૯૦
અનંત પ્રકારનાં સુખ માત્ર શ્રીજીની મૂર્તિમાં રહ્યાં છે તે એક દર્શન માત્રમાં આવી જાય છે, જો મૂર્તિના સુખમાં ઊતરે તો સાધન માત્ર તે ભેળાં સિદ્ધ થઈ જાય છે. મહારાજ તથા મોટા અનાદિની વાતો ન સમજ્યામાં આવે તો પણ તેનો કસ જીવમાં રહે છે. જેમ પૂળાની કાલરમાં ઝાકળ પડે છે તેની હવા કાલરમાં સોંસરી પડી જાય છે. તેમ વાતો ન સમજાય તો પણ તેની હવા જીવમાં સોંસરી પડી જાય છે. જો દેહને ખોટો કરીએ તો તે ભેળી જેટલી અસત્ય વસ્તુ છે તે સર્વે ખોટી થઈ જાય. જો એક મહારાજની મૂર્તિ આવી તો સર્વે વસ્તુ હાથ આવી. આપણે તો પુરુષોત્તમરૂપ થાવું તો જ પુરુષોત્તમ પમાય. તેમાં કોઈને શંકા થાય જે પુરુષોત્તમરૂપ થઈએ તો સ્વામી સેવકપણું કેમ રહે? તો એનું એમ છે જે જેમ બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ કહેવાય પણ દીકરાનો નાતો ટળતો નથી; તેમ પુરુષોત્તમ તે સ્વામી અને મુક્ત તે સેવક એ નાતો ટળતો નથી. પુરુષોત્તમના સાર્ધમ્યપણાને પામીને પુરુષોત્તમરૂપ થઈ જાય તો પણ સુખના આપનાર મહારાજ છે ને મુક્ત સુખ લેનાર છે. મહારાજની મૂર્તિમાંથી સર્વેને સુખ આવે છે, માટે સ્વામી-સેવકપણું વધતું જાય છે. મોટા તો સદા મૂર્તિના સુખે સુખિયા છે, કલ્પે કલ્પ વીતી જાય તો પણ મૂર્તિના સુખમાંથી નીકળતા જ નથી. મોટા મુક્ત તો સર્વેને દિવ્ય જ દેખે છે. જીવમાં માયા હોય તો મોટાની દૃષ્ટિમાં આવે જ નહિ. અનંત મુક્ત મહારાજની મૂર્તિમાં રહ્યા છે, તે જેમ મંદિરમાં હજારો મનુષ્યની સભા ભરાઈને બેઠી હોય ને તે ઉપર બીજી સભા હોય તેમ એક બીજી સભા ઉપર સભા હોય; તેમ હજારો સભાઓ થઈ હોય તે સર્વે આ તકતામાં મૂર્તિ છે તે મૂર્તિમાં જોઈએ તો સર્વે સભાઓ દેખાય છે. તે મૂર્તિને સભાની રોકાણ થતી નથી; તેમ જ મહારાજને તથા મુક્તને એક બીજાની રોકાણ થતી નથી. મૂર્તિમાં મુક્ત સુખ લીધા જ કરે છે, તેમાં કોઈને એક બીજાનું આવરણ નથી; તે મુક્ત સર્વે મૂર્તિમાં લુબ્ધ છે.