૧૩૭
મહારાજે તો એમ કહ્યું છે જે અક્ષરધામની મૂર્તિ ને આ મૂર્તિમાં એક રોમનો ફેર નથી. સ્વામિનારાયણમાં ત્યાગ ભાગ નથી. આ તો અચળ, સનાતન ને અનાદિ છે ને સર્વેના ઉપરી છે તે કોઈથી દબાય નહિ. પણ બીજાને પોતે દબાવી દે; એવી સામર્થીએ યુક્ત મહારાજ અને મુક્ત સદાય છે, છે ને છે જ. એવા સર્વોપરી મહારાજ અને મુક્ત આ સભામાં બેઠા હોય તો પણ તેનો મહિમા ન જાણે તેને તો પરોક્ષ છે. જેને જ્ઞાન હોય તેને તો મહારાજ અને મુક્ત કોઈ કાળે પરોક્ષ થાય તેમ નથી. જેમ મહારાજ અનાદિ છે તેમ મુક્ત પણ અનાદિ છે. એવા મુક્ત તો સદાય મૂર્તિમાં જ રહે છે. જેમ દેહમાં જીવ રહે તેમ સાથે જ રહે છે. એવો મહિમા જાણે તો તે મહિમા જાણનારથી પણ મહારાજ જુદા ન રહે. તે મોટા અનાદિ તો સદાય મૂર્તિમાં રહે છે જેથી અનંત મનુષ્ય ખેંચાય છે. એવા મુકતનો જોગ ક્યાંથી મળે!