વિશ્રામ ૭૭

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કંથારિયાના રાણા મેઘાભાઈએ આવી કહ્યું જે, "લાડુબાઈની વાત કરો અને ભગવાનને અર્થે એમણે શું શું કર્યું હતું તે કહો."

ત્યારે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ તદ્રૂપાનંદ સ્વામીને કહે જે, "સ્વામી! મેઘાભાઈને લાડુબાઈની વાત કરો."

સ્વામીએ વાત કરતા કહ્યું જે, એમણે ભગવાનને રાજી કરવા સારુ સાધનો કર્યાં તે આપણાથી વર્ણવી શકાય એમ નથી, પણ કંઈક સ્મૃતિ પ્રમાણે કહું. લાડુબા અને જીવુબા બંને સગી બહેનો હતાં. મોટાં રામબા તથા નાનાં રામબા એ ચારે જણાએ નાનપણથી વિચાર કર્યો જે ભગવાન ભજવા છે અને ભગવાન વિના બીજા કોઈ પુરુષનો છેડો અડવા દેવો નથી.

તે ચારે જણાએ નિયમ પોતાને હાથે લીધાં જે, હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં, શ્વાસોચ્છ્વાસે ભગવાનમાં ચિત્ત રાખવું. એમ ચારે જણાએ વિચાર કર્યો. વળી આપણે ચારમાંથી કોઈએ પરણવું નહિ. બાળબ્રહ્મચર્ય રાખવું. બાળ અવસ્થામાં બાળમુકુંદજીની પૂજા કરતાં અને થાળ કરી જમાડતાં હતાં. એમના સગપણ બાબત જો કોઈ વાત કરે તો ઉદાસ થઈ જાય અને રોવા લાગે. એવી રીતે દશ સગપણ પાછાં ગયાં એટલે સગાસંબંધીઓને થયું જે બે દીકરીઓ છે તેને પરણાવ્યા વિના ન ચાલે.

સગાંસંબંધીઓએ આવી મહારાજને વાત કરી. મહારાજ તે બાઈઓને કહે જે, "પરણ્યા વિના રહે તે વચનદ્રોહી, ગુરુદ્રોહી છે. તે અમારા સત્સંગમાં નહિ." એવી રીતે મહારાજે કહ્યું એટલે બાઈઓ ઉદાસ થઈ, ખાવું-પીવું બંધ કરી દેહનો ત્યાગ કરી દેવો, એમ સંસારમાંથી ઉદાસ થઈ ગયાં.

શ્રીહરિ તેઓની પાસે આવ્યા અને કહ્યું: "કેમ મુંઝાઓ છો? તમારી રક્ષા અમારે કરવી છે. તમારાં બ્રહ્મચર્યનું રક્ષણ અમારે શિર છે, માટે ચિંતા ન કરશો." પછી તેઓ બધાના મનમાં શાંતિ થઈ.

સગપણ આવ્યું તે લાડુબાનું સગપણ કર્યું અને વિવાહનો સામાન તૈયાર કર્યો અને લગ્ન લીધાં. જાન આવી. જે રાતે પરણવાનું હતું તે રાતે વરને તાવ આવ્યો. તાવમાં ને તાવમાં પરણાવ્યાં. તાવમાં ત્રણ દિવસ રહી ઘેર ગયા અને લાડુબાનું રૂપ વાઘના જેવું જોયું. વરે પોતાના માતા-પિતાને કહ્યું જે, "મારા જીવનો ખપ હોય તો આને એના ઘેર મોકલી આપો. લૂગડાં કે ઘરેણું આપણા ઘેર કંઈ રાખશો નહિ." પછી વેલ જોડી લાડુબાને પાછાં મોકલ્યાં.

લાડુબા સાસરાથી ગઢપુર પોતાને ઘેર પાછાં આવ્યાં. માર્ગમાં માંદા સાધુને લોહીખંડ પેટ બેસણું હતું એટલે સાધુને પોતાની વેલમાં બેસાડી પોતે ચાલ્યાં અને સાધુના લૂગડાં બગડે તે કાઢી નાખે અને રેશમી ગોદડી પાથરી આપે. વળી બગડે તો પાછી ગોદડી કાઢી નાખે. એમ કરતાં ચાલીશ ગોદડી બગાડી ગઢડે આવ્યાં.

પગે ભંભોલાં પડી ગયાં. એવી રીતે પોતે ચાલ્યાં અને સાધુની સેવા કરી ગઢડે આવ્યાં. મહારાજને આવી પગે લાગ્યાં. મહારાજે કહ્યું જે, "તમારું રક્ષણ અમે કર્યું છે." બાઈ કહે : "હા મહારાજ." બાઈના પગે ભંભોલાં જોયાં અને સાધુની સેવા કરેલ જોઈ મહારાજ બહુ રાજી થયા. સો સો રૂપિયાની એક એવી રેશમી ગોદડીઓ સાધુને અર્થે વાપરી, તે એમને ધન્ય છે. સાધુનું એવું માહાત્મ્ય જાણ્યું કેમ જે ભગવાન ને ભગવાનના ભક્તથી કંઈ વહાલું રાખ્યું નહિ.

એવી રીતે લાડુબાના રક્ષા કરી અને લોકો તો કાંઈ ને કાંઈ બોલતા, પણ ભગવાનના જે જન તેની સામું અન્ય પુરુષ ક્યાંથી જોઈ શકે? તેની દૃષ્ટિએ કરી બીજા પુરુષ તો બળીને ભસ્મ થઈ જાય. તે એક ક્ષણ પણ ભગવાન વિના રહે નહિ. એમને વિષે કોઈ બીજો ભાવ કરે તો ભસ્મ થઈ જાય. એ તો શ્રી પુરુષોત્તમ ભગવાન અનંત જીવોના ઉદ્ધાર કરવા આવ્યા છે તે તેમની સાથે તેડી લાવ્યા છે. તે જ્ઞાની-અજ્ઞાનીને ભગવાનની વાતો કરીને સ્વધર્મ, વૈરાગ, જ્ઞાન સહિત ભગવાનની ભક્તિ કરાવતાં.

પોતાની સમૃદ્ધિ સાધુને અર્થે તથા ભગવાનને અર્થે વાપરતા. મહારાજને અર્થે અનેક વાર ઉત્સવ, રસોઈઓ, અન્નકોટ, જન્માષ્ટમી તથા હુતાસણી આદિમાં વાપરતાં હતાં. જ્યારે મહારાજને તથા સાધુને જમાડવા હોય ત્યારે દરબારમાં મોટીબાને પૂછાવે ત્યારે એમને પણ આનંદ થાય. તેથી તેઓ જલેબી, મોતૈયા લાડુ, માલપૂવા, ઘેબર, સૂતરફેણી, મગજ, મોહનથાળ, મેસૂબ, હરીસો બિરંજ આદિ જે જે જાતનાં ભોજન તે સર્વની રસોઈઓ કરી થાળ જમાડતાં.

સગાંસંબંધી તે એક જ શ્રીહરિ અને સાધુ વિના સંસારમાં બીજું કોઈ સગું નથી એમ જાણી પોતાનું જીવિતવ્ય ભગવાનને અર્થે કરી ભગવાન ભજતાં. તેને લોક-લાજ, રાજ્ય, સુખ અને ધન, તેમાં ભગવાન વિના ક્યાંય ચિત્ત ન ચોટે. એવા ભગવદી જે ભગવાનના ભક્ત, તેને 'સંત સગાં કે હરિભક્ત સગાં અંતકાળમાં રામ, તુલસી આ સંસારમાં તીન કોર વિશ્રામ.' એવી લાડુબાની દૃઢતા જેવી બીજા કોઈની નહિ. એવી રીતે હોય તેને માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય કહેવાય. એમની ભક્તિએ કરી ભગવાન એમને વશ થઈ ગયા. એમની વાત કહેતાં પાર આવે તેમ નથી.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે સિત્તોતેરમો વિશ્રામ.