વિષયાનુક્રમણિકા
મંગળાચરણ
વિશ્રામ ૧ : ધ. ધુ. આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ મુળીપુરમાં બે માસ રહ્યા હતા. તે સમયે શ્રીજીમહારાજની લીલાની વાતો આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી સ. ગુ. શ્રી તદ્રૂપાનંદ સ્વામીએ કરી હતી. તેમાં પ્રથમ વિશ્રામમાં શ્રીજીમહારાજ સંવત ૧૮૫૯માં પ્રથમ વાર બ્રહ્મચારીના વેશે મુળીપુરમાં પધાર્યા અને સમાધિ આદિ ઐશ્વર્ય દર્શાવ્યાં તેની વાતો વર્ણવી છે.
વિશ્રામ ૨ : શ્રીજીમહારાજ મેથાણપુરથી મુળી પધાર્યા અને હરિભક્તોને સત્સંગ સંબંધીવાતો કરી, બે દિવસ ત્યાં રહી લોયા પધાર્યા.
વિશ્રામ ૩ : સ. ગુ. રામાનંદ સ્વામી અંતર્ધાન થયા પછી શ્રીજીમહારાજે સમાધિનું પ્રકરણ ચલાવ્યું હતું. તેમાં ફરતા ફરતા મુળી પધાર્યા અને ત્યાં જુદા જુદા હરિભક્તોને સમાધિ કરાવી તેમના ઇષ્ટદેવનાં દર્શન કરાવ્યાં. અન્ય મુમુક્ષુઓને પણ તેમના ઇષ્ટદેવનાં દર્શન કરાવ્યાં. આ રીતે અદભુત ચમત્કારો દર્શાવી, સાર્મથ્ય બતાવી શ્રીજી અમદાવાદ પધાર્યા.
વિશ્રામ ૪-૫ : શ્રીજીમહારાજ હળવદથી ટીકર થઈ મુળીપુર પધાર્યા હતા. તે વખતે વિપ્ર કુબેરજી તથા દયારામે શ્રીજીનાં દર્શન કર્યાં અને રસોઈ કરી જમાડ્યા. તે સમયે શ્રીજીમહારાજના સ્વરૂપમાં ઘણું તેજ દેખાયું અને અક્ષરધામનાં દર્શન થયાં. શ્રીજીએ અલર્કવાવની વાડીમાં ઉતારો કર્યો. દરબારમાંથી રસોઈનું નિમંત્રણ આવ્યું. તે જમ્યા બાદ શ્રીજી ત્યાં રોકાયા. બીજા દિવસે શ્રીજીએ વાતો કરી પોતાના સ્વરૂપમાં લીમલીના મૂળજી શેઠને ૮૪ ચિહ્નો બતાવી ભગવાનપણાનો નિશ્ચય કરાવ્યો.
વિશ્રામ ૬ : શ્રીજીએ મુળીના દરબારોને વાસનાથી થતી દુર્ગતિ સંબંધી વાતો કરી.
વિશ્રામ ૭ : શ્રીજીએ ભાડેર ગામના દરબાર પાતલભાઈનાં બેન રાજુબાને વચન આપ્યું હતું તે પ્રમાણે તેમને દર્શન દેવા તેમના સાસરાના ગામ મુળીમાં શ્રીજી પધાર્યા હતા. તે વાત મૂળ મેથાણના પ્રજ્ઞાનંદ સ્વામીએ કરી હતી તેની વિગતો.
વિશ્રામ ૮ : શ્રીજીએ મુળીમાં શરદ પૂર્ણિમાની રાતે અલૌકિક રાસોત્સવ કર્યો. પોતાના દિવ્ય સ્વરૂપનું અદભુત દર્શન કરાવી સર્વ હરિભક્તોને પોતાના સ્વરૂપના સર્વોપરીપણાનો નિશ્ચય કરાવ્યો; અને અનેક સ્વરૂપ ધારણ કરી એકી વખતે સર્વેના ઘેર થાળ જમ્યા.
વિશ્રામ ૯ : શ્રીજીએ મુળીમાં ધર્મ-નિયમની વાતો કરી માલજી દરબારને યમપુરી બતાવી અને વ્યસનોનો ત્યાગ કરાવી પોતાના આશ્રિત બનાવ્યા. ત્યાર બાદ મેથાણ પધાર્યા.
વિશ્રામ ૧૦ : શ્રીજી કચ્છમાં જતાં મુળી પધાર્યા. ત્યાં દરબારમાં જામબાને ખબર આપી. ત્યાં એક માસ રહ્યા અને મૂર્તિ દ્વારા ઘણા પરચા આપ્યા. તે જોઈ ઘણી બાઈઓને સત્સંગ થયો.
વિશ્રામ ૧૧ : શ્રીજી મેથાણથી મુળીપુર પધાર્યા, ત્યાં લીમડા પાસેના કૂવાના ઊંડા જળને પોતાના પ્રતાપથી છલકાવી દીધો. તે જગ્યાએ, હાલ જ્યાં મંદિર છે ત્યાં, મંદિર કરવાનો સંકલ્પ કર્યો.
વિશ્રામ ૧૨ : સિદ્ધપુરથી મુળીમાં પધારી માંડવરાયના મંદિરમાં શ્રીજીમહારાજે શ્રીકૃષ્ણ સ્વરૂપે તેજોમય દર્શન દીધું અને ઐશ્વર્ય-પ્રતાપ જણાવ્યો.
વિશ્રામ ૧૩ : મુળીમાં પાતલભાઈનાં બેન રાજુબા અને ધમણકાનાં બાઈબાને તેમની પ્રાર્થના અંતર્યામીપણે સાંભળી શ્રીજીએ તેમને દર્શન દીધાં અને વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના મંદિરના નિર્માણ માટે તેમની સેવા લીધી.
વિશ્રામ ૧૪ : શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી અખંડાનંદ સ્વામી, શ્રી વૈષ્ણવાનંદ સ્વામી આદિ સંતો શ્રીજીની આજ્ઞાથી મંદિર કરવા માટે ભૂજ જતા હતા. રસ્તામાં મુળી ઊતર્યા. તે વખતે દરબાર રામાભાઈએ મુળીમાં મંદિર કરવા પ્રાર્થના કરી મહારાજને ગઢપુર પત્ર લખી ગોર ઘેલા જોશી સાથે મોકલ્યો. તે વાંચી શ્રીજીએ કહેવરાવ્યું કે લેખ કરી મોકલો તો મંદિર થાય. તે વાંચી દરબાર રામાભાઈ તથા તેમના કાકા રઘાભાઈએ લેખ લખી મોકલાવ્યો અને મહારાજને તેડાવ્યા. તે વાંચી શ્રીજીમહારાજ સંત, પાર્ષદ, હરિભક્તો સાથે મુળી પધાર્યા.
વિશ્રામ ૧૫-૧૬ : મુળીમાં સંત હરિભક્તોના પ્રશ્નોના ઉત્તરો આપતાં દિન દિન પ્રત્યે ત્યાં સૌ હેતવાળા ભક્તોને શ્રીજીમહારાજ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સ્વરૂપનિષ્ઠાની વાતો કરી સુખ દેતા હતા.
વિશ્રામ ૨૨ : શ્રી બ્રહ્માનંદ સ્વામીને શ્રીજીની આજ્ઞા થતાં તેઓ મુળી મંદિર કરવા આવ્યા. ત્યાં શ્રીજીએ પથ્થરની ખાણ તેમજ પાણીની વાવ બતાવવામાં પોતાની પ્રસન્નતા અને પ્રત્યક્ષપણું બતાવ્યું.
વિશ્રામ ૨૩ : શ્રી બ્રહ્માનંદ સ્વામીની પ્રાર્થના સાંભળી શ્રીજીએ તેમને દિવ્ય દર્શન આપ્યું અને નિર્ધન દેશ ઝાલાવાડમાં ધન, સમૃદ્ધિ ઇત્યાદિ ત્યાંના રહેવાસી ભક્તોને આપી, તેમના દ્વારા મંદિરમાં સારી સેવા કરાવી.
વિશ્રામ ૨૪ : મુળી મંદિરનું ખાતમુહૂર્ત કર્યું અને શ્રીજીએ બ્રહ્મમુનિ સાથે પ્રત્યક્ષપણે રહી પરચા આપ્યા. મોના સલાટના દીકરાને કોગળિયું થયું હતું તેને પુર્નજીવન આપ્યું. વઢવાણ ગામના લોકોની પ્રાર્થના સાંભળી ત્યાં પધાર્યા અને શ્રીજીસ્મરણ સાથે તે ગામની કોગળિયાથી રક્ષા કરી.
વિશ્રામ ૨૫ : મુળીના દરબાર રામાભાઈને બ્રહ્મમુનિના આશીર્વાદથી વખતસિંહજી અને સરતાનસિંહજી એમ બે દીકરા થયા. સમય આવતાં વખતસિંહજીને શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ અગાઉથી જણાવી શ્રીજીના અક્ષરધામમાં લઈ ગયા.
વિશ્રામ ૨૬-૨૭ : મુળી મંદિર કરાવતાં બ્રહ્મમુનિ દ્વારા શ્રીજીમહારાજે અદભુત પ્રતાપ જણાવી પોતાના આશરે આવેલા ભક્તો તથા વિશ્વાસી મુમુક્ષુઓની રક્ષા કરી અને ઇચ્છાઓ પૂરી કરી. બ્રહ્માનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામીનાં કીર્તનો અક્ષરધામમાં પહોંચાડે એવા છે એવો મહિમા.
વિશ્રામ ૩૦-૩૧ : શ્રી મુળીપુરમાં હરિકૃષ્ણ મહારાજની તથા રાધાકૃષ્ણદેવની પ્રતિષ્ઠા અને તે ઉત્સવમાં તેમજ તે દિવ્ય સ્વરૂપોમાંથી અદભુત પ્રતાપ-બ્રહ્મમુનિએ રચેલો 'ધર્મવંશ પ્રકાશ' ગ્રંથ (સં. ૧૮૮૬). સં. ૧૮૮૮માં બ્રહ્મમુનિનો અક્ષરવાસ થયો તેનો ઉલ્લેખ.(અવિનાશાનંદ સ્વામીએ રચેલ મુળી મહિમાનું ચાર પદનું કીર્તન આ વિશ્રામમાં છે.)
વિશ્રામ ૩૨ : આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે કૃપા કરી સાયલાના રાજા કેસરીસિંગને એક બારોટના ભૂતનું દુઃખ હતું તેનું નિવારણ તે ભૂતને મોક્ષ પમાડીને કર્યું તે પ્રસંગ.
વિશ્રામ ૩૩ : ગામ કુકડામાં દરબાર પુંજાભાઈને તેમના એક ઉતારામાં ભૂતોનો ઉપદ્રવ હતો તે સ. ગુ. વાસુદેવાનંદ સ્વામી અને તદ્રૂપાનંદ સ્વામીએ, તે ભૂતોનો મોક્ષ કરીને મટાડ્યો.
વિશ્રામ ૩૪ : મુળીમાં સ. ગુ. બ્રહ્માનંદ સ્વામીએ જોધપુરના અષ્ટાવિધાની કવિ દેવીદાસને અષ્ટ વિધાન તથા અષ્ટોત્તરશત વિધાન કરી બતાવી તેને શ્રીજીનો આશ્રિત કર્યો.
વિશ્રામ ૩૫ : મુળીમાં આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે વસંત પંચમીનો સમૈયો કર્યો તેમાં બંને દેશના મોટા સંતો તથા મુક્તરાજ શ્રી દાદા ખાચર, મોટી બા આવ્યાં હતાં. તેમાં આચાર્ય મહારાજની પૂજા મુ. દાદા ખાચરે કરી અને મુ. મોટીબાએ શ્રી કેશવપ્રસાદજી મહારાજને તેમણે માગેલ શ્રીજીની પ્રસાદીની વસ્તુઓ આપીને તેમને રાજી કર્યા. દાદા ખાચરના કુટુંબે દેશવિભાગ બાદ શ્રીજી આજ્ઞાથી બન્ને દેશમાં પોતાનો સહિયારો ભાગ રાખ્યો હતો તેનો પ્રસંગ.
વિશ્રામ ૩૬ : ગામ કંથારિયામાં શ્રીજીમહારાજે દરબાર હરિભક્તોની સેવા સ્વીકારી તેમને રાજી કર્યા અને પોતાની દિવ્ય મૂર્તિના મહિમાની વાતો કરી. તેથી ગામમાં ઘણો સત્સંગ થયો. વાંસલ નદીમાં સ્નાન કરી ટીમણ જમ્યા.
વિશ્રામ ૩૭ : મહારાજ સંતો સહિત લીંબડી ગામે પધારતાં ડુંગર તળાવમાં સ્નાન કર્યું. અંકલેશ્વર મહાદેવના મંદિરમાં સમાધિ કરાવી શ્રીજીમહારાજે સૌને પોતાના ઇષ્ટદેવનાં દર્શન કરાવ્યાં. ત્યાંથી ભલગામડે પધાર્યા.
વિશ્રામ ૩૮ : ભલગામડામાં શ્રીજીમહારાજે ધ્યાન કરવાની વિક્તિ ઉપર વાત કરી.
વિશ્રામ ૩૯ : શ્રીજીમહારાજ ગામ શિયાણી પધાર્યા. ત્યાં ધર્મકુળ, મોટા સંતો, મોટેરા હરિભક્તો સૌ સાથે હતા. ત્યાંના શિવરામ ભટ્ટ આદિ હરિભક્તોએ સૌને રસોઈ કરાવી જમાડ્યા. શ્રીજીનો થાળ ભટ્ટજીનાં દીકરી કુંવરબાઈએ કર્યો હતો. તે ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં સાંખ્ય યોગ પાળતાં હતાં. શ્રીજીએ કુંવરબાઈને જેતલપુરમાં ગંગામા પાસે મોકલ્યાં.
શિયાણીમાં સભામાં ભટ્ટ શિવરામના પ્રશ્નનો ઉત્તર કરી મહારાજે ત્રણ પ્રકારના વૈરાગ્યની વાત કરી. સ. ગુ. અદભુતાનંદ સ્વામી (પૂર્વાશ્રમના કલ્યાણદાસ)ના દૃષ્ટાંતથી ઉત્તમ વૈરાગ્યની વાત કરી. મહારાજ શિયાણી પંદર દિવસ રહ્યા અને બહુ સુખ આપી હરિભક્તોને રાજી કર્યા.
વિશ્રામ ૪૦ : મહારાજ ગામ તાવીમાં પધાર્યા. ત્યાં પંદર દિવસ રહ્યા હતા. ત્યાં કુલ સત્તર વખત પધાર્યા હતા. તાવીમાં સભામાં શ્રીજીએ વર્તમાન-નિયમ સંબંધી વાતો કરી તથા ઈર્ષાનું રૂપ કહ્યું. તાવીમાં ઘણા સત્સંગી થયા.
વિશ્રામ ૪૧ : ગામ તાવીના તેજાભાઈ અને દેવળિયાના વખતાભાઈની વાત. શ્રીજીમહારાજ દેવળિયા પધાર્યા. ત્યાં સંતોને જમાડ્યા. તેમાં શ્રીજીમહારાજે કેડ બાંધીને પંક્તિમાં પીરસ્યું. તેનાં દર્શનથી દરબાર જાલમસિંહજીનાં માતુશ્રી કેશાબાને સમાધિ થઈ, તે જીવનભર ટકી. મહારાજે દરબાર જાલમસિંહજીના પ્રશ્નો ઉત્તર આપતાં માન મૂકી નિર્માનીપણે વર્તવાની વાત કરી. બ્રહ્માનંદ સ્વામીએ બનાવેલ કીર્તન.
વિશ્રામ ૪૨ : અન્ય પ્રસંગે દેવળિયા શ્રીજીમહારાજ પધાર્યા ત્યારે કસલીબાએ ઘોડી સંતાડી દીધી, તેમના આગ્રહને વશ થઈ શ્રીજી રસોઈ જમ્યા તેનો ચિરઃસ્મરણીય પ્રસંગ. શ્રીજી દેવળિયામાં કુલ સત્તર વખત પધાર્યા હતા.
વિશ્રામ ૪૩ : દેવળિયાથી મહારાજ ભાથરિયા થઈ ભડવાણા પધાર્યા. ભડવાણા રાત રહ્યા. વિપ્ર ઈશ્વરને શાલીગ્રામે દર્શન આપી કહ્યું કે આ સ્વામિનારાયણ સ્વયં ભગવાન છે. તરમણિયા થઈ શ્રીજી લખતર તળાવ પર જ્ઞાન-વૈરાગ્ય-ધર્મ સંબંધી ઉપદેશ કરી વણા પધાર્યા. વણામાં દરબાર મનુભા મહાભક્ત હતા. તેમના ઘેર પધારી અને થાળ જમી તેમને રાજી કર્યા. ત્યાંથી ભદ્રેસી સુરચંદ શેઠના ઘેર પધાર્યા. ત્યાં સભા કરી ધર્માદિની વાત કરી. ભદ્રેસીથી મહારાજ વઢવાણ પધાર્યા.
વિશ્રામ ૪૪ : શ્રીજીમહારાજની વઢવાણમાં પધરામણી અને રાજ્યસત્કાર. સભામાં શાસ્ત્રાર્થ, તેમાં સ. ગુ. ગોપાળાનંદ સ્વામી આદિ બાર સદગુરુઓએ વેદના દ્વાદશ મહાવાક્યોના અર્થ કરી બતાવ્યા. જેથી વિદ્વાન બ્રાહ્મણો પ્રસન્ન થયા. ગામના માણસો સત્સંગી થયા. મહારાજ વઢવાણમાં સાત વખત પધાર્યા હતા તેનું પોતે સ્મરણ કરાવ્યું.
વિશ્રામ ૪૫ : શ્રીજી ખેરાલી ગામ પધાર્યા. ત્યાં સરતાનસિંહજી આદિ દરબાર હરિભક્તો અને અન્ય વિપ્ર હરિભક્તોને રાજી કર્યા.
વિશ્રામ ૪૬ : શ્રીજી ગામ લીમલી પધાર્યા. ત્યાં દરબાર સામંતસિંહજી અને મૂળજી શેઠ આદિ હરિભક્તોને રાજી કર્યા. મહારાજ ગામ બહાર ભક્ત સગરામ વ્યાધે જવાસા (તૃણ)નો બંગલો કરી રાખ્યો હતો તેમાં મહારાજે ઉતારો કર્યો. સાંજે સભામાં શ્રીજીએ પંચવર્તમાન સંબંધી વાતો કરી.
વિશ્રામ ૪૭ : મુળીથી નિમંત્રણ આવતાં મહારાજ મુળી પધાર્યા. ત્યાં સભામાં સગરામ વ્યાધના પૂર્વ જન્મની વાત કરી.
વિશ્રામ ૪૮ : મહારાજ કંથારિયા પધાર્યા. ત્યાં પંદર દિવસ રહી દરબાર ડોસાભાઈ ભાણ ખાચરની સાથે યુદ્ધમાં વીરગતિ પામ્યા હતા તેનો શોક નિવારણ કરાવ્યો. ડોસાભાઈના પુત્ર મેઘાભાઈનું નામ ફેરવાવી ભગતસિંહ રખાવ્યું. તે આજીવન શ્રીજીના દૃઢ આશ્રિત રહ્યા હતા.
વિશ્રામ ૪૯ : એક વખત ૧૮૮૨માં મહારાજ કંથારિયા પધાર્યા હતા તે પ્રસંગ. મહારાજને વરસાજીના પુત્ર રઘાભાઈ તથા જસાભાઈના અતિ આગ્રહ કરવાથી ત્યાં રોકાયા. શ્રીહરિનું અતિ તેજોમય સ્વરૂપ જોઈ તેમની પાસે જસાભાઈ બેસી શક્યા નહિ. ભક્તોના આગ્રહને વશ થઈ શ્રીજીએ સંતોને પાછા તેડાવ્યા.
વિશ્રામ ૫૦ : સં. ૧૮૮૪માં કર્મડમાં અન્નકોટનો સમૈયો કરી મહારાજ કંથારિયા પધાર્યા. સાથે ગરાસિયા હરિભક્તોની વિનંતીને વશ થઈ બે આચાર્યોની સાથે પધરામણીએ પધાર્યા. સમગ્ર ગામમાં ફરી ગરાસિયા, વિપ્ર, વણિક, સોની આદિ હરિભક્તોને પધરામણી કરી લહાવો આપ્યો. મહારાજની આ કંથારિયામાં ત્રીજી પધરામણી હતી.
વિશ્રામ ૫૧ : શ્રીજીમહારાજના લખાવેલા પત્રમાં યાત્રા દરમિયાન ગૃહસ્થ બાઈ-ભાઈ, આબાલવૃદ્ધ તથા ત્યાગીએ પાળવાના નિયમોની આજ્ઞા.
વિશ્રામ ૫૨ : શ્રીજીમહારાજના લખાવેલા પત્રમાં ચાતુર્માસમાં ધારવાના નિયમોની આજ્ઞા (સં. ૧૮૮૪ના શ્રાવણ વદ ૯, લિખિતંગ મુનિ અચ્યુતાનંદ)
વિશ્રામ ૫૩ : સાધુએ પરસ્પર વાત કરવાની રીત તથા સત્સંગી હરિભક્ત આગળ વાત કરવાની રીતના પ્રકરણની વિગત.
વિશ્રામ ૫૪ : ભગવાન સ્વામિનારાયણનો મહિમા, પ્રતાપ, ઐશ્વર્ય આદિ સર્વોપરીપણાની જ્ઞાનવાર્તા; અને ભક્તિ અને સત્સંગ સમાન મોક્ષનું બીજું કોઈ સાધન નથી એ ઉપદેશ.
વિશ્રામ ૫૫ : શ્રીજીમહારાજે હીરજીભાઈના પ્રશ્નના ઉત્તરમાં ઝાલાવાડ-કાઠિયાવાડના અઢાર ગરાસધણીને સાધુ થવા માટે આજ્ઞાપત્રો લખ્યા. શ્રીજીમહારાજ ઝાલાવાડમાં થઈ જેતલપુર જતાં ધ્રાંગધ્રા પધાર્યા. ત્યાં રાજ્ય સત્કાર થયો. રાજ સાહેબ અમરસિંહજી, રાજકુમાર રણમલસિંહજી અને લધુભાને દર્શન દીધાં. તેમાં રણમલસિંહજીને સમાધિ થઈ તેમાં ૨૪ દિવસ ૨૪ અવતારોરૂપે તથા છેલ્લા ૬ દિવસ અક્ષરધામમાં પુરુષોત્તમનારાયણરૂપે દર્શન આપ્યાં. ધ્રાંગધ્રા એક માસ રહીને મહારાજ મેથાણ પધાર્યા.
વિશ્રામ ૫૬ : સૌ પ્રથમ સં. ૧૮૫૯માં શ્રીજીમહારાજ ઝાલાવાડમાં પધાર્યા. તે વખતે મેથાણ પધારી દરબાર પુંજાભાઈ તથા કાકાભાઈ અને તેમનાં બહેન જીજીબાઈના ઘેર ઊતર્યા. ત્યાં તેમને પોતાના સ્વરૂપનાં દિવ્ય તેજોમય દર્શન દઈને તેમને પોતાના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરાવ્યો.
વિશ્રામ ૫૭ : સં. ૧૮૬૨માં શ્રીજીમહારાજ મેથાણ પધાર્યા તેની લીલા. મેથાણના અજા પટેલ મહારાજની આજ્ઞાથી સાધુ થયા તે અઢાર સંતો માંહેલા હતા. તેમના ભાણેજ કલ્યાણદાસ કડુના રહેવાસી હતા તે પણ અદભુતાનંદ સ્વામી નામે તેઓની સાથે સાધુ થયા હતા. મેથાણમાં ઘણી જાતિઓમાં સત્સંગ દૃઢ થયો હતો. આ મેથાણના દરબાર પુંજાભાઈ, કાકાભાઈ, બહેન જીજીબાની દૃઢ નિષ્ઠાની વાતો તથા શ્રીજીએ બતાવેલ અનેક પરચા.
વિશ્રામ ૫૮ : ત્રીજી વાર મહારાજ મેથાણ પધાર્યા ત્યારે એક માસ છાના રહ્યા હતા અને જીજીબા, પુંજાભાઈ, કાકાભાઈ આદિ ભક્તોની સેવા સ્વીકારી હતી.
વિશ્રામ ૫૯ : બીજી કોઈક વાર મેથાણ પધારી મહારાજ એક માસ રોકાયા હતા અને કાકાભાઈ તથા પુંજાભાઈના ઘેર રહી વિવિધ લીલા કરી. ચત્રભુજના મંદિરનો જિર્ણોદ્ધાર કર્યો.
વિશ્રામ ૬૦ : શ્રીજીમહારાજે હળવદપુરમાં નારાયણજીભાઈ જોશીને દર્શન દીધાં. ધનાળામાં બે વિપ્રોને ભગવાનપણાનો નિશ્ચય કરાવ્યો. દેરીઆરીમાં ઝેરી શિંગડિયો વછનાગ જમ્યા. ત્યાંથી સુસવાવ પાસે કેદારિયા, માનસર આદિ સ્થળોએ ફરતા ફરતા મેથાણ પધાર્યા. મેથાણના દરબાર કાકાભાઈ, પુંજાભાઈ, જીજીબાને દર્શન સેવાનો લાભ આપ્યો અને વિવિધ લીલા કરી. કાકાભાઈ ઉપર કૃપા કરી દુષ્કાળમાં રક્ષા કરી.
વિશ્રામ ૬૧ : શ્રીજીએ મેથાણમાં સંત-હરિભક્તોને આગ્રહપૂર્વક ઘી જમાડ્યું. પીપાસરમાં જળક્રિડા કરી.
વિશ્રામ ૬૨ : મહારાજ સાતમી વાર મેથાણ પધાર્યા. ત્યાં કાઠીઓને ગોળ, ચોખા ને ઘી ખૂબ પીરસી જમાડ્યા. પછી મુળી પધાર્યા.
વિશ્રામ ૬૩ : મહારાજ મેથાણ ગામમાં પધાર્યા. કાકાભાઈ, પુંજાભાઈ તથા જીજીબાના ઘેર રહી, ત્યાં સભા કરી. તેમાં ખેડૂતોને વરસાદની ચેતવણી આપી તેમના ધાનના મોલને બચાવી લીધો, એમ અગમવાણી દ્વારા પોતાના પુરુષોત્તમપણાનો પરચો આપ્યો.
વિશ્રામ ૬૪ : મુળીમાં આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે ગણપતિ પૂજનનો ઉત્સવ કરાવ્યો. તેમાં શ્રીજીમહારાજનું દિવ્ય દર્શન થયું.
વિશ્રામ ૬૫ : મુળીમાં આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ જન્માષ્ટમીના સમૈયા બાદ રોકાયા હતા અને જનોઈ બદલવાનો ઉત્સવ કર્યો હતો. શ્રીજીમહારાજ અને અયોધ્યાપ્રસાદજી મહારાજનાં દિવ્ય દર્શન થયાં હતાં ને શ્રીજીનાં પ્રત્યક્ષ દર્શન તુલ્ય સુખ આવ્યું હતું.
વિશ્રમ ૬૬ : મુળીમાં શ્રીજીમહારાજે ઢુવાવાળાં બાઈ (મુળીના પરમાર ભારાજીનાં દીકરી)ને દિવ્ય દર્શન આપ્યાં અને તેમણે માનેલ સેવા શ્રી ઠાકોરજીને કરાવી. તેમજ સેવક બ્રહ્મચારીને દિવ્ય દર્શન આપી માંગીને પાણી પીધું. ઇત્યાદિ પ્રત્યક્ષપણાના પ્રસંગો.
વિશ્રામ ૬૭ : શ્રીજીમહારાજે બ્રહ્મમુનિ સાથે ચિતારા છગનને દર્શન દીધાં અને બ્રહ્મમુનિની મૂર્તિ ચિતરાવી. શ્રીજીમહારાજ અને બ્રહ્મમુનિનું એકાત્મ્યપણું છે તે શ્રીજીનું વચન છે.
વિશ્રામ ૬૮ : શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ દ્વારા મુળીમાં વસંતોત્સવ. શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ દ્વારા ઐશ્વર્ય અને મહિમા. મુળી દરબારના મરી ગયેલા ખવાસને દહીં મોઢામાં મૂકી જીવતો કર્યો તે પ્રસંગ.
વિશ્રામ ૬૯ : મુળીમાં જન્માષ્ટમીના સમૈયે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે ઐશ્વર્ય બતાવી નાગર બ્રાહ્મણ બાપુજીને દેહ મુકાવી બોલતા બોલતા અક્ષરધામને પમાડ્યા.
વિશ્રામ ૭૦ : મુળીમાં વસંત પંચમીના સમૈયામાં વાસુદેવાનંદ સ્વામી દ્વારા પીપળિયાના રામજી વણિકને વળગેલા પાંચ ભૂત કાઢ્યા તે પ્રસંગ.
વિશ્રામ ૭૧ : મુળીમાં જન્માષ્ટમીના સમૈયા વખતે ઘણો વરસાદ થયો હતો. ભોગાવો નદીમાં બે કાંઠામાં પૂર આવ્યું હતું. તે સમયે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ શ્રી રામપ્રતાપભાઈ સાથે ત્યાં પધાર્યા હતા. શ્રી રામપ્રતાપજી મહારાજે નદીનાં પાણી થંભાવી દીધાં અને સમૈયાના યાત્રાળુને નદી પાર કરવા માટે માર્ગ થયો. તે તથા બીજાં ઐશ્વર્ય ચરિત્રો.
વિશ્રામ ૭૨ : મુળીમાં શ્રાવણ સુદ પૂનમનું ગ્રહણ થયું, તેમાં શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજના ઐશ્વર્યથી નદીમાં પાણી આવ્યું; તે સમયે ગ્રહણ દરમિયાન ધૂન થતી હતી. તેમાં મહારાજના દિવ્ય દર્શન બંને આચાર્યો અને સદગુરુ સંતો સહિત મહારાજની મૂર્તિ દ્વારા થયા. મહારાજ મહિનો મુળી રહ્યા હતા.
વિશ્રામ ૭૩-૭૪ : એક સમયે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ મુળી પધાર્યા હતા. એક વખત સભામાં લોયાનું ત્રીજું વચનામૃત વંચાતું હતું. તેમાં નામ લખેલ હરિભક્તોની વાર્તા મહારાજશ્રીની આજ્ઞાથી તદ્રૂપાનંદ સ્વામીએ કરી. તેમનાં નામ : (૧) ગલુજી, (૨) કુશળકુંવરબાઈ, (૩) પર્વતભાઈ, (૪) રાજબાઈ, (૫) લાડુબાઈ, (૬) જીવુબા, (૭) મોટા રામબાઈ, (૮) નાના રામબાઈ, (૯) દાદા ખાચર, (૧૦) માંચા ખાચર.
વિશ્રામ ૮૩-૮૪ : મુળીમાં શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજની આજ્ઞાથી તદ્રૂપાનંદ સ્વામીએ (૧) મુક્તાનંદ સ્વામી, (૨) મૂળજી બ્રહ્મચારી, (૩) મૂળજી તથા કૃષ્ણજી, (૪) લાધીબાઈ અને માતાજી, (૫) ગુંદાળીના બે કાઠી હરિભક્તો, (૬) ડોસા વાણિયા, (૭) વાળાક દેશના આહિર સામત પટેલ, (૮) કઠલાલની ડોશી જેકુંવર, (૯) સુંદરજી સુતાર તથા (૧૦) રાણા રાજગરની વાર્તા કરી.
વિશ્રામ ૯૩ : મુળીમાં જન્માષ્ટમીના સમૈયા પ્રસંગે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ પધાર્યા હતા તે વખતે મૂઢપણું, પ્રીતિ અને સમજણનું અંગ હતા એવા હરિભક્તોની તથા અગિયાર નિયમની તેમણે કરેલી વાતો.
વિશ્રામ ૯૪ : શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજની હળવદમાં પધરામણી. તેમણે જણાવેલો પ્રતાપ અને તેમણે વરસાવેલો અમૃતરસ.
વિશ્રામ ૯૫ : મુળીમાં શ્રી વાસુદેવાનંદ બ્રહ્મચારી દ્વારા અનેક ઐશ્વર્ય ચમત્કારો.
વિશ્રામ ૯૬ : હળવદમાં શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજનો રાજ્ય સત્કાર. રાજ રણમલસિંહજીને દુઃખ આપતી પ્રેતની ઉપાધિ ટાળી.
વિશ્રામ ૯૭ : હળવદમાં રાજસાહેબ શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજનાં દર્શન કરવા આવ્યા. તેમને તેમનો દેહ પડવાની અગમચેતી કહી અંતે તેમને ધામમાં લઈ ગયા. (શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ પોતે સંવત ૧૯૨૪માં અક્ષરનિવાસી થયા હતા.)
વિશ્રામ ૯૮ : મુળીમાં શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ જન્માષ્ટમીના સમૈયામાં પધાર્યા હતા. મહારાજશ્રીને શરીરે કસર રહેતી હતી તેથી ગામેગામના હરિભક્તોએ આગ્રહ કરી પધરામણી કરવા વિનંતી કરી, તે માન્ય રાખી મહારાજશ્રી હળવદ પધાર્યા અને રાજસાહેબ, રણછોડભાઈ મહેતા આદિને પધરામણી કરી રાજી કર્યા. અને ત્યાં વીસ દિવસ રોકાયા.
વિશ્રામ ૯૯ : શ્રીજીમહારાજે દેશ વિભાગ પોતે કર્યા. તેમાં કોઈ જગ્યાએ મંદિર નહોતાં તે ગણતરીમાં લઈ "ધાવા" નાખ્યા, તેમાં ગઢડા ને મુળીનો "ધાવો" નાખ્યો હતો.
આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને શ્રીજીમહારાજમાં દૃઢ નિષ્ઠા અને તેમની સમર્થ સ્થિતિ.
વિશ્રામ ૧૦૦ : નિર્દોષાનંદ સ્વામી દ્વારા વાંકાનેરમાં મંદિર થયું તેમાંચમત્કાર.
વિશ્રામ ૧૦૧ : નિર્દોષાનંદ સ્વામીએ જોડિયા મંદિર કર્યું, તેમાં શ્રીજી દ્વારા પ્રત્યક્ષપણું અને સહાય.
વિશ્રામ ૧૦૨ : નિર્દોષાનંદ સ્વામીના વચનથી ગામ જાયવામાં બોરડીના કાંટા ખરી ગયા અને થોડાં વરસ બાદ બોરડી ધામમાં ગઈ એમ તેનો મોક્ષ કર્યો.
વિશ્રામ ૧૦૩ : સ. ગુ. દેવાનંદ સ્વામીએ સ્વતંત્રપણે દેહોત્સવ કર્યો. (સંવત ૧૯૧૦)
વિશ્રામ ૧૦૪ : બ્રહ્મચારી ઈશ્વરાનંદ અને બ્રહ્મચારી આનંદાનંદની વાત.
વિશ્રામ ૧૦૫ : શાસ્ત્રી બાળમુકુંદાનંદ સ્વામીને શ્રીજીમહારાજે મંદવાડમાંથી સાજા કરી સત્સંગ સેવા માટે રાખ્યા.
વિશ્રામ ૧૦૬ : પૂર્ણાનંદ સ્વામીનો દેહ મૂકવાનો પ્રસંગ.
વિશ્રામ ૧૦૭ : બ્રહ્મચારી લક્ષ્મીનારાયણાનંદને મહારાજે દર્શન આપી જણાવ્યું કે પોતે રામકૃષ્ણ મહેતાને ધામમાં લઈ જાય છે. તે વાત સત્ય થઈ.
વિશ્રામ ૧૦૮ : લક્ષ્મીનારાયણાનંદ બ્રહ્મચારીએ જેમને સત્સંગ કરાવ્યો હતો એવા ગોદાવરી ગામના રવાભાઈએ દેહ મૂક્યો તેની વાત.
વિશ્રામ ૧૦૯ : લક્ષ્મીનારાયણાનંદ બ્રહ્મચારીને કહીને શ્રીજીમહારાજ એક બાઈને ધામમાં લઈ ગયા.
વિશ્રામ ૧૧૦ : લક્ષ્મીનારાયણાનંદ બ્રહ્મચારીને ઉઠાડીને શ્રીજીમહારાજે કહ્યું કે નારાયણજી જાનીને તેડી જઈએ છીએ. તે સત્ય થયું. મંદિરમાં દરવાજા બંધ હતા છતાંય દિવ્યરૂપે શ્રીજીમહારાજે દર્શન આપીને બ્રહ્મચારીને જણાવ્યું હતું.