૩૭

આજ આ જ્ઞાનયજ્ઞ ને યોગયજ્ઞ થાય છે તેમાં આત્યંતિક કલ્યાણ થાય છે. સત્યુગમાં લાખ વર્ષ ધ્યાન કરે ત્યારે ભગવાનનું દર્શન માત્ર જ થતું. ત્રેતાયુગમાં દશહજાર વર્ષ સુધી યજ્ઞ કરે ત્યારે દર્શન થાય અને દ્વાપર યુગમાં એક હજાર વર્ષ સુધી પરિચર્યા કરે ત્યારે દર્શન થાય. આ કળિમાં સો વર્ષ સુધી કીર્તન કરે ત્યારે દર્શન થાય; અને આજ વર્તમાનકાળે તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ કરીને જોડી દઈએ છીએ. આજનો એવો પ્રતાપ છે. આજ તો સંત હરિજનોના દર્શન કરે તો પગલે પગલે બ્રહ્મયજ્ઞ થાય ને વળી આત્યંતિક કલ્યાણ કરે. આ યોગયજ્ઞ ને બ્રહ્મયજ્ઞ છે. આમાં આવેલાને ફેર જન્મ ધરવો પડશે નહિ, ઠેઠ મૂર્તિમાં મૂકી દઈશું, આવો પ્રત્યક્ષ મૂર્તિનો પ્રતાપ છે.