૩૧
તમોને છેલ્લો મુદ્દો હાથ આવ્યો છે, કેમ જે બધી સભાઓ ભેદીને છેલ્લા શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત મળ્યા છે. આવો ભાવ આ મુક્તને વિષે રહે તો સુખી થવાય ને રાગ માત્ર ટળી જાય. આ તો છેલ્લા મુક્ત છે, તે મહારાજના સુખમાં વળગાડે છે. તમે કોઈક ઠેકાણે ધૂણીપાણી કરેલાં છે (સેવા કરેલી છે) તેથી તમને આ જોગ મળ્યો છે. મોટાના ભેળા પૂર્વે જે રહેલા હોય તે જ મોટાને ઓળખે છે. "દરદીની વાતો દરદીડા જાણે, બેદરદીને શું ભણીએ?" તમારે તો અનાદિ ને મહારાજ ઢૂંકડા આવ્યા છે, માટે માયાનાં કાર્ય એટલે શ્રીજીમહારાજની સત્તાનાં કાર્ય જે અક્ષરકોટી આદિ તેમાં લેવાવું નહિ. જે એ અક્ષરાદિકમાં તથા એના કાર્યમાં હેત રાખે તેને મહારાજનો મહિમા સમજાણો જ નથી. તમને તો પ્રત્યક્ષ વાદળી છૂટી પડી છે ને કાળ, કર્મ, માયા ને સ્વભાવ તે સર્વેને કાઢી નાખ્યા છે. વેપાર કરવા આવે તે લાખો કરોડો રૂપિયા કમાઈને જાય ને કોઈક ઠાલા પણ જાય. જો આવા મુક્તને ઓળખે નહિ તો ઠાલા ગયા જેવું છે, અને જો આવા મોટાનો અભાવ આવે તો લાખો કરોડોની ખોટ જાય; એટલે કલ્યાણના માર્ગમાંથી પડી જાય.