પત્ર : ૧૨
મહારાજે એક વાર ઓખાઈ જોડાં પહેર્યાં, જાડો સૂંથણો પહેર્યો, ઘેરવાળું કેડિયું પહેર્યું, માથે દક્ષિણી પાઘડી બાંધી, ભાલમાં ચંદનની આડ ને વચ્ચે કુંકુમનો ચાંદલો, કાને ટીપણું ખોસ્યું, ગળામાં ફકીર પહેરે છે તેવી તસ્બીની માળાઓ પહેરી, એક હાથમાં માળા લીધી ને બીજા હાથમાં બંદૂક લીધી, ને સભામાં પધાર્યા ! સૌને કહે : અમે કોના જેવા લાગીએ છીએ ? પછી સૌ વિચારી રહ્યા, પણ કોના જેવા કહેવા એ સમજાણું નહિ. પછી તો એક વૃદ્ધ સંત ઊઠ્યા કે, મહારાજ ! તમ જેવા તમે એક, કોઈ તમારા જેવા નહિ. આવા વચનથી મહારાજ બહુ રાજી થયા.