વિશ્રામ ૭૧
શ્રાવણ વદ આઠમે મુળીમાં જન્માષ્ટમીનો સમૈયો હતો. ત્યારે વરસાદ ઘણો થયો. મહારાજશ્રી અયોધ્યાપ્રસાદજી, શ્રી રામપ્રતાપભાઈ તથા મોટા મોટા ઘણા સંતો મુળી પધાર્યા હતા. દેશોદેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. વરસાદ ઘણો થયો એટલે લૂગડાં, બિછાનાં તથા ભાતુ પલળી ગયું હતું. શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ કહે: "સુખડીના લાડું અને ખીચડી સર્વે સંઘને જમાડો."
તે સમે હાલારના તથા મચ્છુકાંઠાના હરિભક્તો આથમણી બાજુથી આવતા હતા. ભોગવતી નદીમાં પાણી ઘણું એટલે કોઈથી ઊતરાય નહિ. ગાય, ભેંસ કે માણસ જે પડે તે તણાઈ જાય. સામે કાંઠે માણસ ઘણા તે દુઃખી થાય, પણ કોઈ ઉપાય ચાલે એમ ન હતો. તદ્રૂપાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, જગજીવનદાસજી, લક્ષ્મીનારાયણદાસજી, જીવા ભગત, ગોપાલજી ત્રાવડી, મોરારજી આચાર્ય તથા હાજર ભગત એ સર્વએ અયોધ્યાપ્રસાદજી મહારાજ પાસે આવી કહ્યું: "મહારાજ! સંઘ બધો સામે કાંઠે રહ્યો છે, વરસાદ ઘણો છે. પાછા જાય તો પેલી બાજુ ખાતરાં ઘણા છે. તે પણ ઊતરાય એવા નથી. હવે શું કરવું?"
શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ કહે: "દાદાને કહો તો દાદા નદી ઉતારે." પછી સર્વે શ્રી રામપ્રતાપભાઈ પાસે ગયા અને કહ્યું: "મહારાજ! આપ તો ભગવાનના ભાઈ છો. શેષનારાયણના અવતાર છો અને બળદેવજી પણ તમે છો, લક્ષ્મણજી પણ તમે છો. તમે તો સમુદ્ર તરવો હોય તો તરાવી નાખો એવા સમર્થ છો." એમ સર્વેએ પ્રાર્થના કરી.
શ્રી રામપ્રતાપભાઈ હાથમાં સોટી લઈ ચાલ્યા અને સર્વે માણસો પણ નદી કાંઠે આવ્યા. નદીમાં મોટા મોટા લોઢ ઊડે તે જોઈ કોઈની ધીરજ ન રહી. તે જોઈ રામપ્રતાપભાઈએ સોટી ઉપાડી કહ્યું: "અરે પાતાળ ભોગવતી ગંગા! ક્યું ઉન્મત્ત હૈ? તુમકો હમ શિક્ષા કરેંગે." એમ કહી હાકલ કરી એટલે પાણી બંને બાજુ થંભી ગયું. રામપ્રતાપભાઈ પોતે સામા કાંઠા તરફ ચાલ્યા અને સર્વે સંઘને દર્શન આપી કહ્યું: "કોઈ બીક રાખશો નહિ. સૌ બાઈ-ભાઈ પેલી બાજુ મારી સાથે આવો." એમ કહી સૌને આ કાંઠે લાવ્યા.
પછી તો એટલું બધું પૂર આવ્યું. તે જોઈ સર્વે હરિભક્તને એમ થયું જે દાદા ન આવ્યા હોત તો સર્વે માણસ તણાઈ જાત. એવો રામપ્રતાપભાઈનો મોટો મહિમા જાણી સર્વેને આનંદ થયો. સર્વેને એમ થયું જે આ તો શેષ નારાયણનો અવતાર છે. તે સંકર્ષણનો અવતાર છે. માટે એમનો મહિમા અપાર છે.
પછી વાંટાવદરના લાધો ઠક્કર, માથકના બેચર સુતાર, ઘાંટીલાના સુતાર હરિ, ખાખરેચીના હરજીવન ભગત, જેતપુરના દમા ઠક્કર આદિ સર્વેએ આવી રામપ્રતાપભાઈને પ્રાર્થના કરી કહ્યું: "આજ તમે અમને સમાધિ કરાવી તેમાં શેષની સજ્યામાં સૂતા એવા નારાયણ તેમનાં દર્શન કરાવો." ત્યારે તેઓને સમાધિ કરાવી, શેષનારાયણનાં દર્શન કરાવ્યાં. તેમની સેવામાં રહ્યા એવા અનંત મુક્ત, એમની સેવા કરતા, એવા ઘણા મુક્તોને જોયા. કેટલાક તો એમના શરીરમાં લીન થતા અને કેટલાક નીકળતા હતા. એમ કરતાં શેષનારાયણમાંથી રામપ્રતાપભાઈ નીકળ્યા અને તેઓ સર્વ હરિભક્તોને લઈ અક્ષરધામમાં ગયા. ત્યાં શ્રી પુરુષોત્તમનારાયણનાં દર્શન કરાવી પાછા લાવ્યા. તેથી સર્વને ઘણો આનંદ થયો.
હરિભક્તોએ રામપ્રતાપભાઈનો મહિમા જાણી પૂજા કરવા માટે પ્રાર્થના કરી. પછી પુષ્પના હાર, કેસર, ચંદન કુમકુમ લાવ્યા અને વસ્ત્ર તથા રોકડા રૂપિયા ભેટ ધરી ભાઈશ્રીની પૂજા કરી સૌ પ્રસન્ન થયા.
અમદાવાદના હરિભક્ત ગવૈયા, હળવદના મહાદેવ દવે, લીંબડીના કલ્યાણ સોની આદિ હરિભક્તો અને જિષ્નુદાસજી, બાલકૃષ્ણદાસજી, લક્ષ્મણાનંદજી સ્વામી, વૃજાનંદ સ્વામી આદિ શ્રી રામપ્રતાપભાઈ પાસે આવી બેસી કીર્તન ગાતા. કોઈ રાત્રે બાર વાગે, કોઈ રાત્રે બે વાગે. એવી રીતે રાત-દિવસ ભક્તિમાં જ સમય નિમગ્ન થતો.
એવી રીતે ભક્તિરસની લહાણી થતી અને રામપ્રતાપભાઈ બહુ સુખ આપતા અને આનંદ થતો. તે વર્ણવી શકાય તેમ નથી.
તે સમે સચાણાના રાણા આહાભાઈ દર્શને આવ્યા; અચારડાના કસીઆભાઈ આવ્યા અને તેઓએ કહ્યું: "અમારે રસોઈ આપવી છે, પણ ભાઈ પીરસે." અને કસીઆજીને સાકર ઉપર ઘી ફેરવવું છે. ભાઈ કહે: "ભલે." પછી લાડુનો દળ કરાવ્યો અને સાકર ધોવડાવી. સર્વ સાધુની પંક્તિમાં રંગોળી પુરાવી, અગરબત્તીનો ધૂપ કરાવી ભાઈએ સાકર અને ઘી ખૂબ પીરસ્યા. દૂધ-ભાત અને સાકર પણ પીરસી.
બીજે દિવસે આહોભાઈની જલેબીની રસોઈ કરાવી. રામપ્રતાપભાઈ અને અયોધ્યાપ્રસાદજી મહારાજ બંને પંક્તિમાં ફરતાં સર્વ સાધુને રમુજ કરાવતા જાય અને પીરસતા જાય, એમ વારંવાર સાધુને પીરસતા જાય. તેવો આનંદ આપ્યો તે વર્ણવી શકાય તેમ નથી.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ઇકોતેરમો વિશ્રામ.