વિશ્રામ ૫૧
લિખિતંગ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ, બીજું સત્સંગી સમસ્ત બાઈ-ભાઈને અમારી આજ્ઞા છે જે, લક્ષ્મીનારાયણ, નરનારાયણ તથા શ્વેતદ્વીપવાસી વાસુદેવ એમની જાત્રા કરવા જવું હોય તથા અમારે દર્શને આવવું હોય ત્યારે પોતાના ઘેરથી નીકળી વિધવા બાઈ હોય, સાઠ વર્ષની વૃદ્ધબાઈ હોય, આઠ વર્ષની બાળકી હોય અને જો છેડા વર્તમાન રાખતી હોય તો તેણે પોતાના સમીપ સંબંધ વિના બીજા પુરુષ માત્રને અડવું નહિ અને અડે તો એક ઉપવાસ કરવો.
જે સત્સંગી ભાઈ વૃદ્ધ હોય, આઠ વર્ષનો છોકરો હોય અને વિધવાને ન અડવાનું વર્તમાન રાખતો હોય તે પણ પોતાના ઘેરથી નીકળે ત્યાંથી પોતાના સમીપ સંબંધી વિધવા વિના બીજી વિધવાને ન અડે, અને અડી જવાય તો એક ઉપવાસ કરે. શ્રી લક્ષ્મીનારાયણ આદિ દેવ મંદિરના કોટના દરવાજામાં પેઠા પછી કર્મયોગી ગૃહસ્થે પણ બાઈ માત્રને અડવું નહિ. અડી જવાય તો એક ઉપવાસ કરે અને કર્મયોગી બાઈ પણ ભાઈ માત્રને અડે તો એક ઉપવાસ કરે.
આ અમારું વચન બાઈ-ભાઈ નહિ માને તેને જાત્રા નિષ્ફળ થશે અને તે વિમુખ છે અને અમારા સત્સંગમાં નથી.
બીજું સત્સંગી બાઈ-ભાઈ માત્રને એમ આજ્ઞા છે તે જ્યારે ઠાકોરજીને ઓચ્છવે જવું હોય તથા અમારે દર્શને આવવું હોય ત્યારે માર્ગમાં પોતાના સંબંધી સત્સંગી હોય તેને ઘેર પણ જમવું નહિ અને તીર્થને વિષે પણ પારકું અન્ન જમવું નહિ. તે જો સંબંધી સત્સંગી ન હોય તેને ઘેર જમે તેનો બાધ નહિ.
બીજું પરમહંસ માત્રને એમ અમારી આજ્ઞા છે જે ઠાકોરજીને ઓચ્છવે જવું હોય તથા અમારે દર્શને આવવું હોય ત્યારે સત્સંગીના ગામમાં ભિક્ષા કરવી તો ઝોળી માગીને કરવી પણ સત્સંગીના ઘરનું સીધું ન લેવું. સત્સંગી જો વધુ અન્ન ઝોળીમાં નાખે તો તે લેવું નહિ. એક જણ જમે એટલું જ લેવું. જે સત્સંગીના ગામમાં એક મંડળે ભિક્ષા માગી હોય તો તે ગામમાં બીજા મંડળે તે જ દિવસે ભિક્ષા ન માગવી. જે પરમહંસ આ વચનનું ઉલ્લંઘન કરે તેને એક ઉપવાસ કરવો. સંવત અઢારસો બ્યાસીના બારસને દિવસે આ આજ્ઞા વચન લખેલ છે.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે એકાવનમો વિશ્રામ.