પત્ર : ૧૭
શ્રીજીમહારાજ અને તેમની દિવ્યસભા પાસે આપણે સૌએ દાસભાવે વર્તવાનું છે. શ્રીજીમહારાજ જેવા સર્વોપરી ભગવાન અને એ મૂર્તિમાં રસબસ ભાવે રહેલા અનંત અનાદિ મુક્ત તેમ જ અક્ષરધામની સભા પાસે - આ લોકમાં રહેલા દેહભાવવાળાને એ સભાનાં દર્શન-સ્પર્શનો લાભ ક્યાંથી મળે ? આ તો...
‘‘નરવિગ્રહ ધર્યો કરુણા કરી રે લોલ,’’
‘‘હું તો તમ કારણ રે આવ્યો ધામ થકી ધરી દેહ,’’
‘‘આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા,’’
આ રીતે શ્રીહરિ પોતે તથા મહામુક્તોએ આપણને એ દિવ્યસભામાં ભેળવવા આ બધું કર્યું છે. શ્રીજીમહારાજ તો એક સંકલ્પમાત્રે અનંતને સુખિયા કરી મૂકે તેવા છે. અક્ષરધામમાંથી એક મટકું માર્યું એટલે ઓગણપચાસ વર્ષ સુધી આ લોકમાં નૌતમ લીલા બતાવી. તેને લખાણથી મોટા મુક્તો સમજાવે છે, છેવટે ‘અપાર, અપાર’ કહી અટકે છે.
આપણે તો દિવ્ય ચિંતામણિ શ્રીહરિની મૂર્તિ તેને જતન કરીને રાખવી, આ લોકમાં પણ એમની મરજી પ્રમાણે બધુંય થયા કરે છે. ‘‘મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય.’’ ભક્ત એમ સમજે છે કે મારા સ્વામીનું કર્યું સર્વે થાય છે : ‘‘સ્વામી રક્ષક મારા સઘળે, એમ ભક્તને વરતે સદાય.’’