત્યારે કેમ સમજવું? પ્રથમ ભગવાનને આપણે વશ થવું, તે કેવી રીતે તો પોતાની સર્વ ઇન્દ્રિયો અને અંતઃકરણને ભગવાનના ગમતામાં વર્તાવીએ તો ભગવાન વશ થાય છે. ત્યાં દૃષ્ટાંત છે. જેમ ચાકર હોય તે રાજાની આજ્ઞા અનુસારે વર્તે ત્યારે રાજા ચાકરને વશ થાય છે. એમ જે હરિભક્ત હોય તે ભગવાનની આજ્ઞા અનુસાર વર્તે ત્યારે ભગવાન ભક્તોને વશ થાય છે." એવી રીતે ઉત્તર કર્યો. આવી ઘણી વાત કરી, સર્વેને રાજી કરી પોતે શ્રીહરિ વાવમાં નહાવા પધાર્યા. ત્યાર બાદ બગીચામાં બેસતા હવા. તે સમયે પોતાનાં દર્શને બાઈઓ આવ્યાં અને કહ્યું: "મહારાજ! રાત્રે દરબારમાંથી જમવાનું આવશે."

ધમડકાવાળા દરબારનાં માતુશ્રી બાઈબા અને દરબાર રામાભાઈના ઘરનાં રૂપાળીબા તથા રાજુબાનાં દીકરી કેશાબા અને મોંઘીબા આદિ બાઈઓ ભેગી થઈ મહારાજના થાળ લઈ દર્શન કરવા આવ્યાં. મહારાજને થાળ જમાડ્યો અને મહારાજની વાર્તા સાંભળી રાજી થઈ, હાથ જોડી પ્રાર્થના કરી કહ્યું: "હે મહારાજ! અહીં પંદર માસ રહો." મહારાજે હા પાડી અને કહ્યું: "બહુ સારું. અમો રહીશું." સર્વે બાઈઓ દરબારમાં ગયાં અને મૂળજીભાઈ, વિપ્ર કુબેરજી, દયારામ, રામકૃષ્ણ, પુરુષોત્તમ તે સર્વ શ્રીહરિની સેવામાં રહેતા હવા.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે પાંચમો વિશ્રામ.