૬૯
જ્ઞાન પણ ઘણા પ્રકારનાં છે, પણ અનુભવજ્ઞાન થાય તે ખરું. મૂર્તિમાં રસબસ રહેવું, તે અનુભવજ્ઞાન કહેવાય. "રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મિસરી પયમાંહી ભળી" એમ મૂર્તિમાં જ રહેવું, પણ બહાર નીકળવું જ નહિ. મૂર્તિમાં રહે તેને મારું નહિ, તારું નહિ, સાધુ નહિ, ગૃહસ્થ નહિ, કાંઈ જોઈએ નહિ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક કોઈ સાધનની ખખા રહે નહિ. મૂર્તિ વિના બીજી કાંઈ સ્મૃતિ જ નહિ કોઈ પ્રકારનો ઠરાવ જ નહિ. એક મૂર્તિ જ રહે.