૫૧
મૂર્તિમાં જોડાઈ બેઠા હોય તે મૂર્તિમાંથી બહાર ન નીકળે, રસબસ જોડાઈ રહ્યા હોય. ધ્યાનમાં જાય તે જળમીનવત્ રહે, જેમ જળમાં પડ્યો તે કોરો રહે નહિ તેમ. એના અવયવ શીતળ, ઇંદ્રિયો શીતળ, અંત:કરણ શીતળ અને ચિત્ત અખંડ ભગવાનના ચિંતવનમાં રહે. ધ્યાન કરતાં, માળા ફેરવતાં, એ મૂર્તિની બહાર નિકળાય નહિ; એ યોગીની નિદ્રા કહેવાય. મૂર્તિના ઘરાક થાવું, જે એના ઘરાક નથી થાતા તે તો મૂર્તિ વિના વાંઝીયા પડ્યા છે, માટે એક ભગવાન ને તેમના સંત રાખીએ તો શીતળ, શાંત રહેવાય. એ મૂર્તિનું તેજ ઝળળળ ઝળળળ નીકળે છે. એ તેજમાં ઠરે પણ નહિ, બળે પણ નહિ, આનંદ આનંદ રહે, બીજું કાંઈ ભાસે જ નહિ, મહારાજ કહે મંદવાડ એવો ખરેખરો કરી દેવો કે આ લોક, ભોગ, સગાં, સંબંધી, નાત, જાતમાં ક્યાંય વૃત્તિ રહે નહિ. એક મૂર્તિના સુખે જ સુખી થઈ જવાય. એ સાધનમાં સર્વેએ રહેવું. એ સાધન જબરું છે. એ સાધન કર્યા વિના પાર નહિ આવે. એ સાધન તે સર્વે સાધનનું ફળ છે. આજ વખત સારો છે. એ જોગ તમને મળ્યો છે. મોટાનો જોગ કરતાં કરતાં મૂર્તિ મળે છે અને આવો મોટો જોગ મળવો તે પણ મોટા ભાગ્યવાળાને મળે છે, માટે આ જોગ કરવો. મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી અને અખંડ મહારાજના સ્વરૂપમાં જોડાઈ રહેવું, એ બહુ જબરી વાત છે.