૫૦

શ્રીજીમહારાજે મધ્ય પ્રકરણના 13મા વચનામૃતમાં કહ્યું છે જે "માતાના ઉદરમાં મૂર્તિ દેખતા" તે મુક્તની સ્થિતિ કહી છે. આજ આવા મોટા પુરુષને મહારાજે મોકલ્યા છે, માટે આ દાવ હારવો નહિ. આ શબ્દ જીવમાં ઉતારતા આવો તો જીવ પાત્ર થતો આવે. આ વખતે શરદઋતુ છે. જો આ વાતોમાં આતુરતા હોય તો મહારાજની મૂર્તિરૂપી ફળની પ્રાપ્તિ થાય ને એક એક શબ્દ લાખ, કરોડ રૂપિયાનો થઈ પડે. જો આ શરદઋતુ જાણી હોય તો. જેમ ફળ, પુષ્પની ઉત્પત્તિ થવાની ઋતુ આવે છે, તેમ આ મોક્ષની ઋતુ આવી છે. અમારા મુખમાંથી વચન આવે છે તે શ્વાંત છે, તેને ઝીલનાર હોય તો કાંઈનાં કાંઈ ફળ પાકી પડે. બીજા અવતારો હતા તે શરદઋતુ ન કહેવાય, આજ શરદઋતુ ખરી આવી છે, તે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે જે "શરદઋતુમાં આવે જો ઘનશ્યામ, રંગભર રમીએ" આ સંત અક્ષરધામનો દરવાજો છે. અમે શ્રીજીના મુખમાંથી લઈને સુખ પ્રવર્તાવીએ છીએ અને મૂર્તિમાંથી લઈને વાતો કરીએ છીએ ને મૂર્તિનો રસ પ્રવર્તાવીએ છીએ; એ શ્વાંત વરસાવીએ છીએ, તે કંઈકનાં કામ થઈ જાય છે.