૯૮
મહારાજ તથા મોટા અનાદિમુક્તના મહિમાનું બીજ સર્વે વાતમાં લાવવું. અનાદિમુક્તમાં જીવ બાંધે તેને પોતાના જેવા દિવ્ય કરી મૂકે છે. જેને મોટા મુક્તનો જોગ ન થયો હોય તેને માયા ઘણી બળવાન જણાય છે, પણ મોટાના જોગમાં રહે તેને પરાભવ કરી શકે નહિ. મોટા તો સ્વતંત્ર હોય તે માયામાં પણ નિર્લેપ રહે, સ્વતંત્ર પ્રગટ થાય અને અનંત પતિત જીવોનો ઉદ્વાર કરી નાખે એવું એમાં સાર્મથ્ય છે. જેટલું મહારાજ જાણે દેખે ને કરે તેટલું મોટા મુક્ત પણ કરે. એ માટે અનાદિમુક્તને વિષે પણ મહારાજના જેવો દિવ્યભાવ લાવવો. આવો સત્સંગ સમજાણો અને ખરા મોટા મળ્યા તેને બીજે તણાવું નહિ. મોટા અનાદિ અનંતકોટિ બ્રહ્માંડની ક્રિયાને હસ્તામળ દેખે છે અને અસંખ્ય જીવને વર્તમાનકાળે અક્ષરધામમાં મૂકી આવે છે, માટે સત્સંગમાં જ છે, ખોળવા જવું પડે તેમ નથી; પણ જીવને વિશ્વાસ આવતો નથી. જો મહિમા સમજે તો મહારાજના દર્શન જેવો જ અનાદિમુક્તના દર્શનનો લાભ છે. એવા મોટા મુક્ત મહારાજની સમૃદ્ધિ છે. શાસ્ત્રમાં જે કાંઈ વાત આવે તે મહારાજ તથા તેમના મુક્તના સંબંધને પમાડવી. મૂર્તિના સુખના ભોક્તા તો મુક્ત જ છે. પણ અક્ષરાદિક કોઈ અવતાર એ સુખને પામતા નથી. ગર્જના ભેળી વિજળી હોય, તેમ મહારાજ ભેળા મુક્ત છે; તે અહીં પણ ભેળા જ છે. શ્રીજીમહારાજ કેટલાક મુક્તોને સ્વતંત્ર રાખે ને કેટલાક મુક્તોને પરતંત્ર રાખે છે. પણ જેવા સ્વતંત્ર મુક્ત સમાસ કરે તેવો એ મુક્તથી ન થાય. એવી સ્વતંત્ર મુક્તમાં સત્તા રહી છે. જેમ પૃથ્વીમાં ચક્રવર્તી રાજાની સત્તા છે, તેમ સ્વતંત્ર મુક્તની સત્તા છે. માટે સ્વતંત્ર મુક્તનો જોગ મન, કર્મ, વચને કરે તો કાંઈ ખામી રહે નહિ.