પત્ર : ૧૧૯

કૃપા કરી બળવા બનો, નિર્ભય બનો, સદાય મૂર્તિના આનંદમાં રહેવાય તેવો જોગ રાખો. મહારાજ, બાપા, સદગુરુ તથા મહામુક્તો બધાં આપણી સહાયમાં છે, આપણી સામું જોઈ રહ્યા છે. અમૃતનજર રાખી અભયવર આપણને આપે છે. આપણા સારુ અક્ષરધામથી આ લોકમાં દર્શન દે છે. તેથી સદગુરુ પ્રેમાનંદ સ્વામીના કીર્તનમાં પોતે કહ્યું છે કે ‘હું તો તમ કારણ રે, આવ્યો ધામ થકી ધરી દેહ.’ આ વચનોથી આપણે મૂર્તિનો અખંડ સંબંધ રાખી મહિમા જાણી, કૃપા મેળવી, પૂર્ણકામ રહેવું. ન થતું હોય તે કરવું તે શું ? તો મહારાજ તથા મહામુક્તનો વધુ ને વધુ સંબંધ. આખા દિવસમાં કેટલી વાર મૂર્તિમાં વૃત્તિ રહે છે તેનો ખટકો રાખવો. ધ્યાન-માળા, માનસીપૂજા, કથા-વાર્તા, વગેરેમાં આળસ ન રાખવી.