પત્ર : ૧૯૨
આપણે દિવાળી પ્રસંગ નવીન નથી, કેમ કે સદગુરુ અ. મુ. બ્રહ્માનંદ સ્વામી સમજાવે છે કે :
‘‘બ્રહ્માનંદનો નાથ મળતાં મારે દાડી દાડી દિવાળી !’’
એ રીતે આપણી દિવાળી સદાય છે. જ્યારે ભેળા થઈએ ત્યારે એવું પર્વ સમજવું. દિવ્યભાવમાં તો અ. મુ. અબજીબાપા સમજાવે છે કે તમને મૂર્તિમાં રાખ્યા છે. સ. ગુ. શ્રી સ્વરૂપાનંદ સ્વામી કહે છે કે એક લીંબડેકે નીચે મનુષ્ય દેખા, એટલે જ્યાં જાય ત્યાં તેમને સભાએ સહિત મૂર્તિ જ દેખાતી. અ. મુ. સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી કહે છે કે અમને તો મહારાજ વિના કાંઈ દેખાતું જ નથી. સ. ગુ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અમને મૂર્તિ ભુલાય તો તાળવું ફાટી જાય. આવીસ સ્થિતિ એ ખરી દિવાળી છે. આ પ્રાપ્તિ સાધનથી થતી નથી, મહારાજ અથવા મહારાજના અનાદિ મુક્તથી થાય છે. અનાદિ મુક્તમાં પણ કર્તા મહારાજ જ છે, આપણે આવી સમજણ, આવું જ્ઞાન, આવી સ્થિતિ પ્રાપ્ત કરવા શ્રીહરિની દિવ્ય મૂર્તિનો અખંડ સંબંધ રાખવો. મહારાજ તથા મોટાની કૃપાએ અગમ્ય નથી :
‘‘માયાનો જન તો જ મટે, જો હરિજન શરણે જાય,
બ્રહ્માનંદ કહે વાર ન લાગે, તરત જીવ શિવ થાય.’’
‘‘મહાપદ પામે રે પાછો કે’ દિ’ ન વળે,
હરિજન સંગે રે શ્રીહરિ તરત મળે.’’
આમાં કેવળ કૃપા જ છે, સાધન તો ઉપકરણ છે. તે જોઈએ ખરા પણ બધું કામ સાધનથી ન થાય. સાધનથી કૃપા થાય અને કૃપા થતાં પ્રાપ્તિ થાય. આ બધું આપણને સદગુરુઓના પ્રતાપે, બાપાશ્રીના પ્રતાપે બની ગયું છે. પણ એવો જોગ કાયમ રહેતો નથી, તેમ એવું મનન થતું નથી એટલે કૃતાર્થપણું, પૂર્ણકામપણું અને અહો ! અહો ! થતું નથી.