વિશ્રામ ૩૬

એક વખતે શ્રીજીમહારાજ મેથાણ જતા હતા, તે પ્રથમ બોટાદ, કરમડ અને કંથારિયું આવ્યું; ત્યાં ફૂલવાડીમાં ઊતર્યા. રાણા હરિભાઈ, રતનસિંહજી, અજુભાઈ, ભગતસિંહજી, નાથાભાઈ, ખેતાભાઈ તથા રઘાભાઈને ઘેર થાળ જમ્યા.

બીજા દિવસે ભાવસિંહજીને ઘેર થાળ જમ્યા. પછી લાલસિંગને ઘેર (હાલ ત્યાં બાઈઓનું મંદિર છે) આવ્યા. ત્યાં થાળ કર્યો. શ્રીજીમહારાજને તથા સર્વ સાધુને જમાડ્યા. સાંજના સમે તળાવની પાળ ઉપર સર્વ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

શ્રીજીમહારાજ બોલ્યા જે, "આ લોકમાં દૈવી અને આસુરી એમ બે પ્રકારના જીવ છે.

દૈવી જીવ છે તે દાન, પુણ્ય અને દેવનું અર્ચન-પૂજન કરે છે, મધુર વાણીએ બોલે છે અને કોઈ પ્રાણીને દુઃખ થાય તેવું કરે નહિ. અને સુપાત્રને દાન દેવું; તીર્થ-જાત્રા કરવી; કન્યાદાન આપવાં, જપ કરાવવાં; વાવ, કૂવા, તળાવ કરાવવાં, સદાવ્રત બંધાવવા ને ઝાડ રોપાવવાં એમ શુભ કર્મ કરવામાં પ્રીતિ હોય. આવા પુણ્યવાળા જે દૈવી જીવ તે ભગવાનના ધામમાં જાય છે.

આસુરી જીવ તો કોઈને કઠોર વાણી કહેવી; ઈર્ષ્યા, મદ્યમાંસનું ભક્ષણ કરવું, ચોરી, પરસ્ત્રીને વિષે આસક્તિવાળા હોય છે. તેનો નરકમાં નિવાસ થાય છે. જમપુરીમાં તેને જમના માર ખાવા પડે છે. આ દેહ ક્ષણભંગુર છે. તેથી પ્રભુ ભજી ભગવાનના ધામમાં જવાય એવો મુમુક્ષુ જીવે પ્રયત્ન કરવો. નરકમાં જવું ન પડે એમ કરવું.

ભગવાનનું સુખ છે તેવું તો ક્યાંય સુખ નથી. સુખના સિંધુ તો એક ભગવાન જ છે. એમ જાણી ભગવાનના સ્વરૂપમાં અનન્ય હેત કરવું. આ લોકના સુખમાં તો કાંઈ સુખ નથી. આ લોકના સુખ કેવળ સંસૃતિ કરાવે એવાં છે. સુખમય તો ભગવાનની મૂર્તિ છે."

એવી રીતે ઘણી વાર્તા કરી. તે વાત સાંભળીને ગરાસિયા, વાણિયા, સોની, કણબી એવા ઘણા માણસોએ વર્તમાન ધાર્યા અને ઘણા સત્સંગી થયા.

પછી મહારાજ ચાલ્યા તે ખાંડિયું, અચારડું ને વાંસલ નદીમાં સ્નાન કરી મગસનું ભાતું જમ્યા. રાણા બાવાજી ઘઉં વાવતા હતા તેમની પાસે ગયા અને કહ્યું જે, "શું વાવો છો?"

ત્યારે બાવાજી કહે: "ઘઉં વાવીએ છીએ."

મહારાજે કહ્યું જે, "લાવો ઘઉં." પછી મહારાજે હાથમાં ઘઉં લીધા અને તે પાછા નાંખ્યા. તે વખતે ત્યાં અચારડા ગામના કસિયાજી ગરાસિયા આવ્યા અને મહારાજને પગે લાગી કહ્યું: "અમારા ગામમાં આપ પધારો અને મારું ઘર પાવન કરો." એ પ્રકારે પ્રાર્થના કરી.

શ્રીહરિએ કહ્યું: "ગામમાં હરિભક્ત કેટલા છે?"

કસિયાજી બોલ્યા જે, "એક આપનો દાસ હું છું, પણ આપને પ્રતાપે થશે તે સેવા કરશું."

ત્યારે શ્રીજીએ કહ્યું: "આ વખતે નહિ આવીએ પછીથી આવીશું." એમ કહી ચાલ્યા તે લીંબડી આવ્યા અને ત્યાં બે દિવસ રહ્યા અને હરિભક્તોને આનંદ ઉપજાવતા થકા ઘણું સુખ આપતા હતા.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે છત્રીસમો વિશ્રામ.