૧૩૫

મોટા અનાદિમુક્ત છે તે તો અખંડ મહારાજની મૂર્તિમાં રસબસ છે. તે અનંત જીવના આત્યંતિક મોક્ષને અર્થે દયા કરી પૃથ્વી ઉપર મહારાજના સંકલ્પે દેખાય છે. ત્યારે જે જે જીવ દૃષ્ટિએ ચડે તેને ન્યાલ કરે છે. શ્રીજીમહારાજ કહે છે કે એવા અનાદિના જોગથી હું તરત પ્રાપ્ત થાઉં છું. એવા મુકત છે તે તો બ્રહ્મની જ મૂર્તિ છે. તેને હરિરૂપ કહીએ, પુરુષોત્તમરૂપ કહીએ અને મૂર્તિના મહારસના પાન કરનારા કહીએ. એની સર્વે ક્રિયા અલૌકિક છે, નિર્ગુણ છે, દિવ્ય છે તેને ઓળખવા ન પડે. એની દરેક ક્રિયામાં જણાય. તે ઊઠતાં જણાય, બેસતાં જણાય, મૂર્તિના સુખની ચમત્કારિક વાતો કરતા જણાય, ધ્યાનમાં નિમગ્ન રહેતા જણાય. અલૌકિક ભાવના સિદ્ધાંત દેખાડતા જણાય. એવી રીતે અનેક પ્રકારે મોટા અનાદિમુક્ત ઓળખાય. એ જ્યાં વિચરતા હોય ત્યાં પુરુષોત્તમ ભગવાન ને અક્ષરધામ જે શ્રીજીમહારાજનું તેજ તથા અનંત મુક્ત એ સર્વે હોય. તે પોતાને સાર્મથ્યે અનેકને દિવ્ય દૃષ્ટિ કરાવી એ સર્વેને દેખાડે. તેથી અનંતનાં આવરણ ભેદાઈ જાય. મનુષ્યભાવ, પ્રતિમાભાવ, દિવ્યભાવ એ સર્વેનું યથાર્થ વર્ણન કરે એથી સમજાય જે આ અનાદિ મહામુક્ત છે. એની છાયામાં સુખ, સુખ ને સુખ જ હોય. એવા મળે ત્યારે પૂરું થાય.