૯૫

આવા મહારાજ ને આવા મુક્ત પ્રત્યક્ષ છે, માટે જે કરો તે થાય. આવો વખત ભૂલવો નહિ અને સત્સંગની લટક રાખવી. લટક તે શું? તો મહારાજની મૂર્તિનું તાન રહે તેવા ગુણ દરેકમાંથી લેવા.

મૂર્તિમાંથી જળસ્, જળસ્ તેજ નીકળે છે. તે તેજ શીતળ, શાંત, બાળે તેવું નહિ તેમ જ ઠારે તેવું નહિ; એવું તેજ છે. એવો મહારાજની મૂર્તિમાં માલ છે, માટે સર્વ ક્રિયામાં મૂર્તિમાં જોડાવું, તેના સામું જોઈ રહેવું; તેનો વિચાર કરવો. આવા સંત મળ્યા છે, આવો જોગ મળ્યો છે. આ વખતે નહિ કરીએ ત્યારે ક્યારે કરશું? વસમી વેળાએ વહાર કરનારા આ મુક્ત છે તે અત્યારે જણાય નહિ. અત્યારે આપણી સાથે વાત કરતા હોય અને કેટલાકને અક્ષરધામમાં મૂકી આવતા હોય. એવા મુક્ત ઓળખાય નહિ તો મોટી ખોટ આવે. તેથી મુક્ત ઓળખવા જોઈએ. મુક્તના તો સંકલ્પ ચાલે છે. ગુજરાતમાં એક હરિભક્તને એક લાખ ગોપાળાનંદ સ્વામી દેખાણા ત્યારે તેણે પૂછ્યું જે સ્વામી તો એક છે અને આટલા અનેક કેમ? ત્યારે તે બોલ્યા કે અમે ગોપાળાનંદ સ્વામીના સંકલ્પ છીએ. એવા મોટાને અતિ હેતે સંભારવા ને મૂર્તિમાં જોડાઈ રહેવું. દેહ મૂકતી વખતે મહારાજ ને લાખો મુક્ત તેડવા આવશે, ત્યારે મહારાજ ને આવા અનાદિનો ખરેખરો મહિમા સમજાશે.