વિશ્રામ ૯૬
એક સમે ગામ હળવદમાં રાણા રણમલસિંહજીએ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને પ્રાર્થના કરી પહેલાં પોતાના દરબારમાં પધારવા કહ્યું. સાધુ, બ્રહ્મચારી અને સર્વેને આવવા માટે રાજસાહેબે ઘોડાગાડીઓ મોકલી તથા હાથી લઈ પોતે તેડવા આવ્યા ને વાજતે-ગાજતે દરબારમાં પધાર્યા. દરબારમાં મોટા સિંહાસન પર મહારાજ બિરાજમાન થયા ને રાજા સાહેબે પૂજા કરવા માંડી.
પ્રથમ પંચામૃત લઈ પગ ધોઈ ચંદન, પુષ્પ ચડાવી કુમકુમનો ચાંદલો કર્યો ને પુષ્પના હાર-તોરા લઈ પહેરાવ્યા. સોનેરી ડગલી પહેરાવી ને માથે પાઘડી બંધાવી, શેલું ઓઢાડી મોતીની માળા પહેરાવી. હાથમાં કડાં પહેરાવ્યાં અને રૂપિયાનો થાળ ભરી મૂક્યો. સાધુ, બ્રહ્મચારીની પૂજા પોતાના કુંવર પાસે કરાવી. સાધુ પાસે કીર્તન ગવડાવ્યાં.
પછી રાજસાહેબ અને મહારાજ બંને સભામાંથી ઊઠી એકાંતમાં જઈ બેઠા. રાજા રણમલસિંહજીએ મહારાજને કહ્યું જે, "મારે મોટું દુઃખ છે. તે તમો માટાડો તો મટે તેમ છે."
મહારાજે કહ્યું જે, "તમારે શું દુઃખ છે? તે કહો તો મટાડી દઈએ."
રાજસાહેબ બોલ્યા જે, "મારી સાથે એક દિવાનને ઘણો સ્નેહ હતો તે મરીને પ્રેત થયો છે. તે મેડીમાં દેખા દે છે. સૂઈએ ત્યારે કહે છે જે 'હોકો પીવો છે?' એમ આવીને કહે છે ને સુખે સૂવા દેતો નથી. માટે તેના જીવનો આપશ્રી મોક્ષ કરો તો અમે સુખી થઈએ."
વળી કહ્યું જે, "આ દુઃખ મટાડવા સારુ ગોસાઈનું મંદિર કરાવ્યું. કેટલાક સન્યાસી રાખ્યા, પ્રેતવાદી, ભૂવા, ભામા આદિ કર્યા પણ તે જતું નથી. આપ તો ભગવાનના પુત્ર છો. આ માટે તમારા આશરે આવ્યો છું."
મહારાજ કહે: "ક્યાં છે એ?"
રાજસાહેબ કહે: "અમારો સૂવાનો ઓરડો છે ત્યાં રહે છે." પછી ત્યાં જઈ બતાવ્યો. તે પોતાના દિવાનને નજરે જોતાં બતાવ્યું. મહારાજે હાથમાં પ્રસાદીનું પાણી લઈ ઓરડામાં છાંટ્યું. ત્યારે દિવાનનું પ્રેત કહે: "હે મહારાજ! આપ જ્યાં કહો ત્યાં જાઉં."
મહારાજ કહે: "બદ્રિકાશ્રમમાં જા." પ્રેત બદ્રિકાશ્રમમાં ગયો. આવી રીતે અયોધ્યાપ્રસાદજી મહારાજનો ઘણો પ્રતાપ જોઈ રાજસાહેબના મનમાં થયું જે કલ્યાણના કરનાર તો આ ભગવાનના પુત્ર છે. એમ વિચારી મહારાજને કહે: "આજથી આપનો આશ્રય લીધો છે. તો તમારે મને અંત સમે તેડવા આવવું પડશે." એવો વર માગ્યો. મહારાજ કહે: "અંતકાળે શ્રીજી સાથે હું તેડવા આવીશ." એમ કહી મહારાજ પાછા મંદિરમાં પધાર્યા.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે છન્નુમોમો વિશ્રામ.