પત્ર : ૮૮
સદગુરુ સચ્ચિદાનંદ સ્વામી પાણી પીવે અને મહારાજની તરસ છીપે એવું આપણે સાંભળ્યું છે. શ્રીજીમહારાજની મૂર્તિ સાથે એકતા રાખનારને મહારાજ ક્યારેય વિસારતા નથી. પરમકૃપાળુ બાપાશ્રી કહે છે કે શ્રીજીમહારાજ પોતાના ભક્તની રક્ષા કરે છે, એમના મનોરથ સત્ય કરે છે, એક રોમમાં અસંખ્ય બ્રહ્માંડ ઊડે છે એવા શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ અલ્પ જેવા જીવની ટાણે રક્ષા કરે છે, તેથી જ દીનબંધુ કહેવાય છે. ગરીબનિવાજ કહેવાય છે. અનેકની રક્ષા એ રીતે કરે છે. અ. મુ. ઝીણાભાઈ મૂર્તિ ધારીને ચાલ્યા આવતા હતા, માર્ગનું અનુસંધાન ન રહ્યું, વચમાં કૂવો હતો, એક જ પગલું ભરે તો કૂવામાં પડે, તે વખતે શ્રીજીમહારાજ ગઢપુરની સભામાં બિરાજતા હતા ત્યાં ઓચિંતાની કમકમાટી આવી. ચકોરની પેઠે જોઈ રહેનારા ભક્તે પૂછ્યું : મહારાજ ! આ શું થયું ?’ ‘‘અમારા ઝીણાભાઈ કૂવામાં પડી જાતા હતા તેમની રક્ષા કરી.’’ એથી જ બાપાશ્રી કહે છે કે શ્રીજીમહારાજ સત્સંગની વહારે ચડ્યા છે, આપણા પર અઢળક ઢળ્યા છે, આપણને ન્યાલ કરવા આવ્યા છે, એટલે આપણાં ખોટનાં ખાતાં વાળી નાખ્યાં છે, આપણા પર અમૃત નજર કરી છે. એવી રીતે સદાય શ્રીજીમહારાજને જાણીએ તેમાં બધું આવી જાય છે.