વિશ્રામ ૪૦

એક સમયે શ્રીહરિ તાવીપુરમાં આવ્યા. ત્યાંના રાણા જેઠીભાઈ, અદાભાઈ, અખાભાઈ, ભારાજી, રઘાભાઈ, દમા શેઠ, વિપ્ર ગંગારામ, શેઠ કલાભાઈ, કોળી કલાજી તથા જીવોભાઈ આદિ હરિભક્ત શ્રીહરિનું સામૈયું કરતા હતા. પોતાની ડેલીમાં સાધુ, પાર્ષદનો ઉતારો આપ્યો. રાણા જેઠીબાઈની ભાર્યા મોટીબા; રાણા અદાભાઈની ભાર્યા અજુબા; રાણા અખાભાઈની ભાર્યા બાજીબા; પંચાળાના ઝીણાભાઈની દીકરી જેનું સગપણ શ્રીજીમહારાજે કરાવ્યું હતું તે બાઈ આદિ મહારાજનો થાળ કરવા સારુ સર્વ સામાન તૈયાર કરીને લાવ્યાં અને શિવરામ ભટ્ટની દીકરી કુંવરબાઈ મહારાજનો થાળ કરતાં હતાં.

ભટ્ટ મોરારજી, રામચંદ્ર, દામોદર આદિ વિપ્રને બોલાવતા હવા. તેની પાસે સંત-હરિભક્તો માટે રસોઈ કરાવતા હતા. રસોઈ તૈયાર થઈ તે વખતે મહારાજનો થાળ પણ દરબારમાં તૈયાર થયો. તે સમયે મોટીબા, અજુબા, બાજીબા અને સર્વ મહારાજના દર્શન કરવા સારુ, કોઈ પાણીનો લોટો અને પ્યાલો લાવતાં, કોઈ દૂધ લાવતું, કોઈ દહીં, કોઈ સાકર, એલચી, લવિંગ, તજ વગેરે મુખવાસ તૈયાર કરી લાવતાં. શ્રીજીમહારાજનાં દર્શન કરવા સારુ ત્યાં તૈયાર થઈ બેસતાં.

ભટ્ટ શિવરામને મહારાજને બોલાવવા સારુ મોકલ્યા. શિવરામ મહારાજને દરબારમાં જમવા સારુ બોલાવવા આવ્યા. શ્રીહરિનાં દર્શન સારુ દરબારમાંથી બાઈઓ આવ્યાં. તેમણે શ્રીહરિને પ્રાર્થના કરી. તેથી ઓરડામાં બિરાજમાન થઈ જમતા હતા. વડીનું ખાટિયું, પાપડ, સેવનો બિરંજ, લાડુ, રોટલી, શીરો, બાજરાનો રોટલો, દાળ, ભાત, શાક આદિ થાળમાં પીરસી કુંવરબાઈએ થાળ મોકલ્યો. મહારાજ જમતા જાય અને બાઈઓ મનુવાર કરતાં જાય. જમી રહ્યા પછી મહારાજ બહાર ઓસરીમાં ચાકળો નાખ્યો હતો તે ઉપર બિરાજમાન થયા.

સૌ બાઈઓ દર્શન કરવા આવ્યાં. જેઠીભાઈના કુંવર ડાયાભાઈને પગે લગાડ્યા.. અદાભાઈના કુંવર કુબેરજીને પગે લગાડ્યા. અખાભાઈના કુંવર કલ્યાણસિંહજીને પગે લગાડ્યા.

સર્વે બાઈઓને મહારાજે વાત કરી જે, "આ લોકમાં પવિત્રપણે રહી પતિવ્રતાનો ધર્મ પાળે છે અને પતિની આજ્ઞા પ્રમાણે વર્તે છે ને પવિત્ર થઈ વ્રત કરે છે તેના પર ભગવાન રાજી થાય છે. અને તેમને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. માટે આવો સમાગમ પામીને લસણ, ડુંગળી ન ખાવાં. પરપુરુષનો સંગ ન કરવો. પાણી, દૂધ ગાળ્યા વગર ઉપયોગમાં ન લેવું. અનાજ શુદ્ધ કરી રાંધવું." એવી ઘણી વાર્તા કરી.

પછી મહારાજ ડેલીએ પધાર્યા ત્યા ગરાસિયા આવ્યા. સર્વે સાધુ તથા દેશદેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે સમે શ્રીજીમહારાજ બોલ્યા જે, "કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછો."

પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, "મહારાજ! ઈર્ષ્યાનું રૂપ શું છે?"

તેનો ઉત્તર શ્રીજીમહારાજે કહ્યો: "જેના હૈયામાં માન હોય, તે માનમાંથી ઈર્ષ્યા પ્રવર્તે છે. ક્રોધ, મદ, મત્સર, અસુયા તે પણ માનમાંથી પ્રવર્તે છે. જે પોતાથી મોટો હોય પણ જ્યારે તેનું સન્માન થાય તે દેખી ન ખમાય એવો જેનો સ્વભાવ હોય તો જાણવું જે આના હૃદયમાં ઈર્ષ્યા છે. યથાર્થ ઈર્ષ્યાવાળો હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે નહિ."

એવી ઘણી વાર્તા કરી અને પોતાની પાસે આવતા એવા ગરાસિયા તેને ભગવાનપણાનો નિશ્ચય કરાવતા હવા. ઘણા માણસો વર્તમાન ધારી સત્સંગી થઈ, શ્રીજીમહારાજનું ભજન કરતા હવા. એવી રીતે તાવીપુરમાં પંદર દિવસ રહ્યા અને તળાવમાં નિત્ય નવી નવી લીલા કરતા અઅને બે લીમડા નીચે સભા કરતા હતા. આ પ્રમાણે તાવીમાં સત્તર વખત મહારાજ પધાર્યા છે. તેમની અદભુત લીલાનો લખ્યે પાર આવે એમ નથી.

ઇતી શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ચાલીશમો વિશ્રામ.