પત્ર : ૧૧૭

વ્યવહારમાં રહ્યા તેને કામ કર્યા વિના કેમ ચાલે ? કામ તનથી થાય, મન મૂર્તિમાં રખાય. વચનામૃત તથા બાપાશ્રીની વાતોથી આત્મા-પરમાત્માનું મનન થાય. મૂર્તિનું વધુ ચિંતવન થાય તો આ બધું સહેલું છે. આપણે દરેક વખતે ફરિયાદ કરીએ છીએ કે અમારે આમ થાય છે, તેમ થાય છે; ત્યારે એવું કેમ નથી બોલતા કે અમારા બહુ મોટા ભાગ્ય છે, અમે શ્રીજીમહારાજની દિવ્ય મૂર્તિમાં છીએ, સભા ભેળી જ છે.

અ. મુ. ચતુરભાઈને માથે કેટલો વ્યવહાર છે ? છતાં એમના બોલ ક્યારેય ઢીલા બોલાયા સાંભળ્યા નથી. જ્યારે જોઈએ ત્યારે મૂર્તિમાં રાખ્યાની જ વાતો. મૂર્તિની વાતો જ મુખ્ય લાવે. જાણે એમના ભેળા મહારાજ તથા બાપાશ્રી હોય ! એમ એમની વાત પરથી જણાઈ આવે. કોઈને ચરણરજ આપે, કોઈને આશીર્વાદ આપે, મેં તો એમના સમાગમાં આવું ઘણું જોયું છે. અમે છપૈયે ગયા હતા, એ જ રીતે કચ્છમાં તથા ગામડામાં, ગઢપુર, મૂળી જેવા ધામમાં, અમદાવાદ-વડતાલ વગેરે જ્યાં જ્યાં સાથે હોઈએ ત્યારે ઊઠતા-બેસતા, ના’તા-ધોતા, પૂજા કરતા કે કથા-વાર્તામાં મૂર્તિનું મુખ્યપણું જ જણાયા કરે. આવા જોગથી ઘાટ-સંકલ્પ બદલાઈ જાય. બીજા ઘાટ-સંકલ્પને બદલે મૂર્તિ ને મુક્તના ઘાટ થઈ જાય. ચંદનના વૃક્ષના સંબંધે સુગંધ જ વર્તે.